News of Friday, 27th December 2024
બાબરામાં મહિલા પોલીસ કર્મચારીએ પોલીસ મથકમાં જ ફિનાઈલ પીધું:લખ્યું- 'સમાજ અને સરકાર ન્યાય અપાવે
રાજશ્રી વાળા નામની મહિલાએ બાબરા પોલીસ મથકમાં જ ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો :સ્યુસાઈડ નોટમાં પોતાને અન્ય પોલીસ કર્મીઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ

અમરેલી જિલ્લાના બાબરા પોલીસ મથકમાં મહિલા પોલીસ કર્મચારીએ ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મહિલા પોલીસ કર્મચારી દ્વારા સ્યુસાઈડ નોટમાં પોતાને અન્ય પોલીસ કર્મીઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજશ્રી વાળા નામની મહિલાએ બાબરા પોલીસ મથકમાં જ ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તાત્કાલિક રાજશ્રી વાળાને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજશ્રી વાળાએ ફિનાઈલ પીધા પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી, જેમાં પોલીસ વિભાગના અન્ય અધિકારીઓ દ્વારા પોતાને ટોર્ચર કરવામાં આવતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
બાબરા તાલુકાના નીલવડા ગામમાં દલિત યુવકને માર મારવા સંદર્ભે રાજશ્રી વાળાને ત્રાસ આપવામાં આવતો હતો. આ દલિત યુવકને માર મારનાર રાજશ્રી વાળાનો ભાઈ થતો હોવાથી પોલીસ વિભાગ દ્વારા સતત ત્રાસ આપવામાં આવતો હોવાથી તેમણે અંતિમ પગલું ભરવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.
રાજશ્રી વાળાની સ્યુસાઈડ નોટમાં તેમણે લખ્યું છે કે, મારા પર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે. કોઈ કારણ વિના મારી બદનામી કરવામાં આવી રહી છે. મેં કોઈ ગુનો ના કર્યો હોવા છતાં 4 દિવસ સુધી મારી અટકાયત કરીને મને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી છે. આ બધુ હવે મારાથી સહન ના થતું હોવાથી હું જીવન ટૂંકાવું છે. મારો સમાજ અને સરકાર મને ન્યાય અપાવે. હાલ તો પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(12:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
