તા. ૪ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૭ શુક્રવાર
News of Saturday, 11th January 2025
ઓહ…મોબાઇલ ગેમ!! વાલીઓ સાવધાન: કચ્છના મોખાણા ગામના ૧૭ વર્ષના સગીર ખેડૂત પુત્રએ જીવ દીધો
હૃદય કંપાવતો કિસ્સો, સારવાર દરમ્યાન સગીર પુત્રએ પિતાને આપઘાતનું કારણ જણાવ્યું, મૃતકના ફોનમાં ગેમનો ઢગલો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ : શું મોબાઈલ મોતનું કારણ બની શકે. ભુજ તાલુકાના નાનકડા એવા મોખાણા ગામના ખેડૂત પરિવારના ૧૭ વર્ષીય સગીર બાળક કાર્તિક કાનજી મેરિયાએ ખેતરમાં નીંદામણ બાળવા માટેની ઝેરી દવા ગટગટાવી પોતાનું આયખું ટૂંકાવ્યું હતું. હૃદય કંપાવતા આ કિસ્સાની કરુણતા એ છે કે મોતને વ્હાલું કરનાર સગીર વયના બાળકે પોતાની સારવાર દરમ્યાન પિતાને મોબાઈલ ગેમમાં પોતે હારી ગયાનું કારણ જણાવ્યું હતું. ૪ જાન્યુઆરી ના ઝેરી દવા પી જનાર આ સગીર બાળકનું ચાર દિવસની સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં આ બાળકના મોબાઈલ ફોનમાં ગેમનો ઢગલો નીકળી પડ્યો હતો. આ અંગે પધ્ધર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.જી. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે. સગીર બાળકના કાળજું કંપાવતો આત્મહત્યાના આ બનાવે ફરી એકવાર મોબાઈલ અંગે ચર્ચા છેડી છે. મોબાઈલ આજે સૌના જીવનમાં અગત્યનું સાધન થઈ ગયું છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો? એ વિશે અવારનવાર ચર્ચાઓ છેડાય છે. કચ્છના નાનકડા એવા મોખાણા ગામના આ કિસ્સો એ બતાવે છે કે મેટ્રો સિટીઝ હોય કે નાના મોટા શહેરો અને ગામો હોય બાળવયથી જ મોબાઈલનું વળગણ શરૂ થઈ જાય છે. મોબાઈલના ઉપયોગની આ ટેવ કોઈ કુટેવ બને એ પહેલા બાળકોમાં વિવેકપૂર્ણ ઉપયોગ માટે સમજણ આપવા વાલીઓએ સાવધ થવું પડશે.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
