તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Friday, 17th January 2025
પોરબંદરના હિન્દુ સ્મશાન ભૂમિની અતિ જર્જરિત હાલત
અસ્થિ રાખવા માટે પુરતી વ્યવસ્થા નથીઃ ઓફિસના બારી-બારણા તૂટી ગયાઃ અગ્નિદાહનો સામાન રાખવા માટેના રૂમની નર્કાગાર હાલતઃ લાકડામાં અગ્નિદાહ આપવા માટેની ખાટલી નથીઃ સ્મશાનની શોભા વધારતી મૂર્તિઓ ખંડિતઃ ઝાડી ઝાંખરાનું સામ્રાજય

(ભીખુભાઇ મહેતા દ્વારા) પોરબંદર તા. ૧૭ :.. હિન્દુ સ્મશાન ભૂમિની અતિ જર્જરીત હાલત સુધારવા સોબર ગ્રુપ દ્વારા ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાને રજૂઆત કરવામાં આવી હતી.
સોબર ગ્રુપ દ્વારા ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાને રૂબરૂ રજૂઆતમાં જણાવેલ કે, સ્મશાન ભૂમિ ની અંદર પ્રવેશતા જ દીવાલો ઉપર જે ચિત્રો બનાવવામાં આવ્યા છે તે ઝાંખા થઈ ગયા છે અને તેમાં અલગ અલગ પ્રકારના અવતાર ના નામ લખેલા છે તે પણ હવે દેખાતા નથી તેથી તેનું નવીનીકરણ કરવું જરૂરી બન્યું છે સ્મશાન ભૂમિમાં વાનરના સ્ટેચ્યુ મૂકવામાં આવેલા છે તેના હાથ કપાયેલા જણાઈ રહ્યા છે તેથી તેનું સમારકામ કરાવવું જોઈએ
હિન્દુ સ્મશાન ભૂમિમાં અસ્થિ રાખવા અને સાચવવા માટેની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા નથી અને એકની ઉપર એક માટલીઓ રાખી દેવામાં આવે છે અને અસ્થિઓ રાખવામાં આવે છે તે દિવાલમાં ખુલ્લો કબાટ છે જેમાંથી અસ્થિઓની માટલી નીચે પડે તો ભાંગી તૂટી જાય છે અને મળતકના સ્વજનોને સમયસર અસ્થિ મળતા નથી માટે અસ્થિ રાખવા માટે વ્યવસ્થિત કબાટ ની સુવિધા ઉપલબ્ધ કરાવવી જરૂરી બની છે.
સ્મશાનની ઓફિસના બારી દરવાજા પણ તૂટીફૂટી ગયેલા નજરે ચડે છે તેથી તેનું સમારકામ કરાવવું જોઈએ.
અગ્નિદાહ માટેનો સામાન રાખવા માટેનો રૂમ જીર્ણશિર્ણ થઈ ગયો છે અને સામાન્ય એકબીજાના ટેકે અટકેલો જોવા મળે છે તેથી આ સમગ્ર રૂમનું રીનોવેશન કરાવીને તેમાં કોટા સ્ટોન દ્વારા અલગ અલગ પ્રકારના ખાના વ્યવસ્થિત બનાવવા જોઈએ. લાકડામાં અગ્નિદાહ દેવામાં આવતો હતો તે સ્થળે હવે ખાટલીઓ નજરે ચડતી નથી તેથી ઘણા લોકોના અગ્નિદાહ લાકડામાં દેવાની ઈચ્છા હોય છે પરંતુ ખાટલીના અભાવે જમીન ઉપર ચિતા ગોઠવવી પડે છે માટે અહીંયા લોખંડની ખાટલી બનાવી આપવી જોઈએ. તેમ રજૂઆતમાં જણાવેલ છે.
હિન્દુ સ્મશાનમાં લાકડામાં અગ્નિદાહ દેવામાં આવે છે ત્યાંથી એક ગટર સીધી જ સમુદ્રમાં જતી હતી તે બંધ થઈ ગઈ છે તેથી તેને પણ સજીવન કરવી જોઈએ.
સ્મશાન કમ્પાઉન્ડમાં વિશાળ કદની શિવ પ્રતિમા મૂકવામાં આવી હતી તેનું સ્ટેન્ડ જર્જરીત થઈ ગયું છે તેથી આ શિવ પ્રતિમા ગમે ત્યારે ધરાશાયી થશે અને કોઈને ઈજા કે જાનહાની પણ થઈ શકે તેવું છે માટે તેનું સમારકામ કરાવવું તાત્કાલિક જરૂરી બન્યું છે.
સ્મશાન ભૂમિમાં લાકડા રાખવા માટેનું ગોડાઉન પણ અત્યંત જર્જરિત બની ગયું છે અને સ્લેબમાંથી પોપડા અવારનવાર ખરે છે તે ગમે ત્યારે જમીનદોસ્ત થઈ જશે અને કોઈનો જીવ જાય તે પહેલા આ ગોડાઉન નું પણ નવીનીકરણ કરાવવું જરૂરી બન્યું છે. તેમ અર્જુનભાઇ મોઢવાડીયાને રજૂઆતમાં જણાવ્યું છે.
હિન્દુ સ્મશાન ભૂમિમાં વિદ્યુત સ્મશાન ની બાજુમાં બગીચો બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી પરંતુ ત્યારબાદ જતન અને જાળવણીના અભાવે ફુવારા સહિત આજુબાજુ નો વિસ્તાર ઉકરડામાં ફેરવાઈ ગયો છે તેથી ત્યાં પણ વ્યવસ્થિત સાફ-સફાઈ કરાવવા જરૂરી બન્યા છે.
આ સ્મશાન ભૂમિમાં અનેક જગ્યાએ જુદા જુદા દેવી દેવતાઓની પ્રતિમાઓ આવેલી છે તેમાંથી અનેક પ્રતિમાઓ ભાંગી તૂટી ગઈ છે તેથી તેનું નવીનીકરણ કરાવવું જરૂરી બન્યું છે.
(૧૨) બાળ સ્મશાનની દિવાલ પણ તૂટી ગઈ છે અને દરવાજો પણ એક જગ્યાએ તૂટેલો છે તેથી તેનું સમારકામ કરાવવું જરૂરી બન્યું છે. તેમ સોબર ગ્રુપ દ્વારા ધારાસભ્ય અર્જુનભાઇને રજૂઆતમાં જણાવ્યું છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
