<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

૧૫૦ કરોડની પ્રતિબંધિત દવાની નિકાસ માટે મુન્‍દ્રા કસ્‍ટમ દ્વારા રાજકોટની દવા કંપનીના ભાગીદારની ધરપકડ

પ્રતિબંધ મુકાયેલ ટ્રામાડોલ ટેબ્‍લેટ આફ્રિકા મોકલવાનો કેસ, ચાર પૈકી એક ભાગીદારની અટકાયત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦:  મુન્‍દ્રા કસ્‍ટમની સ્‍પેશ્‍યલ ઈન્‍ટેલિજન્‍સ એન્‍ડ સ્‍પેશ્‍યલ ઇન્‍વેસ્‍ટિગેશન ટીમે નાર્કોટિક્‍સ ધારા ૧૯૮૫ હેઠળ પ્રતિબંધિત સાયકોટ્રોપિક દવા ટ્રામાડોલની આફ્રિકામાં ગેરકાયદેસર નિકાસ કરવા માટે રાજકોટ સ્‍થિત દવા કંપનીના ૨૭ વર્ષીય ભાગીદારની ધરપકડ કરી છે. કસ્‍ટમની સ્‍પે. ઇન્‍ટે. બ્રાન્‍ચે જુલાઈ ૨૦૨૪ માં પૂર્વ બાતમીના આધારે બે કન્‍સાઈન્‍ટમેન્‍ટ અટકાવી તપાસ કરતા તેમાં દર્શાવાયેલા ડાઇક્‍લોફેનિક અને ગેબડોલ ટેબ્‍લેટ ના બદલે પ્રતિબંધિત ટ્રામાડોલ હાઇડ્રોક્‍લોરિક ટેબ્‍લેટ્‍સ નો ૨૨૫ ગ્રામની એક એવી ૬૮ લાખ ગોળીઓનો જથ્‍થો મળી આવ્‍યો હતો.

જેની બજાર કિંમત અંદાજે ૧૧૦ કરોડ રૂપિયા થાય છે. કસ્‍ટમ દ્વારા આ જ નિકાસકાર કંપની દ્વારા અગાઉ ૪૧ કરોડની ૨૫ લાખ ૬૦ હજાર જેટલી ગોળીઓનો જથ્‍થો નિકાસ થઈ ચૂકયો હતો એ કન્‍ટેનર પરત મંગાવાઈ કાયદેસર કાર્યવાહી કરાઈ હતી.

કુલ ૯૪ લાખ ગોળીઓ જપ્ત કરાઈ છે. જેમાં કલોલ સ્‍થિત વેરહાઉસમાં ફોલોઅપ સર્ચ દરમ્‍યાન જપ્તીનો સમાવેશ થાય છે. મુન્‍દ્રા કસ્‍ટમ કમિશ્નર કે. એન્‍જિનિયરની યાદી મુજબ ટ્રામાડોલ ગોળીઓનો ઉપયોગ ઉગ્રવાદી જૂથ દ્વારા દુરુપયોગ થાય છે.

આ ગોળીઓ નશા કારક ઉપયોગ માટે વપરાય છે. ભારતીય નાર્કોટિક્‍સ એક્‍ટ હેઠળ એ પ્રતિબંધિત છે. તે ટ્રામેકિંગ ૨૨૫ અને રોયલ ૨૨૫ નામે બજારમાં મુકાય છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે નિકાસકાર કંપની રેઈન ફાર્મા ઈમ્‍પેક્ષ છે. તેના ચાર ભાગીદાર પૈકી હાલ એક ભાગીદાર ભાવિક જયેશ વોરાને જવાબદાર ગણી તેની એકની ધરપકડ કરાઈ છે.

એક તબક્કે આ દવા કંપનીના લાયસન્‍સ બાબતે પણ કાયદેસરની કાર્યવાહી થઈ ચૂકી હોવાની ચર્ચા છે

(11:27 AM IST)