<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

ભાવનગરની સરકારી સર. ટી. હોસ્પિટલ ખાતે પેશન્ટ ગાઈડ- દર્દી મિત્ર સુવિધા શરૂ કરાઈ

દર્દી, અને તેના સગા- સંબંધીઓ તથા મુલાકાતીઓને ઓપીડી ના તમામ વિભાગોની સેવાઓમાં વિલંબ ન થાય તે માટે સંપર્કનું કેન્દ્ર

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીનું વિઝન છે કે, દર્દીઓને સરકારી આરોગ્ય સંસ્થાઓમાં ગુણવત્તાસભર શ્રેષ્ઠતમ સારવાર મળી રહે તે માટે ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. ચિન્મય શાહ દ્વારા પેશન્ટ ગાઈડ - દર્દી મિત્ર સુવિધા શરૂ કરવામાં આવી  છે.
સ્વતંત્ર, સલામત, આરામદાયક શ્રેષ્ઠ આરોગ્ય સંભાળ સેવાઓ સમયસર મળી રહે તેમજ આ સેવાઓ વધુ   ગુણવત્તાસભર મળી રહે તે હેતુથી સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે પેશન્ટ ગાઈડ સેવાઓ શરૂ કરવામાં આવી છે. 
ભાવનગરમાં સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે  દર્દી, અને તેના સગા- સંબંધીઓ, લાભાર્થીઓ તથા મુલાકાતીઓને ઓપીડી અને નિદાન તમામ વિભાગોની સેવાઓ મેળવવામાં કોઈ વિલંબ ન થાય અને શ્રેષ્ઠતમ સેવાઓ મળી રહે તેની ખાતરી આપતી સેવા એટલે પેશન્ટ ગાઈડ. પેશન્ટ ગાઈડ એ દર્દીઓ માટે સેવા સંપર્કનું કેન્દ્ર છે.
પેશન્ટ ગાઈડ દર્દીઓને સર તખ્તસિંહજી હોસ્પિટલની તમામ આરોગ્યલક્ષી સેવાઓમાં મદદરૂપ થશે. દર્દીઓને સારવાર લક્ષી વિભાગો જેવી કે, ઓ.પી.ડી, દવાબારી, એકસ-રે વિભાગ, લેબોરેટરી, દાખલ વિભાગ, બ્લડ બેંક જેવા સબંધિત સેવાઓ માટે લોકેશન, પ્રોસેસ અને જરૂરી ફોર્મસ, કેસ સાથે છે કે નહિ તે ચેક કરી મદદરૂપ થશે. દર્દીની મુલાકાત સંતોષકારક રહે અને ઉદભવતા સામાન્ય પ્રશ્નોના નિરાકરણમાં મદદરૂપ થશે.
દર્દીઓને શ્રેષ્ઠત્તમ સારવાર મેળવવાની અપેક્ષાઓ પૂરી થાય છે તે ધ્યેય સાથે આ સેવાઓ શરૂ કરવામાં આવી આવી છે.

(7:00 PM IST)