News of Tuesday, 28th January 2025
જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ભાજપમાંથી રાફડો ફાટ્યો
૪૫૦ જેટલા લોકોએ ચૂંટણી લડવા માટેની ઈચ્છા વ્યકત કરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૮: જુનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી જાહેર થઈ છે. આ ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાજપમાંથી મનપાની ચૂંટણી લડવા માંગતા દાવેદારોનો રાફડો ફાટયો છે.સોમવારે જુનાગઢ શહેર ભાજપ કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા,રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ,રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણીએ મનપાની ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારોને સાંભળ્યા હતા.
સવારે ૧૦ વાગ્યા થી શરૂ થયેલી આ પ્રક્રિયા રાત્રે ૮ વાગ્યા સુધી ચાલી હતી. મહાનગર જૂનાગઢના ૧૫ વોર્ડની ૬૦ બેઠક માટે ૪૫૦ જેટલા લોકોએ ચૂંટણી લડવા માટે ઈચ્છા વ્યકત કરી હતી. ભારતીય જનતા પાર્ટીની ગાઈડલાઈન મુજબ ૬૦ વર્ષથી વધુની ઉંમર ધરાવતા અને સતત ત્રણ ટર્મ ચૂંટણી લડ્યા હોય એવા ઉમેદવારોને આ વખતે ટિકિટ આપવામાં નહીં આવે.
આથી અમુક લોકોએ તેમના પરિવારજનોની ટિકિટની માગણી શરૂ કરી છે. એમાં પણ ભાજપની ગાઈડલાઈન છે કે, મહાનગરપાલિકામાં જેણે મહત્વના હોદા ભોગવ્યા હોય એવા નેતા ના પરિવારજનોને પણ ટિકિટ આપવામાં નહીં આવે આવી સ્થિતિ વચ્ચે ભાજપના અનેક ગત ટર્મમાં કોર્પોરેટર રહી ચૂકેલા આગેવાનોની ટિકિટ કપાઈ જાય તેવી શક્યતા છે. પાર્ટીના સંગઠનમાં મુખ્ય હોદ્દા પર હોય અને તેણે ચૂંટણી લડવી હોય તો સંગઠનના હોદ્દા પરથી રાજીનામું આપી ત્યારબાદ ટિકિટ માટેની દાવેદારી કરવાની રહેતી હોવાની ગાઈડલાઈન ના કારણે કેટલાક નેતાઓને દાવેદારી કરવાનું પણ મુલતવી રાખવાની ફરજ પડી છે. સેન્સ પ્રક્રિયા બાદ ભાજપ મોવડી મંડળ કોને કોને ટિકિટ આપે છે તે જોવું રહ્યું.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
