<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

ઠારનો હળવો ચમકારોઃ પારો ચડઉતરઃ નલીયા ૭.ર ડિગ્રી

લઘુતમ તાપમાનનો પારો આજે નીચે ઉતરતા ઠંડીની વધુ અસર અનુભવાઇ : પવનના સૂસવાટા ફૂંકાતા ગીરનાર રોપ-વે બીજે દિવસે બંધ

રાજકોટ તા. ર૪: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે ઠારનો હળવો ચમકારો અનુભવાયો છે અને કચ્‍છના નલીયામાં ૭.ર રાજકોટમાં ૧૧.ર ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. પવનના સૂસવાટા ફૂંકાતા ગિરનાર રોપ-વે આજે બીજે દિવસે બંધ છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢઃ આજે પણ સવારથી પવન ફૂંકાતા ગિરનાર રોપવે સેવા અને સોરઠમાં જનજીવન પર અસર થઈ હતી.જુનાગઢ શહેરમાં આજે સવારે ૧૦.૯ કિલોમીટરની ઝડપે પવન ફુકાવો શરૂ થતા લોકોને મુશ્‍કેલીમાં વધારો થયો હતો. પવનના કારણે લઘુતમ તાપમાન વધીને ૧૭.૩ ડીગ્રી થઈ જતા ઠંડીમાં ધરખમ ઘટાડો થયો હતો.

ગિરનાર પર્વત પર ૧૨.૩ ડિગ્રી તાપમાન રહ્યું હતું પરંતુ ગુરૂવારની માફક આજે પણ સતત બીજા દિવસે ભારે પવનને લઈને ગિરનાર રોપવે સેવા બંધ રાખવાની ફરજ પડી હતી. બીજા દિવસે પણ રોપવે બંધ રહેતા ગિરનારની યાત્રાએ આવેલા અને અગાઉથી ટિકિટનું બુકિંગ કરાવનાર પ્રવાસીઓને ધરમ ધક્કો થયો હતો.

ઠંડી ઘટવાથી અને પવન વધવાના કારણે આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘટીને ૪૦% થઈ ગયું હતું.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગરમાં ફરી ઠંડી વધી રહી છે. આજે શુક્રવારે શહેરનું લઘુતમ તાપમાન ૧પ.૬ ડીગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦% રહ્યું હતું. જયારે પવનની ઝડપ ૧ર કિ.મી. પ્રતિ કલાકની રહી હતી. પવનની ઝડપ વધતા અને લઘુતમ તાપમાન નીચે આવતા ફરી ઠંડીનો રાઉન્‍ડ શરૂ થયો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન-૧પ.પ, મહતમ તાપમાન-ર૬.પ, ભેજનું પ્રમાણ પ૯%, પવનની ગતિ ૯.૪ કિ.મી. રહી હતી.

(11:05 AM IST)