<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

લોધીકાના વિરવામાં ૪ ઉદ્યોગકારોએ દબાણ ખડકી દિધુઃ મામલતદારે બુલડોઝર ફેરવી દિધુ

ર કરોડની જમીન ખુલ્લી કરાવાઇઃ ૨૦૨૧થી દબાણ હોવાનું ખુલ્‍યું

રાજકોટ તા.૨૮: રાજકોટ જિલ્લા કલેક્‍ટર શ્રી પ્રભવ જોશીના નિર્દેશ મુજબ જિલ્લામાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લોધિકા તાલુકામાં મામલતદારની રાહબરીમાં વિરવા ગામે આશરે બે હજાર ચોરસ મીટર જમીન પર થયેલા ગેરકાયદે દબાણ હટાવીને આશરે રૂપિયા બે કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના વિરવા ગામમાં સરકારી ખરાબાની રેવન્‍યુ સ.નં.૭૧ ની આશરે ૨૦૦૦ ચો.મી. જમીનમાં અનઅધિકળત દબાણ કરવામાં આવ્‍યું હતું. આથી જમીન મહેસુલ કાયદાની કલમ-૬૧ તથા ૨૦૨ હેઠળ તમામ દબાણદારોને અગાઉ નોટીસ બજવણી કરવામાં આવી હતી અને સરકારી જમીન પરનો અનઅધિકળત કબ્‍જો ખુલ્લો કરી આપવા જણાવવામાં આવ્‍યું હતું.

આ દબાણ સુધી દૂર થયા ના હતા, જિલ્લા કલેક્‍ટરશ્રીની સુચના તથા પ્રાંત અધિકારીશ્રીના માર્ગદર્શન મુજબ, લોધીકા મામલતદારે વિરવા ગામે દબાણ હટાવો કામગીરી શરૂ કરી હતી. જે અંતર્ગત આશરે રૂ. બે કરોડની કિંમતની આશરે ૨૦૦૦ ચો.મી. જેટલી સરકારી જમીન પરનું દબાણ પોલીસ બંદોબસ્‍ત સાથે રાખી દૂર કરાવ્‍યું હતું. તાલુકા મામલતદાર કચેરીના ઉમેર્યા પ્રમાણે ચાર જેટલા ઉદ્યોગકારોએ દબાણ કરી નાખ્‍યું હતું.

સૂત્રોએ જણાવ્‍યું હતું કે લોધિકાના વીરવા ગામે સરકારી ખરાબાની રેવન્‍યૂ સર્વે નં.૭૧ની આશરે ૨૦૦૦ ચો.મી. સરકારી જમીનમાં ઉદ્યોગકારો ધર્મેશ મણવર, મહેશ હપાણી, રાહુલ સાંગાણી અને સંજય ભૂવાએ વર્ષોથી દબાણ ખડકી દીધા હતા અને પોતાના શેડ ચણી લીધા હતા. ૨૦૨૧માં ચારેય દબાણકારો સામે પેશકદમીનો કેસ થયો હતો. ચારેય દબાણકારો સામે જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૧ મુજબ નોટિસ આપ્‍યા બાદ દબાણ સાબિત થતા કલમ-૨૦૨ મુજબ તે દૂર કરવા નોટિસ અપાઇ હતી. આમ છતાં ચારેય ઉદ્યોગકારોએ પોતાનું દબાણ સ્‍વૈચ્‍છાએ દૂર ન કરતા શુક્રવારે ડિમોલિશનની કાર્યવાહી કરી રૂ.ર કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.

(11:13 AM IST)