<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

પોરબંદરમાં હિરેન કારાવદરાની હત્‍યાઃ પુર્વ પ્રેમિકા હેતલના પતિ, ભાઇ સહિતે ધોકા-પાઇપના ઘા ફટકારી રહેંસી નાંખ્‍યો

ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં બોખીરાના ૨૯ વર્ષના યુવાનને અગાઉ રાણાવાવની યુવતિ હેતલ સાથે પ્રેમ હતોઃ તેણીના લગ્ન થઇ જતાં સંબંધ પુરો કર્યો હતોઃ આ બાબતે મનદુઃખ હોઇ સમાધાનની વાત કરવા માટે બોલાવી કાવત્રાને અંજામ અપાયો : નાના ભાઇ કરણ અને મિત્ર લાલાની નજર સામે જ હુમલો કરાયોઃ હિરેને રાજકોટમાં દમ તોડી દીધોઃ ઉદ્યોગનગર પોલીસે હેતલના ભાઇ સંજય મોઢવાડીયા, પતિ રમેશ કેશવાલા તેમજ રાહુલ ઉર્ફ લીખો અને અજાણ્‍યા સામે ગુનો દાખલ કર્યોઃ હત્‍યાનો ભોગ બનનાર ત્રણ ભાઇમાં મોટો અને અપરિણીત હતોઃ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૩૦: પોરબંદર બોખીરામાં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં ૨૯ વર્ષના યુવાનને રાણાવાવની યુવતિ સાથે અગાઉ પ્રેમસંબંધ હોઇ તેણીના લગ્ન થઇ ગયા બાદ સંબંધ પુરો કરી નાંખ્‍યો હતો. પરંતુ આ બાબતે તેણીના ભાઇ, પતિએ સમાધાનની વાત કરવાના બહાને બોખીરા જ્‍યુબીલી પાણીના ટાંકા પાસે આ યુવાનને બોલાવતાં તે પોતાના ભાઇ અને મિત્ર સાથે ત્‍યાં જતાં પુર્વ પ્રેમિકા, તેના ભાઇ, પતિ  સહિતના આવ્‍યા હતાં અને આ યુવાન પર તેના ભાઇ-મિત્રની નજર સામે જ આડેધડ ધોકા-પાઇપના ઘા કરતાં તેને ગંભીર ઇજા થઇ હતી. હત્‍યાની કોશિષનો ગુનો પોલીસે નોંધ્‍યો હતો. યુવાને રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડી દેતાં બનાવ હત્‍યામાં પરિણમ્‍યો છે.

આ બનાવમાં પોરબંદર ઉદ્યોગનગર પોલીસે હત્‍યાનો ભોગ બનનાર હિતેષ ઉર્ફ હિરેન ભનાભાઇ કારાવદરા (ઉ.વ.૨૯)ના નાના ભાઇ પોરબંદર બોખીરામાં જ્‍યુબીલી કસ્‍તુરબા સ્‍કૂલ પાસે રહેતાં કરણ ભનાભાઇ કારાવદરા (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી પોરબંદરના સંજય મોઢવાડીયા, રમેશ કેશવાલા, રાહુલ ઉર્ફ લીખો અને અજાણ્‍યા સામે બીએનએસની કલમ ૧૦૯ (૧), ૫૪, ૧૩૫ મુજબ હત્‍યાની કોશિષનો ગુનો દાખલ કર્યો હતો. રાજકોટમાં હિતેષ ઉર્ફ હિરેનનું મોત થતાં હત્‍યાની કલમનો ઉમેરો કર્યો છે.

કરણ કારાવદરાએ જણાવ્‍યું છે કે રવિવારે બપોરે સાડા બારેક વાગ્‍યે મારા મોટા ભાઇ હિતેશ ઉર્ફ હિરેને મને વાત કરી હતી કે રાણાવવની હેતલ મોઢવાડીયા સાથે મારે અગાઉ પ્રેમસંબંધ હતો. હેતલના લગ્ન થઇ ગયા બાદ મારે તેની સાથે સંબંધ પુરો થઇ ગયો છે. પણ આજે હેતલના ભાઇ સંજય મોઢવાડીયા અને હેતલના પતિ રમેશ કેશવાલાનો મને ફોન આવ્‍યો છે અને મને સમાધાન માટે ત્રણ માઇલ ખાતે આવવા કહે છે. આથી મેં મારા ભાઇને કહેલુ કે તું એ લોકોને બોખીરામાં બોલાવી લે, આપણે ત્‍યાં જવું નથી. ત્‍યારબાદ ફરી વખત સંજયનો ફોન મારા ભાઇને આવતાં તેણે બોખીરા જ્‍યુબીલીમાં પાણીના ટાંકા પાસે આવવાનું કહ્યું હતું.

આ પછી બપોરે સાડા ત્રણેક વાગ્‍યે હું, મારો ભાઇ હિતેષ ઉર્ફ હિરેન અને તેનો મિત્ર લાલો એમ ત્રણેય બોખીરા જ્‍યુબીલી પાણીના ટાંકા પાસે બેઠા હતાં. આ વખતે સાંજે ચારેક વાગ્‍યે એક બાઇક પર સંજય મોઢવાડીયા અને રાહુલ ઉર્ફ લીખો અને સંજયની બહેન હેતલ આવ્‍યા હતાં. આ ત્રણેય અમારી પાસે આવતાં હુ઼ ઉભો થઇ તેની પાસે જતાં પાછળથી રમેશ કેશવાલા અને એક અજાણ્‍યો આવી ગયા હતાં. જેના હાથમાં લોખંડના પાઇપ હતાં. આથી મેં મારા ભાઇ હિરનને બૂમ પાડી ભાગવાનું કહ્યું હતું. હિરેન અને તેનો મિત્ર લાલો ત્‍યાથી દોડીને ભાગવા જતાં સંજય મોઢવાડીયાએ રમેશ પાસેથી લોખંડનો પાઇપ ખેંચી મારા ભાઇ હિરેનને માથામાં ઘા મારી પછાડી દીધો હતો.

ત્‍યારબાદ ત્રણેય જણાએ પાઇપથી અને રાહુલ ઉર્ફ લીખાએ ધોકાથી મારા ભાઇને આડેધડ માર મારતાં તે લોહીલુહાણ થઇ બેભાન થઇ ગયો હતો. આ પછી આ બધા ભાગી ગયા હતાં. મારા ભાઇને ગંભીર ઇજા થઇ હોઇ હું મારા ભાઇ પાસે ગયો હતો અને તેને રિક્ષામાં બેસાડી સરકારી દવાખાને લઇ ગયો હતો. મારા ભાઇ હિતેશ ઉર્ફ હિરેનને રાણાવાવની હેતલ મોઢવાડીયા સાથે અગાઉ પ્રેમસંબંધ હતો. જે વાતનું મનદુઃખ રાખી તેણીના ભાઇ સંજય, તેણીના પતિ રમેશ અને રાહુલ ઉર્ફ લીખો તથા અજાણ્‍યાએ મારા ભાઇને મારી નાખવાના ઇરાદે પાઇપ, ધોકાના ઘા ફટકારી હત્‍યાનો પ્રયાસ કર્યો હતો. મારા ભાઇને વધુ સારવાર માટે અમે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં લાવ્‍યા હતાં. અહિ તેનું મૃત્‍યુ થયું છે.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચે ઉદ્યોગનગર પોલીસને જાણ કરતાં પીએસઆઇ એસ.આર. જાડેજા સહિતની ટીમે હત્‍યાની કલમનો ઉમેરો કરવા તજવીજ કરી હતી. (૧૪.૬)

હેતલ પણ

આરોપીમાં સામેલ, એફઆઇઆરમાં તેનું પણ નામ લખોઃ મૃતકના ભાઇની માંગણી

ઞ્જ હત્‍યાનો ભોગ બનેલા હિરેન ઉર્ફ હિતેષના ભાઇ કરણ કારાવદરાએ જણાવ્‍યું હતું કે એફઆઇઆરમાં હેતલનું નામ લખાયું નથી. તે પણ ઘટના સ્‍થળે સાથે હતી. આરોપી તરીકે તેનું પણ નામ સામેલ કરવા અમારી માંગણી છે. આ બાબતે અમે પોલીસ સમક્ષ માંગણી કરી છે.

(11:03 AM IST)