<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

માળીયામિંયાણાના ચીખલી ગામે ૧૩ ગાયોની કત્‍લ કરનાર ૬ શખ્‍સો ર દિ'ના રીમાન્‍ડ ઉપર

ખાખરેચી ગામના માલધારીએ પ૦ જેટલી ગાયો ચરાવવા આપ્‍યા બાદ ગૂમ થયેલ ગાયોની કત્‍લ કરાયાનું ખુલતા જીવદયા પ્રેમીઓમાં આક્રોશ

તસ્‍વીરમાં પકડાયેલ આરોપીઓ (નીચે બેઠેલ) સાથે માળીયા, મિંયાણા પોલીસનો કાફલો નજરે પડે છે. (તસ્‍વીર : રજાક બુખારી માળીયા મીંયાણા)

(રજાક બુખારી દ્વારા) માળીયા મિંયાણા તા. ૯ :.. માળીયામિંયાણાના ચીખલી ગામે ૧૩ ગાયોની કત્‍લ કરવાના ગુન્‍હામાં પકડાયેલા ૬ શખ્‍સોને કોર્ટે ર દિ'ના રીમાન્‍ડ ઉપર સોંપવા હુકમ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ખાખરેચી ગામે પશુપાલનનો ધંધો કરતાં જલાભાઈ ઉર્ફે જીલાભાઈ ભાલુભાઈ શીયારએ માળિયા તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે મુસ્‍તાક આમીનભાઈ લધાણી અને આમીન કરીમભાઈ લધાણી રહે, બંને ચીખલીવાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેઓની માલિકીની ૨૦ ગાય તેમજ બળદેવભાઈ મેવાડાએ પોતાની માલિકીની ૩૦ ગાય આરોપીઓને પૈસા આપીને રખેવાળ તરીકે ચરાવવા માટે થઈને આપી હતી જે પૈકીની ફરિયાદીની ત્રણ ગાય અને બળદેવભાઈની ૧૧ ગાય આમ કુલ મળીને ૧૪ ગાય આરોપીઓએ પરત નહીં આપીને માલધારીઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ પીઆઇ કે.કે. દરબાર અને તેની ટીમ દ્વારા આરોપી આમીન કરીમભાઈ લધાણી  અને મુસ્‍તાક આમીનભાઈ લધાણી રહે. બન્ને ચીખલી, રમજાન હારુનભાઈ જામ રહે. જુના અંજિયાસર, અલાઉદ્દીન મુસાભાઇ જામ, અબ્‍બાસ મુસાભાઇ મોવર, અને સાઉદીન ઓસમાણ કાજેડીયા રહે. ત્રણેય કાજરડા વાળાની ધરપકડ કરી પોલીસે આગળની  કાર્યવાહી હાથ ધરી છે

ઇન્‍ચાર્જ પીઆઇ કે.કે. દરબારે જણાવ્‍યુ હતું કે, જે આરોપીઓને પકડવામાં આવેલ છે તે પૈકીનાં આરોપી મુસ્‍તાક લધાણી અને આમીન લધાણીને ચરાવવા ફરિયાદી સહિતના જે માલધારીઓએ તેની ગાય આપી હતી જેમાંથી તેને ૧ થી ૪ હજાર સુધીની રકમ લઈને આરોપી રમજાન જામ અલાઉદ્દીન જામ, અબ્‍બાસ મોવર અને સાઉદીન કાજેડીયાને ગાય ગેરકાયદે વેંચી નાખી હતી અને ત્‍યાર બાદ આરોપીએ રણ વિસ્‍તારમાં ગાયની કતલ કરી હતી. જે ૧૪ ગાય ગુમ થઈ હતી તેમાંથી એક ગાય જીવિત મળી આવી છે જો કે, બાકીની ૧૩ ગાયને આરોપીઓએ કતલ કરી હોવાનું જણાવી રહ્યા છે. પોલીસ હજુ બનાવમાં ઊંડાણપૂર્વકની હકીકત જાણવા આરોપીઓના રિમાન્‍ડ મેળવશે તેવું જાણવા મળી રહ્યું છે.પકડાયેલ ૬ શખ્‍સોને માળીયામિંયાણા પોલીસે રીમાન્‍ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ શખ્‍સોને ર દિ'ના રીમાન્‍ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો. પકડાયેલ તમામની વધુ પુછતાછ હાથ ધરાઇ છે.

(2:03 PM IST)