News of Wednesday, 15th January 2025
ગોંડલમાં વાહન અડી જતાં ૧૫ વર્ષના સાગરને પેટમાં છરીના ઘા ઝીંકી આંતરડા કાઢી નાંખ્યા
વચ્ચે પડેલા ફઇના દિકરા કૈલાસને ઇજાઃ મુળ એમપીનો સગીરને સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૪: ગોંડલમાં માંડવી ચોકમાં સંક્રાંતિના દિવસે પંદર વર્ષના સગીર અને તેના ફઇના દિકરા પર વાહન અડી જવા મામલે અજાણ્યા શખ્સોએ હુમલો કરી છરીના ઘા ઝીંકી દેતાં પંદર વર્ષના સગીરને ગંભીર ઇજા થઇ હતી.
જાણવા મળ્યા મુજબ ગોંડલમાં ઉંબાળા ચોકડીએ ભુવનભાઇ રૈયાણીની વાડીમાં પરિવાર સાથે રહી ખેત મજૂરી કરતો સાગર જેસીંગભાઇ ભુરીયા (ઉ.વ.૧૫) તથા તેના ફઇનો દિકરો કૈલાસ દીતીયાભાઇ શીંગાડ (ઉ.વ.૧૭) મકર સંક્રાંતિના દિવસે મોટરસાઇકલ લઇ હટાળુ કરવા ગોંડલ આવ્યા ત્યારે માંડવી ચોકમાં અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી સાગરને પેટમાં છરીના ઘા મારી દેતાં આંતરડા નીકળી ગયા હતાં. કૈલાસ વચ્ચે પડતાં તેને પણ હાથમાં ઘા ઝીંકી દેવાયો હતો. ભર બપોરે આ બનાવ બનતાં દેકારો મચી જતાં લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં.
સાગરને ગંભીર ઇજા પહોંચી હોઇ ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ ગોંડલ એ-ડિવીઝનમાં જાણ કરી હતી. સાગર બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટો છે. તે અને કૈલાસ હટાણુ કરવા ગોંડલ આવ્યા ત્યારે તેના વાહનને પાછળથી કોઇ દેવીપૂજકના છોકરાએ વાહન અડાડી દતાં તેને ધ્યાન રાખવાનું કહેતાં બોલાચાલી થયા બાદ છરીથી હુમલો કરાયો હતો. સાગરને રાજકોટ સિવિલમાં ખસેડાતાં તત્કાળ ઓપરેશન માટે લઇ જવાયો હતો.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
