<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

લીંબડીના દેવપરા ગામે માધ્‍યમિક શાળા મંદિરના ભોજનાલયમાં ચાલે છેઃ સરકારે જમીન ફાળવી પણ ઇમારત બનતી ના હોઇ ભારે મુશ્‍કેલી

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૩૦: સુરેન્‍દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નળકાંઠામાં આવેલ દેવપરા ગામમાં અગાઉ માધ્‍યમીક શાળા જ ન હતી. ત્‍યારે સરકારે ૩ વર્ષ પહેલા દેવપરામાં નવી માધ્‍યમીક શાળાને મંજૂરી આપી હતી. ત્‍યારબાદ આ શાળા માટે જમીન ફાળવી દેવાઈ હોવાથી હજુ સુધી શાળાનું બાંધકામ શરૂ થયુ નથી. આથી દેવપરા સહિત આસપાસના ગામોના ૯૦થી વધુ વિદ્યાર્થીઓ ગામના તળાવ કાંઠે આવેલા મંદીરના ભોજનાલયમાં આવેલા પતરાના શેડ નીચે અભ્‍યાસ કરી રહ્યા છે.

લીંબડી તાલુકામાં તાલુકા મથકથી ૩૫ કિલોમીટર દુર નળકાંઠામાં દેવપરા ગામ આવેલુ છે. દેવપરા ગામની અંદાજિત ૧૪૦૦ આસપાસ વસ્‍તી છે. અગાઉ દેવપરામાં માત્ર ધોરણ ૧થી ૮ સુધીની પ્રાથમીક શાળા જ હતી. ત્‍યારે ગ્રામજનોની માંગને લઈને સરકારે ૩ વર્ષ પહેલા નવી માધ્‍યમીક શાળાની મંજૂરી આપી હતી. જેમાં ધો. ૯ અને ૧૦ના ર વર્ગો ૩ વર્ષથી શરૂ થયા છે. આ શાળામાં દેવપરા ઉપરાંત આસપાસના કરશનગઢ, ભોજપરા, કમાલપર અને આણંદપર ગામના ૯૦થી વધુ દિકરા-દિકરીઓ અભ્‍યાસ કરે છે. પરંતુ ૩ વર્ષના વહાણા વીતિ જવા છતાં હજુ સુધી આ શાળાને પોતાનું મકાન મળ્‍યુ નથી. શાળાને મંજૂરી અપાયા બાદ તેના માટે જમીન પણ ફાળવી દેવાઈ છે. પરંતુ સરકાર ટેબલોમાં આ ફાઈલો આગળ વધતી જ નથી. જેને લીધે મુશ્‍કેલી પડે છે. હાલ દેવપરા ગામની સરકારી માધ્‍યમીક શાળા ગામના તળાવકાંઠે આવેલા મંદીરના ભોજનાલયમાં પતરાના શેડ નીચે ચાલે છે. જેમાં પણ એક સાથે ધો. ૯ અને ૧૦ના એમ ર વર્ગો ચલાવાય છે. વિદ્યાર્થીઓને પડતી મુશ્‍કેલીને ધ્‍યાને લઈ સામાજિક કાર્યકર મયુરભાઈ સાકરીયા, અર્જુનભાઈ ભડીયાદરાએ ગ્રામજનોની બેઠક બોલાવી હતી અને શાળાનું બીલ્‍ડીંગ ઝડપથી બને તે માટે રણનીતિ બનાવાઈ હતી.

જો સરકાર દ્વારા ઝડપથી કાર્યવાહી કરવામાં નહી આવે તો સુરેન્‍દ્રનગરમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સામે છાવણી નાંખી ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્‍ચારાઈ છે. પ્રાથમીક શાળામાં અભ્‍યાસ બાદ ગામડાઓના વિદ્યાર્થીઓ માધ્‍યમીક વિભાગમાં અભ્‍યાસ કરે અને ડ્રોપ આઉટ રેશીયો ન ઘટે તે માટે સરકાર સરકારી માધ્‍યમીક શાળાઓને મંજૂરી આપે છે. પરંતુ મંજૂરી બાદ આ શાળાઓ શરૂ ન થતા છાત્રો પરેશાન થઈ ગયા છે. ત્‍યારે સરકારની આવી ઢીલી નીતીથી ભણશે ગુજરાતનું સુત્ર સાર્થક થતુ નથી તે નરી વાસ્‍તવીકતા છે.

ધો. ૯ અને ૧૦ના વર્ગો ચલાવવાથી મુશ્‍કેલી

દેવપરા ગામે મંદીરમાં પતરાના શેડ નીચે ધો. ૯ અને ૧૦ એમ વર્ગો એક સાથે ચાલે છે. જેના લીધે વિદ્યાર્થીઓને અભ્‍યાસ સમયે એકાગ્રતામાં મુશ્‍કેલી પડે છે. આ ઉપરાંત શિક્ષકોને પણ અભ્‍યાસ કરાવવામાં મુશ્‍કેલી પડે છે. આથી શાળાની પોતાની ઈમારતની તાતી જરૂરીયાત ઉભી થઈ છે. સરકાર દ્વારા ઝડપથી શાળા માટે નવી ઈમારત બનાવવાની કાર્યવાહી શરૂ કરવા માંગ ઉઠી છે.

તો છાત્રોને રજા આપવી પડે છે

દેવપરાની સરકારી માધ્‍યમીક શાળા હાલ તળાવ કાંઠે આવેલા મંદિરના ભોજનાલયમાં ચાલે છે. ગામમાં કોઈ સામાજીક પ્રસંગ હોય કે મંદીરમાં ધાર્મીક પ્રસંગ હોય ત્‍યારે બાળકોને અભ્‍યાસમાં તકલીફ પડે છે. ગામમાં એક સાથે ૯૦થી વધુ બાળકોને અભ્‍યાસ કરાવી શકાય તેવી કોઈ એવી મોટી જગ્‍યા કે, કોઈનું ઘર ન હોય બાળકોને ફરજીયાત રજા આપવી પડે છે.

તો ધો. ૧૧-૧૨ની મંજૂરી પણ મળે

આ અંગે દેવપરા સરકારી માધ્‍યમીક શાળાના આચાર્યા કોમલબેન પટેલે જણાવ્‍યુ કે, શાળાનું પોતાનું બીલ્‍ડીંગ ન હોવાથી પરેશાની રહે છે. શાળાના બાળકો ખુબ હોંશીયાર છે. અને પ્રતી વર્ષ સારૂ પરીણામ લાવે છે. અભ્‍યાસ સીવાયની પ્રવળતીઓમાં પણ બાળકો સારો દેખાવ કરે છે. જો શાળાને પોતાની ઈમારત મળે તો આગામી સમયમાં ધો. ૧૧ અને ૧૨ના વર્ગોની પણ મંજૂરી મળી શકે તેમ છે.

(12:12 PM IST)