<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

માંડવી બીચને પ્લાસ્ટિક ફ્રી ઝોન બનાવવા કચ્છનું વહીવટીતંત્ર એલર્ટ

ધોરડો અને ધોળાવીરામાં સ્વચ્છતા માટે તંત્રની કામગીરીને બિરદાવતા પ્રવાસન સચિવ રાજેન્દ્રકુમાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬ :  કચ્છ જિલ્લાના ભુજ સેવા સદન ખાતે ગુજરાતના પ્રવાસન સચિવશ્રી રાજેન્દ્રકુમારના અધ્યક્ષસ્થાને કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ પ્રવાસન સચિવ રાજેન્દ્રકુમારને આવકારીને કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસ અને સ્વચ્છતા કામગીરી માટે રાજ્ય સરકારના સહકારની સરાહના કરી હતી. 

આ બેઠકમાં પ્રવાસન વિભાગના સચિવશ્રી રાજેન્દ્રકુમારે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધોરડો સફેદ રણ અને ધોળાવીરા ખાતે થયેલી સફાઈની કામગીરીને બિરદાવી હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને પ્રાંત અધિકારીશ્રીઓએ પ્રેઝેન્ટેશનના માધ્યમથી વર્તમાન સમયમાં કરવામાં આવી રહેલી સફાઈની કામગીરી અંગે પ્રવાસન સચિવશ્રીને વાકેફ કરાવ્યા હતા. ધોરડો અને ધોળાવીરાને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કર્યા બાદ પ્લાસ્ટિકનો કચરો ત્યાં રહે નહીં તે રીતે તેને એકઠો કરીને જીપીસીબી અને અન્ય ખાનગી કંપનીઓના સહયોગથી કોડીનાર મોકલવામાં આવી રહ્યો છે. કચ્છ જિલ્લા વહીવટીતંત્રની આ પહેલને પ્રવાસન સચિવશ્રીએ બિરદાવીને જણાવ્યું હતું કે, પ્રવાસન સ્થળોને સ્વચ્છ રાખવા માટે ખાનગી કોન્ટ્રાક્ટ એજન્સીઓ, જિલ્લા વહીવટીતંત્રના વિભાગો, વિવિધ ખાનગી કંપનીઓએ સફાઈ બાબતે સુંદર કામગીરી કરી છે. રોડ ટુ હેવન અને ધોરડો પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કર્યા બાદ હવે માંડવીના દરિયાકિનારા સહિતના વિસ્તારને પણ પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કરવા માટે ત્વરિત પગલા લેવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. 

સંબંધિત પ્રાંત અધિકારીશ્રીઓએ પોતાના વિસ્તારમાં આવેલા પ્રવાસન સ્થળોએ ખાનગી કોન્ટ્રાક્ટ એજન્સી, નગરપાલિકા અને ખાનગી કંપનીઓના સહયોગથી થઈ રહેલી સફાઈ કામગીરીની વિગતો પ્રવાસન સચિવશ્રીને આપી હતી. ધોરડો, રોડ ટુ હેવન અને ધોળાવીરાની જેમ અન્ય પ્રવાસન સ્થળો જેવા કે માંડવી બીચ, માતાના મઢ, લખપત ફોર્ટ, નારાયણ સરોવર કોટેશ્વરમાં હાલમાં ચાલી રહેલી સફાઈ કામગીરીને વધુ આયોજનબદ્ધ કરીને આ પ્રવાસન સ્થળોને સ્વચ્છ બનાવાશે તેમ પ્રાંત અધિકારીશ્રીઓએ જણાવ્યું હતું. 

કચ્છ જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળોએ સુદઢ રીતે સ્વચ્છતાની કામગીરી અંતર્ગત એકઠા થયેલા કચરા માટે ડમ્પિંગ સાઈટ બનાવવા તેમજ જે-તે સ્થળ ખાતે જ કચરાનું યોગ્ય વર્ગીકરણ કરવા માટે પ્રવાસન સચિવશ્રીએ સૂચન કર્યું હતું. જિલ્લા આયોજન અધિકારીશ્રી જિતેન્દ્ર રાવલ એ કચ્છના પ્રવાસન સ્થળોએ થઈ રહેલી સમગ્રતયા સફાઈની કામગીરી અંગે પ્રવાસન સચિવશ્રીને અવગત કરાવ્યા હતા. પ્રવાસન સચિવશ્રીએ ટીમ કચ્છની કામગીરીને બિરદાવીને પ્લાસ્ટિકનું યોગ્ય વ્યવસ્થાપન થાય અને લોકોમાં કચરાના વર્ગીકરણ માટેની જાગૃતિ આવે તે માટેના પ્રયાસો કરવા જણાવ્યું હતું. 

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.જે.ચૌધરી, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ અને સર્વે ચીફ ઓફિસરશ્રીઓ, નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર સહિતના અધિકારીશ્રીઓ, એજન્સીના કોન્ટ્રાક્ટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:35 AM IST)