News of Wednesday, 8th January 2025
તળાજાથી સુરત જતી લકઝરી બસ આગમાં ભડથું
ભાવનગર સોમનાથ હાઇવે પર અફરા તફરીનો માહોલ મુસાફરો માંડમાંડ બચ્યા, સામાન કિંમતી વસ્તુ બળીને રાખ

(મેધના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૮: તળાજા નજીક ત્રાપજ થી લઈ સાંખડાસર સુધીનો નેશનલ હાઇવે માર્ગ પર વારંવાર અકસ્માત બને છે. જેમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પરના ધારડી ગામના પાટિયા પાસે તળાજા થી સુરત જતી ચાલુ લકઝરી બસ સાંજના ૬.૩૦ વાગ્યા ના અરસામાં સળગી ઉઠી હતી.જેને લઈ અંદર બેસેલ મુસાફરો માંડ માંડ જીવ બચાવી ભાગ્ય હતા.કિંમતી સામાન સહિત ની વસ્તુઓ આગમાં ભડથું થઈ ગઈહતી.
ઠળિયા ગામના લઘરાભાઈ વાલાભાઈ બોળીયા ની માલિકી ની હરે ગોપાલ ટ્રાવેલ્સની લકઝરી બસ નં. જીજ ૦૩ બીટી -૫૦૦૬ ના ચાલક અરવિંદ ભીખાભાઈ સાખતએ જણાવ્યું હતુ કે તળાજા થી ઉપડી અહીં પહોંચતા અચાનક સ્ટીયરીંગ નીચેના વાયરીંગમા આગ લાગ્યાનું જણાતા બસને સાઈડમાં લીધી હતી. જોકે ચાલક બસને સાઈડમાં લઇ ને કઈ સમજે તે પહેલાજ આગ વધુ ફેલાઈ હતી. જેને લઈ અંદર બેસેલ છ જેટલા મુસાફરો સુરત લઈ જવાના હતા તેઓને તાત્કાલિક ઉતારી લેવામાં આવ્યા હતા. હજુ કઈ સમજાય તે પહેલાજ બસની અંદર બહાર આગ અગન ગોળામાંફેરવાઈ ગઈ હતી. જેને લઈ મુસાફરોનો અને સુરત લઈ જવાનો સામાન કાઢી શકાયો ન હતો. તળાજા અને અલંગ ફાયરની ટીમોએ આગપર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. જોકે આગની લપેટમા બસનું લોખંડ માત્ર બચ્યું હતું.
બનાવના પગલે થોડીવાર માટે નેશનલ હાઇવે પર અફરા તફરીનો માહોલ છવાઈ ગયો હતો. બસની અંદર તેલના ડબ્બા કે અન્ય કોઈ જ્વલનશીલ પદાર્થ હોય તો તે ફાટવાનો ભય સતાવી રહ્યો હતો. નેશનલ હાઇવે પર વાહનોની કતાર થઈ ગઈ હતી. જેને પગલે ફાયર ફાઈટરને આવવું થોડું મુશ્કેલ થઈ પડ્યું હતું.
અલંગ પો.સ.ઇ વાઢેર સહિતનો પોલીસ કાફલો તાબડતોબ દોડી આવ્યો હોય ટ્રાફિક નિયમન થઈ શકેલ. મામલતદાર જાની, નાયબ મામલતદાર સહિત પ્રસાશન દોડી આવેલ. ડ્રાઇવર કેબીન માંથી શોટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
