<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

ભાવનગર કારડીયા રાજપુત સમાજ દ્વારા મુખ્‍યમંત્રીનો આભાર દર્શન સમારોહ યોજાયો

 

ભાવનગર, તા.૬: મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્ર પટેલનો આભાર દર્શન સમારોહ ભાવનગર યુનિવર્સિટીના અટલ ઓડિટોરિયમ  કેમ્‍પસમાં યોજાયો હતો. કારડીયા રાજપુત સમાજ ભાવનગર જિલ્લા નિર્મિત મા ભવાની સંસ્‍થાના શૈક્ષણિક સંકુલ માટે સરકારશ્રી દ્વારા જમીન અંગે વિશિષ્ટ રાહત આપવા બદલ મુખ્‍યમંત્રીશ્રીનું સન્‍માન કરી આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે, દીકરીઓના ઉચ્‍ચ અભ્‍યાસ માટે ‘નમો લક્ષ્મી' અને ‘નમો સરસ્‍વતી યોજના' તથા ગરીબ ઘરના દીકરાઓના ઉચ્‍ચ શિક્ષણ માટે મુખ્‍યમંત્રી યુવા સ્‍વાવલંબન યોજના અમલી છે. તેમણે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતની નેમ વ્‍યક્‍ત કરી હતી.

ગળહ રાજ્‍ય મંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્‍યું કે, સમાજ અને સરકાર સાથે મળીને આગળ વધે તો ખુબ સારા પરિણામો મળતાં હોય છે. તેમણે અસામાજિક તત્‍વો સામે કડક પગલાં લેવા તથા સામાન્‍ય નાગરિકો માટે રાજ્‍ય સરકાર હંમેશા પડખે હોવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત વ્‍યાજખોરોને જેલ હવાલે કરનાર પોલીસ વિભાગને અભિનંદન પાઠવ્‍યા હતા. કારડીયા રાજપૂત સમાજ દ્વારા તૈયાર થનાર શૈક્ષણિક સંકુલ આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓને આગળ વધવા માટે નવી તક પૂરી પાડશે. તેમણે કહ્યું કે, સમાજની સાથે દેશહિત માટે રાજપુત સમાજે હંમેશા સહયોગ આપ્‍યો છે.

આ પ્રસંગે ધારાસભ્‍ય જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્‍ય કિરીટસિંહ ડાભીએ ઉદબોધન કર્યું હતું.મેયર ભરતભાઈ બારડ, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન  રાજુભાઈ રાબડીયા, આગેવાન  અભયસિંહ ચૌહાણ, કારડીયા રાજપૂત સમાજ ભાવનગર જિલ્લાના પ્રમુખ નારણભાઈ મોરી, સમાજ અગ્રણી ચીથરભાઈ પરમાર સહિતના કારડીયા રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:14 PM IST)