<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

‘‘હવે હું ફાળીયુ બાંધીને મેદાને આવી ગયો છુ'' તેમ રિબડીયાએ કહ્યુને ભાયાણી-ઈટાલીયાએ રીતસર રિબડીયાને આડેહાથ લીધાઃ જબરૂ રાજકીય વાક્‌યુદ્ધ

વિસાવદરમાં ઈકોઝોનની આડમાં જબરો રાજકીય તમાશો રાજ્‍યભરમાં ચર્ચાનુ કેન્‍દ્ર બન્‍યોઃ બાકાત રહેલ વિસાવદર વિધાનસભાની ચૂટણી પ્રશ્ને રાજકીય સમરાંગણ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૩૦:  વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત સંમેલન યોજવામાં આવ્‍યું હતું. ખાસ કરીને ગીર જંગલ આસપાસના ગામોને ઇકોઝોન જાહેર કરવાની તજવીજ સામે યોજાયેલા આ સંમેલનમાં અગાઉ કોંગ્રેસમાંથી ધારાસભ્‍ય રહી ચૂકેલા અને બાદમાં રાજીનામું આપી ભાજપમાં ચૂંટણી લડીને હારેલા હર્ષદભાઈ રીબડીયાએ પણ શાબ્‍દિક પ્રહાર કર્યા હતા. તેમણે ઈકો ઝોનને લઈને ખેડૂતોને પડનાર તકલીફો અંગે વાત કરી હતી.

સામે પક્ષે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ખુદ હર્ષદભાઈ રીબડીયાને હરાવી બાદમાં ભાજપમાં જોડાઈને આપના ધારાસભ્‍ય તરીકે રાજીનામું આપનાર ભૂપતભાઈ ભાયાણીએ રીબડીયાને આડે હાથ લીધા હતા. હાલ રીબડીયા અને ભાયાણી બંને ભાજપમાંજ છે. જોકે, રીબડીયાનું ગોત્ર કોંગ્રેસનું છે. હાર્યા બાદ રીબડીયાએ ભાયાણી સામે સોગંદનામામાં કહેવાતો અમુક ઉલ્લેખ ચૂંટણી સોગંદનામામાં ન કર્યો હોઈ પોતાને જીતેલા જાહેર કરવાની માંગણી સાથે હાઈકોર્ટમાં રીટ કરી છે. આથી ભાજપે એવો સવાલ ઉઠાવ્‍યો છેકે, ઈકો ઝોન તો ૨૦૧૬થી છે. જેથી રીબડીયાએ કોંગ્રેસમાંથી ધારાસભ્‍ય હતા ત્‍યારે ઈકો ઝોનનો પ્રશ્ન શા માટે ન ઉઠાવ્‍યો? આ સાથે ખુદ આમ આદમી પાર્ટીના અધ્‍યક્ષ ગોપાલ ઇટાલિયાએ પણ હર્ષદ રીબડીયા રવાના થયા પછી તેમની હાઈકોર્ટમાં રીટને લીધેજ વિસાવદર ધારાસભ્‍ય વિહોણુ હોવાનું જણાવી તેમના પર પ્રહારો કર્યા હતા. આમ હર્ષદ રીબડીયાને હાલ ભાજપ અને આમ આદમી પાર્ટી બંને જગ્‍યાએથી રાજકીય પ્રહારોનો સામનો કરવો પડી રહ્યો છે.

મોણપરીમા ઈકોઝોન મુદ્દે યોજાયેલ જનસભામાં હાજર રહેલા પૂર્વ ધારાસભ્‍ય રીબડીયાએ જણાવેલ કે, ઘણા કહેતા હતા મને, હર્ષદભાઈ હટી ગયા લાગે છે, હમણાં દેખાતા નથી. આ ફાળિયું પાછું બાંધ્‍યું છે હો. ઈ તો બાંધવું પડે એમ હતું. આ બાંધ્‍યું પાછું. ૨૦૧૬માં ઈકોઝોન લાગુ પડયો ત્‍યારે આજ ફાળિયું બાંધીને વિધાનસભા ગજવી હતી. એ વખતે પણ હું ખેડૂતોની સાથેજ હતો અને આજે પણ સાથેજ છું. વિપક્ષોની એક કમિટી બનાવો અને સીધી દિલ્‍હી જઈને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને રજૂઆત કરો તેમ પણ રીબડીયાએ કહ્યુ હતુ.

દરમિયાન રીબડીયા સામે પૂર્વ ધારાસભ્‍ય ભુપતભાઈ ભાયાણીએ ઉગ્ર પ્રતિભાવ આપતા જણાવેલ કે, ‘‘હર્ષદભાઈ મારી સામે ભાજપમાંથી હાર્યા એટલે તેમણે હાઇકોર્ટમાં મારા સોગંદનામાને લઈને રીટ કરી પોતાને જીતેલો જાહેર કરવા માંગણી કરી છે. તેઓ ધારાસભ્‍ય હતા ત્‍યારે તો ઈકોઝોનનો મુદ્દો શા માટે ન ઉઠાવ્‍યો. તેમણે રીટ કરીને આખા વિસ્‍તારને બાનમાં લીધો છે. તેને લીધે ચૂંટણી નથી થઈ શકતી. ખેડૂતોની ચિંતા હોય તો હાઇકોર્ટમાંથી રીટ પાછી ખેંચો'' તેમ ભાયાણીએ સ્‍પષ્ટ શબ્‍દોમાં જણાવ્‍યુ છે.

દરમિયાન આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઈટાલીયાએ જણાવેલ કે,અહીં ઈકોઝોન વિરૂદ્ધની જનસભામાં આવીને હર્ષદભાઈ રીબડીયા સમિતિની વાતો કરી ગયા, પણ એ પોતે જ ભાજપમાં છે. પોતેજ દિલ્‍હી જઈને વડાપ્રધાન પાસે ઇંકો ઝોન નાબૂદ કરાવીને આવે આપણે સન્‍માન કરીશું. હકીકતે તેમણે હાઇકોર્ટમાં રીટ કરી છે એટલેજ વિસાવદર-ભેસાણ વિસ્‍તાર હજી ધારાસભ્‍ય વિહોણો છે. તેને લીધે વર્ષે ૨૨ કરોડના વિકાસ કામોની આ વિસ્‍તારને ખોટ જાય છે. ખેડૂતોની ચિંતા હોય તો રીબડીયા હાઇકોર્ટમાંથી રીટ પાછી ખેંચે તેમ ઈટાલીયાએ કહ્યુ હતુ.

જાણકારોના મતે ધારાસભ્‍ય ન હોવાથી વિસાવદરને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. જેમાં વર્ષે ધારાસભ્‍યને મળતી રૂ.૧.૫ કરોડના વિકાસ કામની ગ્રાન્‍ટ ન મળે, રોડ, રસ્‍તા, સુવિધા પથના આરસીસીના કામો માટે ધારાસભ્‍યના લેટરપેડ પર જ માર્ગ અને મકાન વિભાગ જોબ નંબર અને પછી ગ્રાન્‍ટ ફાળવે, વિધાનસભામાં વિસ્‍તારના પ્રશ્નો ઉઠાવી જ ન શકાય,વર્ષે ૨૨ કરોડના વિકાસ કામોની ગ્રાન્‍ટ ન મળે વિગેરેનો સમાવેશ થાય છે.

દરમિયાન ઈકોઝોનની લડતના પ્રણેતા અને આપ નેતા પ્રવીણ રામે ઉતરાયણમાં સમગ્ર ગીર વિસ્‍તારમાં ઇકોઝોન નાબૂદ કરવાના સ્‍લોગન વાળા પતંગ ચગાવી ઇકોઝોનનો વિરોધ દર્શાવવાનો આગામી કાર્યક્રમ જાહેર કર્યો હતો. તેમજ આગામી દિવસોમાં તાલાલામાં સભા અને જો ઈકોઝોન નાબૂદ ના થાય તો આગામી ચૂંટણીમાં ભાજપ નાબૂદ કરવાના પ્રોગ્રામો જાહેર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જ્‍યાં સુધી ઈકો ઝોન નાબૂદ ન થાય ત્‍યાં સુધી ભાજપનું બટન નહીં દબાવીએ એવો બધા નિર્ધાર કરે તેની પણ પ્રવીણ રામે હાકલ કરી હતી.

(1:30 PM IST)