News of Saturday, 28th December 2024
અમરેલી ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટર બૉમ્બ મુદ્દે ભાજપના જ ચાર કાર્યકરોની ધરપકડ
યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનિષ વઘાસિયા, જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયા, પાયલ ગોટી અને જીતુ ખાત્રાની ધરપકડ

અમરેલીના ધારાસભ્ય અને નાયબ દંડક કૌશિક વેકરીયા વિરુદ્ધનો લેટર સોશિયલ મીડિયામાં ફરતો થતાં રાજકારણ ગરમાયું હતુ. આ મામલે તપાસ કરતી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. કૌશિક વેકરીયાને બદનામ કરવા માટે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખના નામનો નકલી લેટર પેટ બનાવીને તેમાં ધારાસભ્ય વિરુદ્ધ ગંભીર આરોપ મૂકવામાં આવ્યા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરીયાના નામે લેટર બોમ્બ ફૂટ્યો હતો. જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા ભાજપને બદલે કોંગ્રેસીઓને વધુ મહત્ત્વ આપતા હોવાનો સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો હતો. અમરેલી તાલુકા પંચાયતનો પણ તમામ વહીવટ કૌશિક વેકરીયા જ કરે છે, પ્રમુખને તો માત્ર તેમના કાર્યાલયે જઈને જ્યાં કહે ત્યાં સહી કરવાની હોય છે. અમરેલી નગર પાલિકા અને જિલ્લા પંચાયતનો વહીવટ પણ કૌશિક વેકરિયા જ કરી રહ્યા છે.તેમની પાસે પાવર હોવાથી કોઈ કશું બોલતું નથી.
આ પત્ર ફરતો થતાં તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાએ સ્પષ્ટતા કરવી પડી હતી કે, મારા લેટર પેડનો દુરુપયોગ કરીને તેમજ ખોટા સહી-સિક્કા કરીને સ્થાનિક ધારાસભ્યની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે તેવા તદ્દન ખોટા આરોપો મૂકવામાં આવ્યા છે. આખરે આ મામલો પોલીસ પાસે પહોંચતા તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ કેસમાં અમરેલી પોલીસ દ્વારા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેઓની ઓળખ યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનિષ વઘાસિયા, જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયા, પાયલ ગોટી અને જીતુ ખાત્રા તરીકે થઈ છે. હાલ તો પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
