<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

માર્કેટ યાર્ડમાં નવા ધાણાની સીઝન શરૂ :ગોંડલ યાર્ડમાં હરાજીમાં 20 કિલો મુહૂર્તનો ભાવ રૂ. 35,001 બોલાયો

ગોંડલ માર્કેટ યાર્ડ સમગ્ર સૌરાષ્ટ્રમાં ધાણાની આવકમાં અગ્રેસર રહ્યું

સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ, સૌરાષ્ટ્રમાં ધાણાનું હબ માનવામાં આવે છે. સામાન્ય રીતે જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં અહીં નવા ધાણાનું આગમન જોવા મળે છે, પરંતુ આ વખતે ગોંડલ માર્કેટ યાર્ડમાં નવી ધાણાની સિઝન શરૂ થાય તે પહેલાં આ આગમન નોંધાયું હતું.

જસદણ તાલુકાના સાંથલી ગામના ખેડૂત મધુભાઈ સમજજીભાઈ રાદડિયા સિઝન પહેલાં આ નવા ધાણા લાવ્યા હતા. જેને ગોલ્ડન એગ્રી નામની પેઢીએ ખરીદ્યું હતું. ઉલ્લેખનીય છે કે નવા ધાણાની હરાજીમાં 20 કિલો મુહૂર્તનો ભાવ 35,001 રૂપિયા બોલાયો હતો. ધાણાની હરાજીમાં યાર્ડના સહાયક સચિવ હિતેશ સાવલીયા અને યાર્ડના નિરીક્ષક દિલીપ વસાણી હાજર રહ્યા હતા.

  ગોંડલ માર્કેટ યાર્ડ સમગ્ર સૌરાષ્ટ્રમાં ધાણાની આવકમાં અગ્રેસર રહ્યું છે, અને એવા સંકેતો છે કે આગામી દિવસોમાં જાન્યુઆરીના અંતમાં યાર્ડમાં નવી ધાણાની સિઝન શરૂ થશે. જ્યારે નિયમિત જૂના ધાણાની આવક દરરોજ થઈ રહી છે, આજે આવક 5500 ગુણી હતી. જેમાં નિયમિત હરાજીમાં ધાણાનો ભાવ 800/- થી 1571/- પ્રતિ 20 કિલો છે.

(6:57 PM IST)