<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

અંગ્રેજો પાસે નહોતી એટલી મિલકત ભાજપના ર૦ નેતાઓ પાસેઃ શકિતસિંહ ગોહિલનો ધડાકો

જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર અને જીલ્લા કોંગ્રેસ પક્ષ સંગઠનની જામનગરમાં મુલ્‍યાંકન બેઠક : પ્રદેશ કોંગ્રેસના હોદેદારોની સ્‍થાનિક કોંગ્રેસ અગ્રણીઓની હાજરીમાં કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત બનાવવા ચર્ચા-વિચારણા

રાજકોટ તા.૧૭ : રાજયસભાના સભ્‍ય અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલે આજે જામનગર ખાતે ભાજપ ઉપર તીખો તમતમતો પ્રહાર કર્યો હતો અને એવો સનસનીખેજ આક્ષેપ કર્યો છે કે ભાજપના ર૦ જેટલા નેતાઓ પાસે એટલી સંપતિ છે કે જેટલી અંગ્રેજોના રાજમાં પણ કોઇ પાસે નહોતી. આજે જામનગર ખાતે પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્‍યું હતું કે ભાજપ સરકારમાં મુઠીભર લોકો માલામાલ થઇ જાય છે અને ગરીબ વધુ ગરીબ બને છે. જયારે શ્રીમંત વધુ શ્રીમંત બને છે.

તેમણે જણાવ્‍યુ઼ હતું કે ભાજપે ૧૦ વર્ષ પહેલા ખેડુતોની આવક બમણી કરવા વચન આપ્‍યુ હતુ. પરંતુ હજુ સુધી આવુ થયુ નથી. ખેડુતોની સ્‍થિતિ પહેલા જેવી જ છે. તેમણે ભાજપની સરકાર ઉપર પ્રહાર કરતા ઉમેર્યુ હતું કે આ રાજમાં પેપરો ફુટે છે, બ્રીજ તુટે છે. ભયમુકત ભ્રષ્‍ટાચાર ચાલી રહયો છે. જે સામે કોંગ્રેસ પોતાનો વિરોધ વ્‍યકત કરી રહી છે.

સૌરાષ્‍ટ્રના જામનગર શહેર-જીલ્લા, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર શહેર-જીલ્લા કોંગ્રેસ પક્ષ સંગઠનની મુલ્‍યાંકન બેઠક અન્‍વયે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને સાંસદશ્રી મુકુલ વાસનિકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્‍તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા  શૈલેષ પરમાર અને એઆઈસીસીના મંત્રી ભુપેન્‍દ્ર મારાવીજીએ  જામનગર શહેર ખાતે પત્રકાર પરિષદને સંબોધન.

કુંવરબાઈની ધરમશાળા, જેલ રોડ, પવન ચક્કી પાસે,જામનગર ખાતે કર્યુ હતું.

 પ્રદેશ કોંગ્રેસ દ્વારા સ્‍થાનિક નેતાઓ સાથે બેઠકનો દૌર શરૂ કર્યો હતો. કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસ્‍નિક, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્‍તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર સહિતના નેતાઓ ઉપસ્‍થિત રહયા હતા.  કુંવરબાઈ ધર્મશાળા ખાતે સ્‍થાનિક નેતાઓ સાથે મવડી મંડળની બેઠક યોજાઇ હતી.  આગામી નગરપાલીકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને સમીક્ષા કરાઇ હતી.

કોંગ્રેસ દ્વારા ખેડૂતના પોષણક્ષમ ભાવો અને અન્‍ય મુદ્દાઓને લઈને લોકો સમક્ષ જવા રણનીતિ અમરેલીમાં દીકરીના કથિત સરઘસને લઈને પણ સરકાર સામે શકિતસિંહના પ્રહારો કર્યા હતા.

જામનગરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્‍તિસિંહ ગોહિલ સહિતના અગ્રણીઓ સંગઠનને મજબૂત બનાવવા માટે ચર્ચા વિચારણા કરવા આવી પહોંચ્‍યા છે. જ્‍યાં બેઠક પહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્‍યસભાના સાંસદ શક્‍તિસિંહ ગોહિલ સહિતના પ્રદેશ કોંગ્રેસના અગ્રણી નેતાઓ આવી પહોંચતા સ્‍થાનિક જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના અગ્રણીઓએ સ્‍વાગત કર્યું હતું અને બેઠક યોજી હતી આ પહેલા પત્રકાર પરિષદ પણ સંબોધવામાં આવી હતી જેમાં અમરેલીની ઘટનાને લઈને શક્‍તિસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. (તસ્‍વીરોઃ કિંજલ કારસરીયા, જામનગર) (૪.૨૯)

(3:36 PM IST)