News of Wednesday, 8th January 2025
નારી સ્વાભિમાન આંદોલન : કાલે અમરેલીમાં પરેશ ધાનાણીના ર૪ કલાકના ધરણા
કુંવારી કન્યાનો વરઘોડો કોણે કઢાવ્યો? નિર્દોષ દિકરીને પગે પટ્ટા કોણે મરાવ્યા? આજે સાંજે અસલી પત્રની ચર્ચાનો ચોરો :અમરેલીના લેટર કાંડ મુદ્દે અબળાની આબરૂ બચાવવા આંદોલનના મંડાણઃ પીડીત પાયલને ન્યાય અપાવવાની જોરશોરથી માગ

રાજકોટ, તા. ૮: અમરેલીના લેટરકાંડમાં દિકરીને ન્યાય અપાવવા માટે વિધાનસભા વિરોધપક્ષના પૂર્વ નેતા પરેશભાઇ ધાનાણીની અગેવાનીમાં આંદોલનનાં મંડાણ થયા છે.
આ અંગે પરેશભાઇ ધાનાણી એ જણાવ્યુ હતુ કે, આજે તા. ૮ ને બુધવારે સાંજે ૬ વાગ્યે અમરેલીના રાજકમલ ચોકમાં દેવકી સ્વરૂપ દિકરીને જેલમાં ધકેલનાર કળીયુગનાં કંસ સાથે જાહેરમાં અસલ પત્રના ચર્ચાનો ચોરો કાર્યક્રમ કરીને પિડીત દિકરી પાયલને ન્યાય અપાવવા ઉગ્ર માંગ થશે.
પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્યુ છે કે, કુંવારી કન્યાનો વરઘોડો કોણે કઢાવ્યો ? નિર્દોષ દિકરીને પગે પટ્ટા કોણે મરાવ્યા ? ગામે ગામ દારૂની હાટડીયુ કોણે ખોલાવી છે ? પોલીસ પાસેથી ૪૦ લાખનો હપ્તો કોણ લે છે ? શૈત્રુંજીમાંથી રેતીની કોણ ચોરી કરાવે છે ? કોન્ટ્રાકટરો પાસેથી કમીશન કોણ ખાય છે ? સ્થાનિક સ્વરાજના સંસ્થાઓનો કબ્જો કોણે લધો છે? ચપટી વગાડીને અધિકારીઓને કોણ ડરાવે છે ? ચપટી વગાડીને ખોટી ફરીયાદો કોણ કરાવે છે ? વગેરે પ્રશ્નોના આરપારની ચર્ચા કરવામાં આવશે.
કાલે તા. ૯ ને ગુરૂવારે સવારે ૧૦ વાગ્યે પરેશભાઇ ધાનાણીની આગેવાનીમાં ર૪ કલાકના ધરણા કરીને અબળાની
આબરૂ બચાવવા નારી સ્વાભિમાન આંદોલન કરાશે.
જે અંગે પરેશભાઇ ધાનાણીએ જણાવ્યુ હતુ કે પીડીત પાયલને ન્યાય અપાવવો અઢારેય વલણનો અવાજ ઉઠાવવો સમાજ શ્રેષ્ઠીઓ બહાર આવો, ગુન્હેગાર પોલીસના પટ્ટા ઉતરાવો નકલી ફરિયાદ રદ કરાવો ડીજીપીના નેતૃત્વમાં ખાસ તપાસ કરાવો, અસલી પત્રના એફએસએલ કરાવો, બધાજ સીસીટીવી ફૂટેજ કબ્જે કરાવો પત્રના આરોપો અંગે જાહેરમાં ચર્ચા કરાવો સહિતની માંગણીઓ સરકાર સમક્ષ છે. (૪.૩૨)
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
