તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Monday, 30th December 2024
જસદણ સરકારી હોસ્પિટલમાં છેલ્લા આઠ માસથી ગાયનેક તથા સર્જનની જગ્યા ખાલી
નિઃસ્વાર્થ સેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા લેખિત રજૂઆત

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૩૦: કોરોના કાળથી અવિરત સેવાકાર્ય કરતી બિન રાજકીય સંસ્થા નિઃસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલે જસદણ સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોકટર તેમજ સર્જનની તાત્કાલિક અસરથી નિમણૂંક કરવા માટે લેખીતમાં રૂબરૂ રજૂઆત કરી હતી.
નિઃસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના પ્રમુખ મેહુલભાઈ સંઘવીના જણાવ્યા અનુસાર જસદણ સરકારી હોસ્પિટલને બે વર્ષથી સબડિસ્ટ્રીક્ટ કક્ષાનો દરજ્જો મળ્યો હોવા છતાં છેલ્લા આઠ માસથી ગાયનેક ડોકટર તેમજ સર્જન ડોકટરની જગ્યા ખાલી હોવા છતાં રાજ્ય અને જીલ્લા આરોગ્ય વિભાગની બેજવાબદારી અને અણઆવડતના પાપે આજ સુધી જરૂરી ડોકટરોની નિમણૂંક કરવામાં આવી નથી. ડોકટરોના અભાવે જસદણ શહેર તેમજ પંથકના ગરીબ દર્દીઓને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે રહ્યો છે ત્યારે વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો હોસ્પિટલ જેવા મહત્વના પ્રશ્ને આંખ આડા કાન કેમ કરી રહ્યા છે ? એવો પ્રશ્ન જસદણ પંથકના દર્દીઓ અને શહેરીજનોમાં ચર્ચાય રહ્યો છે આઠ મહિના પૂર્વે જસદણ સરકારી હોસ્પિટલમાં ખૂબ સારી સારવાર અને સવલતો મળવા લાગતા પ્રસૂતિના કેસોમાં નોંધપાત્ર વધારો થવા લાગ્યો હતો સિઝેરીયન દ્વારા પણ પ્રસૂતિ થતી હતી અને નાના મોટા ઓપરેશનો પણ થતા હતા પરંતુ હાલ ડોકટરોના અભાવે જરૂરી સારવાર અને સર્જરી નહી થઈ શકતા ગરીબ દર્દીઓને અનેક પ્રકારની યાતનાઓ સહન કરવી પડી રહી છે. વધુમાં મેહુલભાઈ સંઘવી એ આક્રોષ સાથે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી યથાવત રહી તો આગામી સમયમાં સબડિસ્ટ્રીક્ટ કક્ષાની જસદણ સરકારી હોસ્પિટલ માત્ર શોભાનું પ્રતિક બની રહેશે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલે દર્દીઓના પ્રશ્ને ચિંતાની લાગણી વ્યકત કરતા જસદણ સરકારી હોસ્પિટલમાં ઘટતા ડોકટરોની વહેલીતકે નિમણૂંક કરવા બાબતે ભારપૂર્વક રજૂઆત કરી હતી.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
