<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

લાલપુરની નર્સને રાજકોટ મનપામાં અને તેના ભાઇને જેટકોમાં નોકરી અપાવવાના નામે ઠગાઇઃ મોટીવાવડીનો ગઠીયો સકંજામાં

ઉપાસનાબેન કરમુર અગાઉ વોકહાર્ટમાં નોકરી કરતી હતી ત્‍યારે સાથેની નર્સએ પોતાના ગામનો પ્રતિક ડઢાણીયા સરકારી નોકરી અપાવે છે તેમ કહેતાં ઉપાસનાબેને સંપર્ક કર્યોઃ અલગ અલગ બહારના તળે પ્રતિકે રૂપિયા પડાવ્‍યા નકલી નિમણુંક ઓર્ડર અને તાલિમના ઓર્ડર આપ્‍યાઃ અલગ અલગ બહાને ગાંધીનગર સચિવાલય, વડોદરા સહિતના સ્‍થળોએ લઇ ગયો અને સાહેબને આપવા પડશે, કાગળો ઘટે છે, તાલિમ ખર્ચના ચુકવવાના છે...કહી ત્રણ લાખથી વધુ રકમ ખંખેરીઃ યુનિવર્સિટી પોલીસે સકંજામાં લીધો પ્રતિકે આપેલો નોકરીના ઓર્ડરનો નકલી લેટર

રાજકોટ તા. ૨૮: ઉપલેટાના લાલપુરની વતની અને હાલ ત્‍યાં સીએચસીમાં કરાર આધારીત નર્સ તરીકે નોકરી કરતી યુવતિને રાજકોટ મ્‍યુ. કોર્પોરેશનમાં સિવિક સેન્‍ટરમાં નોકરી અપાવી દેવાના નામે અને તેના ભાઇને રાજકોટ જેટકોમાં નોકરી અપાવી દેવાના નામે તાલિમ ખર્ચ, અધિકારીને દેવાની રકમનો ખર્ચ સહિતના બહાના તળે યુવતિ પાસેથી રૂા. ૩,૦૮,૧૦૦ મેળવી લઇ ભાઇ બહેનને સરકારી નોકરીના બોગસ લેટરો અને તાલિમના લેટરો આપી ઠગાઇ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસે ઉપલેટાના મોટીવાવડીના શખ્‍સ સામે ગુનો નોંધી સકંજામાં લીધો છે. આ શખ્‍સે સરકારી નોકરીના બહાને યુવતિની વોકહાર્ટ હોસ્‍પિટલની નોકરી પણ છોડાવી દીધી હતી. પછી તાલિમના બહાને ગાંધીનગર, વડોદરા સહિતના સ્‍થળોએ લઇ જઇ કટકે કટકે રકમ મેળવી લીધી હતી.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે જામનગરના લાલપુર ગામે દ્વારકાધીશ પાર્કમાં રહેતી અને લાલપુર સીએચસી કેન્‍દ્ર ખાતે કરાર આધારીત નર્સિંગની નોકરી કરતાં ઉપાસનાબેન ડાડુભાઇ કરમુર (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી ઉપલેટાના મોટીવાવડી ગામના પ્રતિક કિરીટભાઇ ડઢાણીયા વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૩૧૮ (૪), ૩૩૬ (૩) મુજબ ઉપાસનાબેનને રાજકોટ મ્‍યુ. કોર્પોરેશનના સિવિલ સેન્‍ટરમાં સ્‍ટાફ નર્સ તરીકે અને તેના ભાઇને રાજકોટ જેટકોમાં વિદ્યુત સહાયક તરીકે નિમણુંક કરાવી આપવાના બહાને રૂા. ૩,૦૮,૧૦૦ મેળવી લઇ તેમજ નિમણુંકના બનાવટી લેટરો, તાલીમના લેટરો મોકલી ઠગાઇ કરવાનો ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે.

ઉપાસનાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું ત્રણ મહિનાથી લાલપુર સીએચસી કેન્‍દ્રમાં કરાર આધારીત નર્સ તરીકે નોકરી કરુ છું. પાંચ વર્ષ પહેલા ૨૦૧૯માં મેં નર્સિંગનો કોર્ષ પુરો કર્યો હતો. એ પછી ૨૦૨૪માં છએક મહિના મેં કાલાવડ રોડ વોકહોર્ટ હોસ્‍પિટલમાં નર્સ્‍ંિગની નોકરી કરી હતી. તે વખતે મારી સાથે મોટીવાવડીની મોનાલી રસીકભાઇ સોલંકી પણ નર્સિંગમાં નોકરી કરતી હોઇ અમારી વચ્‍ચે મિત્રતા થઇ હતી. ઓગષ્‍ટ-૨૦૨૪માં મોનાલીએ મને કહેલુ કે અમારા ગામના પ્રતિક ઢડાણીયા મને રાજકોટ કોર્પોરેશનમાં નોકરીનું કરી દેવાના છે, જો તારે પણ રાજકોટ મ્‍યુ. કોર્પોરેશનમાં નોકરી લેવી હોય તો કહેજે. એ પછી મને મોનાલીએ પ્રતિકની ઇન્‍સ્‍ટાગ્રામ આઇડી આપી હતી અને વાત કરવાનું કહેતાં મેં પ્રતિક સાથે નોકરી બાબતે ઇન્‍સ્‍ટાગ્રામમાં વાત કરી હતી.

પ્રતિકે કહેલુ કે તમે જામનગર સાઇડ રહો છો તો પહેલા જામનગર કોર્પોરેશનમાં તારી નોકરીનું કરાવી આપીશ, જો ત્‍યાં ન થાય તો રાજકોટ કોર્પોરેશનમાં થઇ જશે પણ તારે રૂપિયા ખર્ચવા પડશે. તેમ કહી તેણે મને વ્‍હોટ્‍સએપ નંબર આપી ડોક્‍યુમેન્‍ટ મોકલવા કહેતાં  મેં  બે દિવસ બાદ મારા આધાર કાર્ડ, પાનકાર્ડ, નર્સિંગના રિઝલ્‍ટ વગેરે તેને મોકલ્‍યા હતાં. એ પછી ૧૧/૮/૨૪ના હું પુષ્‍કરધામ ખાતે ગર્લ્‍સ હોસ્‍ટેલના રૂમ પર હતી ત્‍યારે પ્રતિકે મને ફોન કરી કહેલુ કે જામનગર કોર્પોરેશનમાં તારી નોકરીનું થઇ જશે, તું મને રૂા. ૨૫૦૦ ગૂગલ પે કર. જેથી મેં તેને આર કમ મોકલી હતી. એ પછી ૧૨/૮ના રોજ તેણે ફરી ફોન કરી ૪૦૦૦ મંગાવતાં મેં આ રકમ પણ તેને ગૂગલ પેથી આપી હતી.

ત્‍યારપછી ૧૩મીએ પ્રતિકે ફરી ફોન કરી વધુ ૩૫૦૦ રૂપિયા મંગાવતાં મેં મોકલ્‍યા હતાં. ૧૫/૮ના રોજ પ્રતિકે મને તબિબી અધિક્ષક રાજકોટ મ્‍યુ. કોર્પોરેશન  સ્‍ટાફ નર્સ વર્ગ-૭માં કરાર આધારીત નોકરી પર હાજર થવા બાબતનો ઓર્ડર મારી હોસ્‍ટેલ પર મોકલ્‍યો હતો. બાદમાં ૧૬/૮ના રોજ ફોનથી કહેલુ કે જામનગર કોર્પોશેનમાં તારી નોકરીનું થઇ જશે, મને તું વધુ ૫૦૦૦ મોકલ. જેથી મેં તેને આ રકમ મોકલી હતી. પછી પ્રતિકે કહેલુ કે તારી નોકરી પાક્કી થઇ ગઇ હોવાથી સિક્‍યુરીટી પેટે બે પગાર જમા કરાવવા પડશે. તેમ કહી તેણે ૫૦ હજાર માંગતા મેં આ રકમ પણ ગૂગલ પેથી તેને મોકલી દીધી હતી. પછી તેણે ફોન કરી કહેલુ કે આપણે તમારો જુનો ઓર્ડર જમા કરાવવા ગાંધીનગર જવું પડશે. તેમ કહી ૧૬/૮ના રાજકોટથી પ્રતિકની ફોરવ્‍હીલમાં હું અને મોનાલી ગાંધીનગર ગયા હતાં.

૧૭મીએ ત્‍યાં વહેલી સવારે પહોંચી ગયા હતાં. તે અમને ગાંધીનગર સચીવાલય લઇ ગયો હતો. ત્‍યાં પ્રતિકે કહેલુ કે તારે બે  પગારના રૂપિયા ભરવાના હોવાથી ૧૪૪૦૦ હજુ ઘટે છે. જેથી મેં તેને આ રકમ ગૂગલ પેથી આપી હતી. ત્‍યારબાદ અમે એ દિવસે જ રાજકોટ આવી ગયા હતાં. અહિ મને તેણે રાજકોટ કોર્પોરેશનનો નવો ઓર્ડર આપ્‍યો હતો. પછી કહેલુ કે તમે બંને હાલ વોકહાર્ટમાં નોકરી ચાલુ ન રાખતા, નહિતર કોર્પોરેશનમાં નોકરી મળવામાં મુશ્‍કેલી થશે. જેથી મેં અને મોનાલીને ઓગષ્‍ટ-૨૦૨૪માં આ નોકરી મુકી દીધી હતી. પછી પ્રતિકે હજી તારા પગારના રૂપિયા પુરા નથી, ૧૮૪૦૦ આપવા પડશે તેમ કહેતાં મેં આ રકમ પણ આપી હતી. બાદ ૨૦/૮/૨૪ના હું અને મોનાલી પ્રતિક સાથે રાજકોટ મ્‍યુ. કોર્પોરેશન ખાતે જોબ પર ગયા હતાં. પરંતુ ત્‍યાં પહોંચતા પ્રતિકે તમારા બંનેના કાગળો અધુરા છે, સાતમ આઠમનું વેકેશન ખુલતાં તમે નોકરી પર આવી જજો. તમારી સેલેરે આજથી જ શરૂ થઇ ગઇ છે. આ પછી હું મારા ગામ લાલપુર જતી રહી હતી.

ત્‍યારબાદ ૧/૯/૨૪ના રોજ પ્રતિકે ફોનથી કહેલુ કે તારા પગારના હજુ ૭૦૦૦ જમા કરાવવાના છે, જેથી મેં ફરી આ રકમ તેને મોકલી હતી. ૪/૯ના રોજ હું અને મોનાલી અને પ્રતિક ફરી રાજકોટ મ્‍યુ. કોર્પોરેશન ખાતે ગયા હતાં. પ્રતિકે અમને આપેલો નોકરીનો ઓર્ડર લઇ તે ઉપર ગયો હતો અને અમને નીચે જ ઉભા રાખ્‍યા હતાં. થોડીવાર પછી તે નીચે આવ્‍યો હતો અને કહેલુ કે ૬/૯/૨૪થી ૧૭/૯/૨૪ સુધી ગાંધીનગર સચીવાલય સામે તમારે ટ્રેનિંગમાં જવાનું છે. જેથી હું અને મોનાલી ૫/૯ના રોજ પ્રતિકની કારમાં ગાંધીનગર જવા રવાના થયા હતાં. જ્‍યાં સચિવાલય નજીક બિલ્‍ડીંગ પાસે અમને બંનેને બહાર ઉભા રાખી પ્રતિક અંદર ગયો હતો. પરત આવી કહેલુ કે તમને મેડમ મનિષાબેન શાહ તાલિમ આપશે. તેના કહેવા મુજબના ડોક્‍યુમેન્‍ટ બનાવવા પડશે. તેમ કહી અમને વડોદરા નર્સિંગ ટ્રેનિંગ સેન્‍ટર લઇ ગયો હતો. ત્‍યાં પણ અમને બહાર ઉભા રાખી તે અંદર ગયો હતો.

પછી બહાર આવી કહેલુ કે મનીષા મેડમે ટ્રેનિંગનો રિપોર્ટ આપી દીધો છે, બાદમાં તે અમને આણંદ બીવીએમ કોલેજ ખાતે એક દિવસ ટ્રેનિંગ છે ત્‍યાં તમારુ મેરીટ લિસ્‍ટ બનશે, ૧૬/૯/૨૪ના રોજ તાલિમ શરૂ થઇ જશે તેમ કહી અમને ફરી ગાંધીનગર લઇ ગયો હતો. ત્‍યાં અમે પીજીમાં રોકાયા હતાં. ૧૦/૯ના પ્રતિકે કહેલુ કે ટ્રેનિંગના ૧૯૪૦૦  ભરવાના છે. જેથી આ રકમ મેં તેને આપી હતી.

આ વખતે મેં તેને કહેલુ કે મારા ભાઇને જેટકો રાજકોટ તરફથી નોકરીનું કરવું હોય તો થઇ શકે? આથી તેણે કહેલુ કે જેટકોમાં તો ડેર સાહેબ છે તે કરાવી આપશે, પણ ૭૦ હજાર આપવા પડશે તેમ કહેતાં મેં તેને રોકડા ૫૦ હજાર આપી દીધા હતાં. એ પછી ૨૧/૯ના રોજ મારા ભાઇ ભાર્ગવને તેણે ડોક્‍યુમેન્‍ટ લઇને ગાંધીનગર બોલાવ્‍યો હતો. પ્રતિકે મારા ભાઇને પણ રાજકોટ જેટકોમાં નોકરીનું થઇ જશે તેમ કહી ગોત્રી વડોદરા ઓર્ડર લેવા જવું છે તેમ કહેતાં હું તથા ભાર્ગવ, મોનાલી ત્રણેય પ્રતિકનીક ારમાં બેસી વડોદરા ગયા હતાં. ત્‍યાં જેટકો ખાતે અમને બહાર ઉભા રાખી તે નોકરીનો ઓર્ડર લઇને આવ્‍યોહ તો. રસ્‍તામાં ભાર્ગવની નોકરીના કાગળો કરવાના નામે વધુ ૪૦ હજાર માંગતા મેં એટીએમમાંથી ઉપાડીને દીધા હતાં. એ પછી તેણે કહેલુ કે તમારુ રીઝલ્‍ટ અને નોકરીનો ઓર્ડર ઘરે કુરીયરમાં આવી જશે.

ત્‍યારબાદ અમે અમદાવાદ હોટેલમાં રોકાયા હતાં. ૨૨/૯ના રોજ ગા઼ધનીગર ગયા હતાં. જ્‍યાં પ્રતિક સચીવાલય ખાતે નોકરીના કાગળીયા કરવા ગયો હતો. બાદમાં કહેલુ કે ભાર્ગવના એડવાન્‍સ પગારના ૪૮૦૦૦ ભરવાના છે. જેથી મેં એટીએમથી રકમ ઉપાડીને આપી હતી. તે સચીાવલાય ગયો હતો અને અમે ગાંધીનગર હોટલમાં રોકાયા હતાં. એ પછી તેણે મારા ભાઇ ભાર્ગવને રાજકોટ જેટકોનો એક્‍ઝીક્‍યુટીવ એન્‍જિનીયરની સહીવાળો નોકરીનો ઓર્ડર આપ્‍યો હતો. ૨૯/૯/૨૪ના રોજ પ્રતિકે કહેલુ કે વડોદરા ટ્રેનિંગના કાગળો લેવા જવાનું છે. આથી અમે ફરી ત્રણેય તેની સાથે ગયા હતાં. જ્‍યાં ફરીથી ભાર્ગવની ટ્રેનિંગના નામે ૨૧ હજાર તેણે માંગતા તેને આપ્‍યા હતાં.

ત્‍યારબાદ ૫/૧૦/૨૪ના રોજ ભાર્ગવની નોકરીના કાગળીયા મોટા સાહેબ કરી આપશે તેના ૯૫૦૦ ભરવાના છે તેમ કહેતાં તેને ગૂગલપેથી આ રકમ આપી હતી. એ પછી ભાર્ગવને પોલટેસ્‍ટ (થાંભલા પર ચડવાની તાલિમ)ના રૂા. ૭૪૦૦ ચુકવવા પડશે તેમ કહી રકમ લઇ લીધી હતી. છેલ્લે કાગળીયાના ખર્ચાના ૬૦૦૦ લીધા હતાં. ૧૪/૧૦/૨૪ના રોજ પ્રતિકે કહેલુ કે વસઇ સાહેબ એક કાગળીયામાં સહી કરી આપતા નથી તેના ૫૦ હજાર દેવા પડશે. જેથી મેં ફરી પ્રતિકને ૫૦ હજાર દીધા હતાં. આ પછી બીજા દિવસે મારા ભાઇ ભાર્ગવે મારા પિતાને ફોન કરી જાણ કરી હતી કે પ્રતિક પૈસા લીધા રાખે છે પણ નોકરી અપાવતો નથી. મેં પ્રતિકને મારી બહેનપણીઓ પાસેથી ઉછીના લઇને નોકરી માટે નાણા ચુકવ્‍યા હતાં.

પ્રતિકે મને, મારા ભાઇને નોકરી અપાવવાના નામે કુલ ૩,૦૮,૧૦૦ રૂપિયા મેળવી લઇ સરકારી વિભાગમાં નોકરીના ખોટા ઓથોરીટી લેટર આપી દીધા હોઇ અમારી સાથે ઠગાઇ થયાની ખબર પડતા ફરિયાદ કરી હતી. યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ વાય. ડી. ભગતે ગુનો દાખલ કરાવતાં પીએસઆઇ વી. જી. ડોડીયાએ વધુ તપાસ હાથ ધરી આરોપીને સકંજામાં લેવા તજવીજ કરી છે.

(3:43 PM IST)