News of Monday, 30th December 2024
ધોરાજી ત્રણ દરવાજા પાસે ગેર કાયદેસર શાકભાજીની રેકડીનું દબાણ હટાવાયુ.
સુધરાઇ કોલોની તરફ પણ દબાણ ખુલ્લું કરાવાયું:નવા ડેપ્યુટી કલેક્ટર તેમજ નવા આઈપીએસ અધિકારી આવતાની સાથે જ ધોરાજીમાં દબાણ દૂર કરાવ્યા: કુલ ૧૧૦૦ વાર, ૨૨,૦૦,૦૦૦/- નું દબાણ ખુલ્લું થયુ

( કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી ત્રણ દરવાજા પાસે ગેર કાયદેસર શાકભાજી ની રેકડીનું દબાણ હટાવાયુ... સંઘર્ષ ની સંભાવના વચ્ચે શાંતિપૂર્ણ રીતે દબાણ ખુલ્લું
સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગેરકાયદેસર દબાણો સામે ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની કડક સૂચનાથી દબાણો દૂર થઈ રહ્યા છે ત્યારે ધોરાજીમાં પણ નવા આવેલા ડેપ્યુટી કલેક્ટર નાગાજણ એમ. તરખાલા તેમજ ધોરાજીમાં તાજેતરમાં જ નવી ડેપ્યુટી એસપી ની કચેરીમાં મુકાયેલા આઈ.પી. એસ.અઘિકારી સિમરન ભારદ્વાજ દ્વારા શહેરના દબાણ દૂર કરવા નો પ્રારંભ કર્યો હતો
ધોરાજી શહેરમાં સરકારી તંત્ર દ્વારા ગેરકાયદેસર ઊભા થયેલા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ધોરાજીના નગરપાલિકા પાસે આવેલ ત્રણ દરવાજા નજીક શાકભાજીની રેકડી ધારકો દ્વારા દબાણ કરવામાં આવેલ હતું જે દબાણ ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર નાગાજણ એમ. તરખાલા તેમજ ધોરાજી માં નવી બનેલી ડેપ્યુટી એસપી કચેરીમાં આવેલા નવનિયુક્ત મહિલા અધિકારી આઈ.પી. એસ. સિમરન ભારદ્વાજ અને નગરપાલિકાના ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયા ના નેતૃત્વ હેઠળ દબાણ દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ત્રણ દરવાજા પાસે આવેલ રેકડી ધારકો દ્વારા અગાઉ દબાણ હટાવવા મુદ્દે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો તેમ જ ઈચ્છા મૃત્યુ માટેની માગણી કરતો પત્ર લખવામાં આવ્યો હતો અને ત્યારબાદ નામદાર કોર્ટ સમક્ષ દાદ માગવામાં આવી હતી. જોકે કોર્ટે દ્વારા લારી ધારકોની અરજી સ્વીકારવામાં આવી ન હતી.
ત્રણ દરવાજા પાસેનું દબાણ હટાવવામાં કોઈ જાતનો ઘર્ષણ કે સંઘર્ષ ન થાય તે માટે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પૂરતું ધ્યાન રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્થળ પર હાજર રહી લારી ધારકોને સમજાવટ પૂર્વક લારી હટાવવાનું જણાવેલ અને ત્યારબાદ જેસીબી વડે નડતરરૂપ ઓટા સહિત દબાણ દૂર કરવામાં આવ્યું હતું આ જ પ્રકારે ધોરાજીના સ્ટેશન રોડ પર આવેલ સુધરાઈ કોલોની નજીક જાહેર રસ્તા પર થયેલા દબાણને પણ હટાવવામાં આવ્યું હતું.
ત્રણ દરવાજા પાસે લારી ધારકોના દબાણની આશરે 1000 ચોરસ વાર જમીન કિંમત અંદાજિત 20 લાખ રૂપિયા અને સુધરાઈ કોલોની પાસેની 100 ચોરસ વાર જમીન અંદાજિત કિંમત રૂપિયા બે લાખ કુલ મળી બંનેથી 1100 ચોરસ વાર નું દબાણ 22 લાખની કિંમતની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
દબાણ હટાવવાની કામગીરી દરમીયાન કોઈ પ્રકારનું ઘર્ષણ ન થાય તે માટે ધોરાજી પોલીસ કાફલો, નગરપાલિકાના ભાવેશભાઈ ભટ્ટ તેમજ રેવન્યુ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં સમગ્ર દબાણ હટાવવાની કામગીરી શાંતિપૂર્ણ રીતે કરવામાં આવી હતી.
ધોરાજી શહેરમાં દબાણ સંદર્ભે નગરપાલિકાના ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ધોરાજી શહેરમાં સરકાર શ્રી ના હુકમ અન્વયે પ્રાંત અધિકારી ના માર્ગદર્શન હેઠળ શહેરમાં થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી ચાલુ જ રહેવાની છે તેમ વહીવટી અધિકારીઓએ જણાવેલું હતું
હાલ ધોરાજીમાં સરકારશ્રીના આદેશ મુજબ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ થતા દબાણકારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
