<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

લ્‍યો હવે એક બે નહીં પણ ૭૫ બોગસ હિસાબનીશ ?? કચ્‍છના પ્રાથમિક શિક્ષણ તંત્રમાં ઊંડી તપાસ માંગતું કૌભાંડ

૧૬૬૪ સરકારી સ્‍કૂલોમાં સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્‍ટોના હિસાબોના રજીસ્‍ટર નિભાવવામાં ૧૦ વર્ષથી ચાલતું લોલમલોલ, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા કચ્‍છના પ્રભારી છે તેમ છતાં પણ શિક્ષણ તંત્ર આ મામલે ગંભીર નથી?

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮ :  બોગસ અને નકલી એ બે શબ્‍દો ગુજરાત સરકાર માટે શિરદર્દ અને વિકાસ તેમ જ સુશાસનની શાખ સામે સવાલ સર્જી રહ્યા છે. કચ્‍છના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં અત્‍યારે સર્વ શિક્ષા અભિયાનના ૭૫ જેટલા કરાર આધારિત બોગસ હિસાબનીશોની નિયુક્‍તિ ના કૌભાંડે હડકંપ સર્જ્‍યો છે. શિક્ષણ જેવા આદર ધરાવતા ક્ષેત્રમાં હિસાબો ચોખ્‍ખા અને દૂધે ધોયેલા હોવા જોઈએ તેને બદલે દસ દસ વર્ષથી સરકારી ગ્રાન્‍ટોના હિસાબ ચેક કરવા માટે માત્ર કાગળ ઉપર જ બોગસ હિસાબનીશની નિયુક્‍તિ બતાવી ગ્રાન્‍ટની રકમ તેમ જ હિસાબનીશના પગાર ના નામે લોલમલોલ ચાલતું રહ્યું હોવાની ચર્ચાએ ચકચાર સાથે સવાલો સર્જ્‍યા છે. કચ્‍છમાં કાર્યરત ૧૬૬૪ પ્રાથમિક શાળાઓમાં સર્વ શિક્ષા અભિયાનની કેન્‍દ્ર અને રાજ્‍ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ભણતર માટે આવતી ગ્રાન્‍ટના હિસાબનું રજીસ્‍ટર નિભાવવા અને તેની ચકાસણી કરવાની કામગીરી અમદાવાદની ખાનગી એજન્‍સી જે.ટી. શાહ કંપનીને સોંપાઈ છે. સરકારના કરાર મુજબ ગ્રાન્‍ટ અને ખર્ચ માટે શાળા કક્ષાએ ૬૪, તાલુકા કક્ષાએ ૧૦ અને જિલ્લા કક્ષાએ ૧ એમ કુલ મળી ૭૫ હિસાબનીશની નિમણૂક કરવાની હતી. આ વર્ષે આ અંગે શાળાઓના મુખ્‍ય શિક્ષક પાસેથી ખર્ચ અંગે હિસાબનીશના પ્રમાણપત્ર બાબતે ગાંધીનગર કક્ષાએથી આગ્રહ રખાયો હતો. જે અન્‍વયે સ્‍થાનિકેથી મુખ્‍ય શિક્ષકો પાસેથી પ્રમાણપત્ર માંગવામાં આવ્‍યા હતા પરંતુ પરંતુ એક પણ હિસાબનીશ રૂબરૂ દેખાયો ન હોઈ મુખ્‍ય શિક્ષકો પ્રમાણપત્ર આપવામાં ખચકાટ અનુભવતા હોઈ આ મુદ્દો ચર્ચામાં આવ્‍યો. એટલે કે, અત્‍યાર સુધીમાં તમામ ૭૫ જેટલા હિસાબનીશના નામે લેવાયેલ પગાર તેમ જ આ બોગસ હિસાબનીશ દ્વારા સરકારી ગ્રાન્‍ટ ની રકમનું અને ખર્ચનું કરાયેલ ઓડિટ તેમ જ તેનો રિપોર્ટ તમામ શંકાના દાયરામાં આવી ગયો છે. જે સંપૂર્ણ તપાસ માંગી લે છે, કે ખરેખર સત્‍ય શું છે? બીઆરસી અને સીઆરસી કોર્ડિનર્ટરો પોતે અંધારામાં હતા કે પછી આ લોલમલોલનો તેમને ખ્‍યાલ હતો? મીલી ભગત હતી? એક બે નહીં પણ દસ દસ વર્ષથી કચ્‍છ પ્રાથમિક શિક્ષણ વિભાગમાં આ કૌભાંડ ચાલતું રહ્યું ત્‍યારે સરકારી એકાઉન્‍ટન્‍ટ તેમ જ શિક્ષણાધિકારી અજાણ હતા કે આંખો બંધ રાખી હતી? અત્‍યારે જે તે શાળાઓના ખર્ચના હિસાબો મંજૂર કરવા માટે મુખ્‍ય શિક્ષકોને પ્રમાણપત્ર આપવા માટે કરાયેલ દબાણ બાદ સમગ્ર પ્રકરણ સોશિયલ મીડિયા અને અન્‍ય મીડિયા સુધી પહોંચી ચર્ચામાં આવ્‍યું છે.

 બસ, આ ચર્ચા સાથે કચ્‍છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્‍દ્રસિંહ વાઘેલા એ હવે કડક બની તપાસ સમિતિ નીમી છે. જેમાં જે તે શાળાના મુખ્‍ય શિક્ષક, સીઆરસી, બીઆરસી, હિસાબનીશ શંકાના દાયરામાં છે. જોકે, ખળભળાટ સર્જતી હકીકત એ છે કે, પ્રાથમિક શિક્ષણાધિકારીએ જ્‍યારે પુછાણું લીધું ત્‍યારે શાળાઓમાં કરાર આધારિત હિસાબનીશ કોણ ? એ ખરેખર છે ? દેખાયા નથી ? આ અંગે કોઈ જવાબ નથી કે કચ્‍છના શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર કોઈ ખુલાસો નથી. દરમ્‍યાન સરકારે હિસાબોની દેખરેખ માટે રોકેલ ખાનગી એજન્‍સી જે.ટી. શાહ કંપની ના કરાર ત્રણ વર્ષથી રિન્‍યુ થઈ રહ્યા છે કોઈ પણ રિમાર્ક વગર તેના બિલો મંજૂર  થઈ ગયા છે. ત્‍યારે સવાલ એ છે કે કરાર આધારિત ૭૫ હિસાબનિશો કોણ છે? એમને કેટલી રકમ ચૂકવાઈ? કોની સહી થી ચૂકવાઈ? અત્રે એ ઉલ્લેખનીય છે કે, કચ્‍છ જિલ્લાના પ્રભારી પ્રફુલ પાનશેરીયા રાજ્‍યના શિક્ષણ મંત્રી છે ત્‍યારે કચ્‍છથી ગાંધીનગર સુધીનું શિક્ષણ તંત્ર આ સમગ્ર પ્રકરણ મામલે તપાસ માટે કેટલું ગંભીર છે?

(11:16 AM IST)