<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

જેતપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ તરફથી લડી લેવા ૧૧ વોર્ડ ની ૪૪ બેઠકો માટે ૨૮૯ મુરતિયાઓ મેદાનમાં

સૌથી વધુ વોર્ડ નંબર ૨ માં ૨૯ અને સૌથી ઓછા વોર્ડ નંબર ૫ માં ૧૧ લોકોએ ભાજપની ટિકિટ મેળવવા દાવેદારી કરી

 (કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. પ :.. જેતપુર - નવાગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આજે ભાજપ તરફી ઉમેદવારી ફોર્મ ભરવા પરિચય પત્ર ઉપાડવાનું ચાલુ થયું હતું. જેમાં ભાજપમાંથી ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોની સેન્સ માટે પ્રદેશમાંથી પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ સરવૈયા, પૂર્વ પ્રદેશ મંત્રી અલ્કાબેન મોદી તેમજ ધારાસભ્ય ડો. પ્રદ્યુમનભાઈ વાજા લેઉઆ પટેલ સમાજ ખાતે આવેલ હતાં.

જેમાં જેતપુર નગરપાલિકાના ૧૧ વોર્ડની ૪૪બેઠકો માટે ૨૮૯ જેટલા ભાજપના કાર્યકરોએ ટીકીટની દાવેદારી કરી છે. આ દાવેદારો માટેની ટીકીટ માટે સેન્સ લેવા આવેલ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયાએ ઉમેદવારી ફોર્મ માટે ત્રણ ટર્મ ચૂંટાયેલ હોય તેવા , તેમજ  ૬૦ વર્ષની ઉપરની વય ધરાવતા દાવેદારોને ટીકીટની મનાઈ, ટીકીટ માટે સક્રિય સભ્ય હશે તેઓ જ દાવેદારી કરી શકવાના નિયમો જાહેર કર્યા હતાં. આ નિયમોથી યુવા દાવેદારોમાં ખુશીની લહેર હતી જ્યારે પીઢ દાવેદારોએ હાલ પૂરતું મન મનાવ્યું હતું.

આ વખતે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકો ને લડી લેવાનો મૂડ હોય અને બધાને સેવા કરવી હોય વોર્ડ નંબર ૨ માં ૨૯ લોકોએ દાવેદાર માટે પરિચય પત્ર ભર્યા તો વોર્ડ નંબર પ માં સૌથી ઓછા ૧૧ ઉમેદવારો એ જ પરિચય પત્ર ભર્યા છે.

પાર્ટીના નિયમો તેમજ  ઉમેદવારો ક્યારે જાહેર થશે તે અંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ વાજાએ જણાવેલ કે, અમો સેન્સ લઈને દાવેદારોના દાવા પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરશું અને ટિકિટ કોને આપવી તેનો નિર્ણય આ બોર્ડ કરશે.

       હવે જોવાનું એ રહ્યું કે ભાજપ નિયમો સાથે નો રીપીટ થીયરી અપનાવશે કે પીઢ ઉમેદવારોને પોતાના નિયમોનેવે મૂકી ફરી મેદાનમાં ઉતારી નગરપાલિકા કબજે કરશે.

(2:00 PM IST)