News of Thursday, 23rd January 2025
આણંદપર ખાતેની કરોડોની ખેતીની જમીનમાં વારસાઇના બહાને બહેનોના નામ કમી કરાવી બીજાને વેંચી નંખાઇ!
પાંજરાપોળ મેલડી માતાના મંદિર પાસે રહેતાં વૃધ્ધા શાંતાબેન સોલંકીની ભાઇઓના વારસદારો વિરૂધ્ધ ફરિયાદ : પોલીસ કમિશનરને થયેલી લેખિત ફરિયાદમાં ખરીદનાર બિલ્ડર પરેશ ગજેરા સહિત ૨૩ જણાના નામો : શાંતાબેનને ભાઇઓએ કહ્યું- આપણી ખેતીની જમીનમાં વારસાઇ કરવાની છે, તેમાં તમારા અંગુઠાનું નિશાન કરવાનું છે,તેથી બધી જમીન આપણા ખાતામાં આવી જાયઃ શાંતાબેન અંગુઠો મારી દીધા પછી ખબર પડી કે બારોબાર રેવન્યુ રેકર્ડમાંથી તેમનું નામ પણ કમી કરાવી નખાયું છેઃ કબુલાતનામુ આપ્યુ નથી છતાં રેવન્યુમાં એન્ટ્રી પડાવી લીધી

રાજકોટ તા. ૨૨: શહેરના પાંજરાપોળ વિસ્તારમાં મેલડી માતાના મંદિર સામે રહેતાં વૃધ્ધા શાંતાબેન લખમણભાઇ સોલંકીએ પોલીસ કમિશનરને લેખિત અરજી પાઠવી આણંદપર ખાતેં આવેલી ખેતીની જમીનમાં તેમના સહિત ત્રણ બહેનોના નામો વારસાઇના બહાને કમી કરાવી નાંખી ભાઇઓના વારસદારો સહિતે બારોબાર બીજાને વેંચી નાંખ્યાની ફરિયાદ કરી છે. આ લેખિત ફરિયાદમાં ખરીદનાર બિલ્ડર પરેશ ગજેરા સહિત ૧૨ જણાના નામો આપવામાં આવ્યા છે.
શાંતાબેન સોલંકીએ લેખીત ફરિયાદ કરી તેમાં પોતાના ગુજરનાર ભાઇ મોહનભાઇ લખમણભાઇના વારસદારો રવજી મોહનભાઇ સોલંકી, સવિતાબેન મોહનભાઇ સોલંકી, ગુજરનાર જીવરાજભાઇ લખમણભાઇ સોલંકીના વારસદારો કુંવરબેન જીવરાજભાઇ, દિલીપભાઇ જીવરાજભાઇ, કાંતાબેન જીવરાજભાઇ, હંસાબેન જીવરાજભાઇ, તેજાભાઇ લખમણભાઇ, ગુજરનાર જાદવભાઇ લખમણભાઇના વારસદારો લાભુબેન જાદવભાઇ, જોશનાબેન જાદવભાઇ, મુનીબેન જાદવભાઇ, ગુજરનાર અશોકભાઇ જાદવભાઇ સોલંકીના વારસદારો આરતીબેન અશોકભાઇ સોલંકી, અજય અશોકભાઇ સોલંકી, લાભુબેન જાદવભાઇ સોલંકી તેમજ જમીન ખરીદનારાઓ તરીકે બિલ્ડર પરેશભાઇ મગનભાઇ ગજેરા, અશ્વિનભાઇ છગનભાઇ સોરઠીયા, રસિકભાઇ મગજભાઇ ગજેરા, ગુલાબબેન મગનલાલ વાછાણી, અલ્પાબેન ગોવિંદભાઇ વસોયા, સંજયભાઇ હીરાભાઇ લુણાગરીયા, ડેનીશ પ્રવિણભાઇ લુણાગરીયા અને મયુર મગનભાઇ પીપળવાના આરોપી તરીકે નામો આપ્યા છે.
શાંતાબેન સોલંકીએ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે અમારા પિતાજી લખમણભાઇ સગરામ તથા અમારા માતુશ્રી ઝલકબેનનું અવસાન થયું છે. જ્યારે ગુજરનારા મોહનભાઇ, જીવરાજભાઇ અને જાદવભાઇ અમારા સગા ભાઇઓ છે. અમારા કાકા રામજી વાલા તથા અમો ફરિયાદીના દાદા સગરામ વાલાના ખાતે રાજકોટના આણંદપર મુકામે જુદી જુદી ખેતીની જમીનો છે. નવી માપણી થતાં રેવન્યુ સર્વે નં. ૮૨, ૧૩૪, ૧૩૫, ૧૩૬, ૧૬૯/૧, ૧૬૯/૨, ૧૭૦, ૧૭૧, ૧૭૨ ગામ નમુના નં. ૬ હક્ક પત્રક નં. ૧૩૨૩થી તેઓના ખાતે આવેલી માલિકી અને કબ્જા ભોગવટાની છે.
અમો ફરિયાદીના કાકા રામજી વાલા તથા દાદા સગરામ વાલાએ ઉપરોક્ત ખેડવાણ જમીનની ઘરમેળે વહેંચણી કરેલ. જેની નોંધ ગામ નમુના નં. ૬ હક્ક પત્રક નોંધ નં. ૨૭૨થી સને-૧૯૭૨માં પ્રમાણીત થયેલી છે. આ વહેંચણીની નોંધ દાખલ થતાં અમારા દાદાના ખાતે આણંદપરના રેવન્યુ સર્વે નં. ૧૩૫ની મજીન એકર ૩-૩૩ ગુંઠા, સર્વે નં. ૧૩૬ની જમીન એકર ૧-૧૨ ગુઠા, સર્વે નં. ૧૬૯/૧ની જમીન એકર ૩-૨૬ ગુંઠા, સર્વે નં. ૧૬૯/૨ની જમીન એકર ૨-૩૬ ગુંઠા તથા સર્વે નં. ૧૭૦ પૈકીની જમીન એકર ૨-૨૦ ગુંઠા, સર્વે નં. ૧૭૧ પૈકીની જમીન એકર ૨-૨૪ ગુંઠા, સર્વે નં. ૧૭૨ની જમીન એકર ૨-૧૮ તેમના ખાતે આવી હતી.
શાંતાબેને આગળ જણાવ્યું છે કે અમો ફરિયાદીના દાદા સગરામ વાલાના ખાતે ઉપર મુજબ વહેંચણીથી જમીન આવી હતી. એ પછી દાદા સગરામ વાલાનું અવસાથ યેલ. ત્યારબાદ અમારા પિતાજી અને માતા ઝલકબેનનું પણ અવસાન થયું હતું. એ પછી અમારા ભાઇઓએ અમારી પાસે આવીને કહેલુ કે આપણી ખેતીની જમીનમાં વારસાઇ કરવાની છે, તેમાં તમારા અંગુઠાનું નિશાન કરવાનું છે. તેથી બધી જમીન આપણા ખાતામાં આવી જાય. આવુ સમજાવી અમારા અંગુઠાના નિશાન લઇ અમારી જાણ બહાર જમીન વેંચી નાંખી છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો છે. તેમજ અમારા ગુજરનાર બહેનો મોતીબેન અને ગગુબેનના નામ કમી કરાવી નાંખ્યા છે. આ રીતે અમારુ માત્ર અંગુઠાનું નિશાન લઇ ઠગાઇ કરી છે.
અમે અમારો હક્ક જતો કર્યો છે તેુ કોઇ કબુલાતનામુ કરી આપ્યું નથી. આમ છતાં રેવન્યુ રેકર્ડમાં ખોટી એન્ટ્રી પડાવી લીધી છે. રેવન્યુ રેકર્ડની નકલો હાલમાં કઢાવી ત્યારે ખબર પડી કે અમે કોઇ કબુલાતનામુ આપ્યું નથી છતાં રેવન્યુ રેકર્ડમાંથી પણ અમારુ નામ કરી કરાવી નાખ્યું છે. આમ કરોડોની જમીન પચાવી પાડવા કાવત્રુ ઘડી અમારી સાથે ઠગાઇ કરવામાં આવી છે. અમે કોર્ટમાં દાવો દાખલ કર્યો છે તે હાલમાં ચાલુ છે અને સબ રજીસ્ટ્રાર કચેરીમાં લીઝ પેન્ડેન્સનો દસ્તાવેજ પણ નોંધાવેલ છે. તેમ છતાં અમો ફરિયાદીના હક્ક ડુબાડવા ગેરકાયદેસર રીતે જમીનનું વેંચાણ કરી બાકીના બિલ્ડરો સહિતનાએ ખરીદ કરેલ છે.
અમે જાહેર નોટીસનો જવાબ આપેલ છે છતાં અમારા હક્કો ડુબાડવા જમીન પચાવી પાડવાના ભાગરૂપે દસ્તાવેજ બનાવી લેવાયો છે. આ મામલે તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને ગુનો દાખલ કરી તમામને નશ્યત પહોંચાડવા અમારી ફરિયાદ છે. તેમ અંતમાં શાંતાબેન સોલંકીએ જણાવ્યું છે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
