તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 24th January 2025
ચકચારી નલિયા દુષ્કર્મકાંડના ૮ આરોપીઓ નિર્દોષ છૂટ્યા: એ સમયે ભાજપે પાર્ટીમાંથી ૩ આગેવાનોને સસ્પેન્ડ કર્યા'તા
૨૫ જાન્યુઆરી ૨૦૧૭ ના નલિયા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ કરેલ ફરિયાદ બાદ સામૂહિક દુષ્કર્મનો કેસ રાજ્યભરમાં નલિયા કાંડ તરીકે ચકચારી બન્યો હતો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ : ૨૫ જાન્યુઆરી ૨૦૧૭ ના નલિયા પોલીસ સ્ટેશનમાં આવેલ મહિલાએ પોતાની ઉપર સામૂહિક દુષ્કર્મ, બ્લેક મેઈલ અને વારંવાર જાતીય અત્યાચારનો ભોગ બનવા અંગે પોલીસ ફરિયાદ કરી હતી. એ સમયે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પોતે મૂળ કચ્છની છે અને મુંબઈ રહેતી હતી પણ નોકરી આજીવિકા માટે પરત કચ્છના નલિયા આવી હોવાનું જણાવ્યું હતું. અહીં પોતે નોકરી માટે વિનોદભાઈ ઠક્કરની (બબા શેઠ) ભલામણથી ગેસ એજન્સી ધરાવતા શાંતિલાલ સોલંકી પાસે નોકરી કરતી હોવાનું જણવ્યું હતું. શાંતિલાલ સોલંકી પાસે ભાજપના અબડાસા તાલુકાના ઓબીસી સેલના કન્વીનર તરીકેનો હોદ્દો હતો. ફરિયાદી મહિલાને રૂપિયાની જરૂર હોઈ શાંતિલાલ સોલંકી પાસે માંગતા તેમણે ઘેર આવવાનું જણાવી ઘેર બોલાવી હતી. યુવતીના આક્ષેપ પ્રમાણે ઘેર પોતાને ઠંડુ પીણું પીવડાવી શાંતિલાલ ઉપરાંત ભરત દરજી અને અન્ય એક શખ્સ વિપુલ ઠક્કરે તેણીની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેણીને બ્લેક મેઈલ કરી વિનોદ ઠક્કર (બબા શેઠ) ઉપરાંત નખત્રાણાના અશ્વિન રવિલાલ સેજપાલ (ઠક્કર) ગાંધીધામના ગોવિંદ પારુમાલાણી ભાજપના આગેવાન તત્કાલીન બે નગરસેવકો અજિત રામવાણી અને વસંત ચાંદ્રા (ભાનુશાલી) ઉપર પણ પોતાની સાથે દુષ્કર્મ કર્યા હોવાના આક્ષેપો મુક્યા હતા. એ સમયે પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણે સીટની રચના કરી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન આ ફરિયાદ સાથે જ એ સમયે જુલાઈ ૨૦૧૬ ના ભાજપના પ્રશિક્ષણ સંમેલન સામયે ફરિયાદી યુવતીના પંડિત દિન દયાળ ઉપાધ્યાયના ફોટા વાળા આઈકાર્ડનો મુદ્દો તેમ જ પોતાની સાથે દુષ્કર્મ ગુજારાયું હોવાના મુદ્દે કરેલ આક્ષેપોથી હોબાળો મચી ગયો હતો. દરમ્યાન એ સમયે અન્ય યુવતીઓ કે મહિલાઓ સાથે પણ દુષ્કર્મ કરાયું હોવાનો મુદ્દો ચર્ચાયો હતો. તે સાથે જ ભુજમાં ભાભી નામની મહિલા અને વિપુલ ઠક્કર તેમ જ પાયલ નામની યુવતી દ્વારા રેકેટ ચલાવાતું હોવાના આક્ષેપો કરાયા હતા જોકે, આ અંગે વધુ કોઈ માહિતી પોલીસ તપાસમાં પણ બહાર આવી નહોતી કે મીડિયા સુધી પણ પહોંચી નહોતી. દરમ્યાન નલિયા દુષ્કર્મ કાંડના નામે આ પ્રકરણ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યું હતું. કોંગ્રેસના પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરના આગેવાનોએ પણ નલિયાનો પ્રવાસ કરી વિરોધ રેલી તેમ જ આ બનાવને વખોડતા નિવેદનો કર્યા હતા. જોકે, આ મામલો વધુ ગરમાય એ પહેલા ભાજપે આ કેસ સાથે ચર્ચામાં આવેલા પોતાના રાજકીય આગેવાનો શાંતિલાલ સોલંકી (દરજી), તત્કાલીન નગરસેવકો અજિત રામવાણી, વસંત ચાંદ્રા (ભાનુશાલી) ને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. ૧૬ એપ્રિલ ૨૦૧૮ ના ચાર્જ ફ્રેમ થયા બાદ કેસની ટ્રાયલ શરૂ થઈ ત્યારે સરકારે આ કેસમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે કલ્પેશ સી. ગોસ્વામીની નિયુક્તિ કરી હતી. જોકે, કોર્ટ સુનાવણી શરૂ થતાં જ ફરિયાદી યુવતી ફરી ગઈ હતી અને પોતાની સાથે કોઈ દુષ્કર્મ ન થયું હોવાનું જણાવ્યુ હતું. અન્ય સાક્ષીઓમાં તેના માતા, પિતા, પતિ પણ ફરી જતા તેમને હોસ્ટાઈલ જાહેર કરાયા હતા. ભુજના પાંચમા અધિક સેશન્સ જજ વી.એ. બુદ્ધએ બંને પક્ષોની સુનાવણી અને પોલીસ તપાસ સહિતના તમામ આધાર પુરાવાઓને ધ્યાને લઈ ૬ જાન્યુઆરીના રોજે કેસનો ચુકાદો અનામત રાખ્યો હતો જે ગઈકાલે જાહેર કરી તમામ ૮ આરોપીઓ (૧) વિનોદ ઠક્કર (બબા શેઠ), (૨) ચેતન વિનોદભાઈ ઠક્કર, (૩) અશ્વિન રવિલાલ સેજપાલ (ઠક્કર), (૪) ભરત નરેન્દ્ર ચૌહાણ (દરજી), (૫) શાંતિલાલ દેવજી સોલંકી (દરજી), (૬) વસંત કરસનદાસ ચાંદ્રા (ભાનુશાલી), (૭) ગોવિંદ અર્જુનદાસ પારુમલાણી, (૮) અજીત પારુમલ રામવાણીને નિર્દોષ છોડી મૂક્યા હતા.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
