News of Thursday, 23rd January 2025
ગોંડલમાં ભુરાબાવાનો ચોરો રામજી મંદિરનાં જીર્ણોધ્ધારને એક વર્ષ પુરૂઃ મહાઆરતી યોજાઇઃ અયોધ્યા ચોક નામકરણ
મહાલક્ષ્મી મંદિરનાં જીર્ણોધ્ધારનો સંકલ્પ કરતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૩: ગોંડલનાં ૧૬૫ વર્ષ જુના ઐતિહાસિક ભુરાબાવાનાં ચોરાને જીર્ણોધ્ધાર કરાયાને એક વર્ષ પુર્ણ થતા મહાઆરતીનું આયોજન કરાયુ હતુ. સાથોસાથ આ ચોકનું અયોધ્યા ચોક નામકરણ કરાયુ હતુ. ઉમટી પડેલા હજારો લોકોએ મહાઆરતીનો લ્હાવો લીધો હતો. આ સમયે ફરી એક ઇતિહાસ જીવંત થયાનાં દ્રશ્યો સર્જાયા હતા.
રાજાશાહી સમયનાં ઇતિહાસને સંઘરી બેઠેલા ભુરાબાવાનાં ચોરાનો જીર્ણોધ્ધાર કરવાનુ વિચારબીજ ભાજપ મોવડી અને નાગરિક બેંકનાં ચેરમેન અશોકભાઈ પીપળીયાએ રોપ્યા બાદ પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ દાતા તરીકે સરાહનીય ભુમીકા અદા કરતા એક વર્ષ પહેલા અયોધ્યામાં ભગવાન શ્રીરામ ની મુર્તીની પ્રાણ પ્રતિષ્ઠાનાં પાવન દિવસેજ જીર્ણોધ્ધાર કરાયેલા ભુરાબાવાનાં ચોરાને ફરી ધબકતો કરી રામદરબારની આરતીનો ઘંટારવ ગુંજતો કરાયો હતો. અશોકભાઈ પીપળીયાએ પોતાનાં સચ્યુત વિચારને જીવંત કરવા શહેરની વિવિધ સંસ્થાઓ, મંડળોને સાથે રાખી જીર્ણોધ્ધાર માટે જહેમત ઉઠાવી હતી. જેના પરીણામ સ્વરુપ દોઢ સદી જુનો ભુરાબાવાનો ચોરો નવા કલેવર સાથે દૈદિપ્યમાન બની ઇતિહાસની ગવાહી આપતો ઉભો છે.
આજે ધારાસભ્ય ગીતાબા જાડેજા, પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ ઉપરાંત ગોંડલ રાજવી હિમાંશુસિહજી સહીત આગેવાનો દ્વારા મહાઆરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.
જયરાજસિહ જાડેજાએ આ તકે જણાવ્યું કે હું અશોકભાઈ પીપળીયાનો આભારી છુ. તેમણે ભુરાબાવાનાં ચોરાની કાયાપલટ કરી ગોંડલને યાદગાર નજરાણું આપ્યું છે. અશોકભાઈ પીપળીયાએ જણાવ્યું કે જયરાજસિહે વચન પરીપુર્ણ કરતા આ ચોક અયોધ્યા ચોક તરીકે ખુલ્લો મુકાયો છે. હવે આવા જ રાજાશાહી સમયનાં મહાલક્ષ્મી મંદિર નો જીર્ણોધ્ધાર તાકીદે શરુ કરી એક ઇતિહાસને ફરી જીવંત કરાશે. મહાઆરતીમાં નૈમિશભાઈ ધડુક નગરપાલિકા પ્રમુખ અヘીનભાઇ ઠુંમર, ઉપપ્રમુખ પરીતાબેન ગણાત્રા,કારોબારી અધ્યક્ષ ક્રિપાલસિંહ જાડેજા,શહેર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા સહિત નગરપાલિકા સદસ્યો, આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
