<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

કચ્છના રાપરમાં યુવાનની ઘાતકી હત્યા

બહેન સાથેના આડા સબંધમાં ગળું કાપી વેતરી નખાયો હોવાની શંકા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮ : રાપર તાલુકાના આણંદપર અને ગેડી ગામના રોડ પર ગુરુવાર સાંજના સમયે ૨૫ વર્ષીય અરવિંદ રામજી કોલીની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ગુરુવાર સાંજના ૭/૩૦ વાગે ગેડી જવા જતા માર્ગ પર અરવિંદનો મૃતદેહ અને તેની મોટર સાયકલ જોવા મળ્યા. હત્યારાઓએ મૃતક અરવિંદને તીક્ષ્ણ હથિયારથી ગળે ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.

રાપર પોલીસને આ બનાવની જાણ થતા તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ દરમ્યાન પોલીસને અરવિંદની ઘાતકી હત્યા તેના આડા સંબંધોને કારણે થઈ હોવાની શંકા છે. તે પરણીત નહોતો અને વાડીમાં ખેતમજૂરી કામ કરતો હતો. દરમ્યાન મૃતક યુવાનના ભાઈ હરેશ કોલીએ પોતાના ભાઈની હત્યા અંગે રમેશ હરી કોલી સામે શંકા વ્યક્ત કરી છે. રમેશે અગાઉ મૃતક અરવિંદને ધમકી આપી હતી કે તું મારી બેન સામે કેમ જુએ છે? તેને પોતાની બેન સાથે અરવિંદના આડા સંબંધ હોવાની શંકા સાથે ધમકી આપી હતી. આ મામલાની તપાસ ઇંચાર્જ પીઆઈ એમ.એન. દવે દ્વારા કરાઈ રહી છે. ઘાતકી હત્યાના બનાવને કારણે રાપર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી દીધી છે.

(9:34 AM IST)