News of Friday, 3rd January 2025
પંજાબ પોલીસ શોધતી હતી તે ૧.૪૭ કરોડના ડ્રગ્ઝના ફરાર આરોપીને કચ્છ પોલીસે ઝડપ્યો
લાકડીયા પોલીસને પંજાબમાં થાપ આપીને નાસી છૂટેલાં ૧.૪૭ કરોડના ડ્રગ્ઝ કેસના બે પૈકી એક આરોપીને પશ્ચિમ કચ્છ પોલીસની ખાસ ટૂકડીએ રાજસ્થાનમાં ઝડપી લીધો

ભુજઃ લાકડીયા પોલીસને પંજાબમાં થાપ આપીને નાસી છૂટેલાં ૧.૪૭ કરોડના ડ્રગ્ઝ કેસના બે પૈકી એક આરોપીને પશ્ચિમ કચ્છ પોલીસની ખાસ ટૂકડીએ રાજસ્થાનમાં ઝડપી લીધો છે.
૨૮ નવેમ્બરની રાત્રે પૂર્વ કચ્છ એસઓજીએ લાકડીયા નજીક એક ઈકો સ્પોર્ટસ કારની તલાશી લઈ તેના એર ફિલ્ટર નીચે છૂપાવેલું ૧.૪૭ કરોડના મૂલ્યનું ૧૪૭ ગ્રામ કોકેઈન જપ્ત કર્યું હતું. કારમાં સવાર એક દંપતી સહિત બે પુરુષ અને બે સ્ત્રીની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે લાકડીયા પાસે હોટેલ ચલાવતા સન્નીસિંઘે ડ્રગ્ઝ ભરેલી કાર તેના મિત્ર હનીસિંઘને આપીને તેની પત્ની સુમન ઊર્ફે જશપાલકૌર, સાળા સંદિપસિંઘ તથા તેની પત્ની અર્શદીપકૌરને સામખિયાળી મૂકી આવવા જણાવેલું.
બનાવ અંગે તપાસ કરી રહેલી લાકડીયા પોલીસ હનીસિંઘ અને સંદિપસિંઘને વધુ તપાસ માટે લઈને પંજાબના ભટીંડા ગઈ હતી.
૦૮-૧૨-૨૦૨૪ની રાત્રે આરોપીઓને લઈ કચ્છ પરત ફરતી વેળા પંજાબના મલેર કોટલા જિલ્લાના એહમદગઢ નજીક પોલીસ વૅનમાં પંક્ચર પડેલું. મોકાનો ફાયદો લઈને હનીસિંઘ તથા સંદિપસિંઘ બેઉ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયેલાં.
રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ આ ગુનાને ગંભીરતાથી લઈ પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાને એક ખાસ ટીમની રચના કરી ફરાર આરોપીઓને ઝડપી લેવા સૂચના આપી હતી. જેના પગલે સુંડાએ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી. ઝાલાના નેતૃત્વમાં એએસઆઈ મદનસિંહ લાલુભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ વાઘેલા અને કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજાની ટીમ બનાવી હતી. આ ટીમ સતત બંને ફરાર આરોપીઓને શોધવા તપાસ કરી રહી હતી તે દરમિયાન પીઆઈ ઝાલાને સંદિપસિંઘ રાજસ્થાનના બાલોતરામાં હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે આ વિશેષ ટીમે રાજસ્થાન ધસી જઈને રોડ પર વૉચ ગોઠવીને સંદિપસિંઘને દબોચી લીધો છે. સંદિપસિંઘને લાકડીયા પોલીસના હવાલે કરવા તજવીજ ચાલી રહી છે.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
