News of Monday, 30th December 2024
પોરબંદરની ક્રેડીટ સહકારી મંડળીએ ૭૦ લાખનું ફુલેકુ ફેરવ્યું
દૈનિક બચત ઉપર ઉંચા દરે વ્યાજની સ્કીમ દ્વારા લાલચ આપીને સાડા છસો થાપણદારો પાસેથી નાણાં ઉઘરાવી લીધાં હતાં: થાપણદારોના જીવ ઉંચાઃ ૩ સામે ગુન્હો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૩૦: જલારામ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટી લી. નામની સહકારી મંડળીના આશરે સાડા છસો થાપણદારો તથા સભાસદો બનાવીને ફીકસ ડીપોઝીટ તથા દૈનિક બચતની ઉપર ઉંચા દરે વ્યાજ આપવાની લાલચ આપીને કુલ ૭૦,૭૩,૩૦૦ નું ફુલેકુ ફેરવીને રોકાણકારોના પૈસા પરત નહીં આપીને છેતરપીંડી કર્યાની ૩ વ્યકિતઓ સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
વેપારી જયેશભાઇ દેવશીભાઇ વરવાડીયાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સંજયભાઇ વિનોદરાય દાવડા, સપનાબેન સંજયભાઇ અને મનન સંજયભાઇ ત્રણેય સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આરોપીઓએ અગાઉથી જ પુર્વ આયોજીત કાવતરૂ રચી પોરબંદર જલારામ ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટી.લી નામની સહકારી મંડળીના આશરે સાડા છસો જેટલા થાપણદારો તથા સભાસદો બનાવી તેઓને રાષ્ટ્રીયકળત બેંક તથા અન્ય સંસ્થાઓ કરતાં ફીકસ ડીપોઝીટ તથા દૈનીક બચતની રકમ ઉપર ઉંચા દરે વ્યાજ આપવાની લોભામણી લાલચો આપી. થાપણદારો તથા સભાસદો પાસેથી ડીપોઝીટ તથા દૈનિક બચત તરીકે માતબર રકમ મેળવી લઈ, રકમ મેળવ્યા અંગે સીકયુરીટી તરીકે રસીદ ચેક આપી તથા દૈનિક બચતદારોને પાસબુક ઇસ્યુ કરી પાસબુકમાં રકમ ઉધારી, દૈનીક બચતદારો પાસેથી બચત તરીકેની રકમ મેળવી હતી.
આ રકમ જલારામ કેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી.ના યુનિયન બેંક ઓફ ઈન્ડીયા પોરબંદરના બેંક ખાતામાં જમા કરાવી પાછળથી આરોપી જયેશ દેવશીભાઇ તથા સપનાબેનનાએ મંડળીના મેજેનર તથા ડાયરેકટરના હોદ્દાની રૂએ પોતાની સહીઓ કરી બેંક ખાતામાંથી તમામ રકમ ઉપાડી લઈ. થાપણદારો તથા સભાસદો તથા દૈનિક બચત ખાતા ધારકો પાસેથી મેળવેલ રકમ પરત નહી આપી. આરોપી મનન નાએ આરોપી જયેશભાઇએ લીધેલ રકમ પરત અપાવી દેવાનો અવાર-નવાર વિશ્વાસ અપાવી ફરીયાદી પાસેથી તેના પોતાના તથા પરીવારના સભ્યોના એમ કુલ રૂા. ૭૦,૭૩,૩૦૦/-તથા જલારામ કેડીટ કો ઓપરેટીવ સોસાયટી લી પોરબંદરના આશરે સાડા છસો જેટલા થાપણદારો પાસેથી તપાસમાં ખુલે તેટલી રકમનું રોકાણ કરાવી રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ ઉચાપત કરી હતી.
આ મંડળીના મેનેજર તથા ડાયરેકટરના હોદાની રૂએ ગુન્હાહિત વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી આરોપીઓએ રચેલ પુર્વ આયોજીત કાવતરા મુજબ ગુન્હામાં એક બીજાને મદદગારી કરી ગુન્હો કર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવેલ છે.
આ છેતરપીંડીની ફરિયાદ અંગે વધુ તપાસ પોલીસ અધિકારી ઋતુ રાબા ચલાવી રહયા છે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
