<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

પોરબંદરમાં પુરતો વરસાદ છતાં પીવાના પાણીના સાંસાં

ડોર ટુ ડોર કચરો લઇ જવાની વ્યવસ્થા સામે ઠેર ઠેર કચરાના ઢગલાઃ જયુબેલી રોડ અને કડીયા પ્લોટ રેલ્વે ફાટકોના માથાના દુઃખાવારૂપ પ્રશ્નનો કાયમી ઉકેલ કયારે? મેઇન બજારમાં સરળ પાર્કીંગ વ્યવસ્થા નથી પોરબંદરની નવરચિત મહાનગરપાલીકા દ્વારા શહેરના અણઉકેલ પ્રશ્નો ઉકેલાય તે માટે વિવિધ સુચનો શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ વિપુલભાઇ શાંતિલાલ ચંદારાણાએ કલેકટરને મોકલી ધ્યાન આપવા માંગણી કરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૮ : નગરપાલીકામાંથી મહાનગરપાલીકા દ્વારા શહેરના જુના પીવાના પાણી સ્વચ્છતા આરોગ્ય સહીત અણઉકેલ પ્રશ્નો ઉકેલવામાં આવે તેવી માંગણી સાથે વિવિધ અમુલ્ય સુચનો કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ વિપુલભાઇ શાંતીલાલ ચંદારાણાએ કલેકટરને મોકલી આપેલ છે.

જીલ્લા કલેકટરને શહેરના વિકાસ માટે  વિપુલભાઇ શાંતીલાલ ચંદારાણા (કાર્યકારી શહેર પ્રમુખ કોંગ્રેસ)એ મોકલી આપેલ વિવિધ સુચનોમાં જણાવ્યું છેકે, રાજય સરકાર દ્વારા તાજેતરમાં પોરબંદર છાંયા નગરપાલીકાને અપગ્રેડ કરી મહાનગરપાલીકા બનાવવાનો આવકારદાયક નીર્ણય જાહેર કરવામાં આવેલ છે. ત્યાર બાદ પોરબંદર શહેરી વિસ્તારમાં સરેરાશ ૨૦ ઈચ વરસાદી પાણીથી જરૂરીયાત સંતોષાય જાય છે, છેલ્લા ૮-૧૦ વર્ષના રેકર્ડ મુજબ ૫૦ થી ૬૦ ઈચ જેવો ભારે વરસાદ થતો હોવા છતાં પ્રજાજનોને પુરતાં પ્રમાણમાં પીવા માટેનું પાણી મળતું નથી, પાણીએ પ્રાથમિક જરૂરીયાત છે અને મહાનગરપાલીકાની પણ પ્રાથમિક જવાબદારી, આ સંજોગોમાં દરેક વિસ્તાર સુધી પુરતાં પ્રમાણમાં પુરતો પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે.

શહેરની સુંદરતા અને સુખાકારી માટે રોડ-રસ્તા ખુબ જરૂરી હોય છે અને તેના કામ માટે સરકાર તરફથી ખુબ મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, આમ છતાં શહેરમાં અનેક જગ્યાએ રોડ-રસ્તાની અપુરતી સુવિધા જોવા મળે છે. વહીવટી તંત્ર દ્વારા સફાઈ માટે ડોર-ટુ-ડોર કચરો લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવેલ હોય અને લોકો પણ તેમાં સાથ-સહકારી આપી રહેલ છે છતાં અમુક વિસ્તારોમાં કચરાના ગંજ ખડકાયેલા જોવા મળે છે જેનો ઉકેલ લાવવો જરૂરી છે.  ટ્રાફીક વ્યવસ્થા આમ તો પોલીસ વિભાગ અંતર્ગત આવતું કામ છે છતાં શહેરમાં ભારે વાહનની પ્રવેશબંધી હોવા છતાં અમુક જગ્યાએ તોતીંગ ટ્રકો બેરોકટોક પસાર થતાં જોવા મળે છે તેનું નિરાકરણ લાવવું જરૂરી છે તેમ કલેકટરને શહેરી વિકાસ માટેના સુચનોમાં જણાવ્યું છે.

શહેરની મધ્યે ભરચક રહેણાંક વિસ્તારો જયુબેલી રોડ તથા કડીયા પ્લોટ તરફ જતાં રસ્તા પર રેલ્વે ફાટકો આવેલા છે, સરકાર દ્વારા ખુબ મોટા ખર્ચ સાથે રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવેલ છે પરંતુ આવા ફાટકોનો કાયમી ઉકેલ લાવવો અનિવાર્ય બની રહે છે.

છેલ્લા કેટલાંક સમયથી ચુંટાયેલા પ્રતિનિધીઓ દ્વારા શહેરીજનોના લાભાર્થે બાગબગીચાની સુવિધાઓ આપવામાં આવેલ છે, પરંતુ આ દરેક બાગબગીચાની યોગ્ય જાળવણી થતી નથી, બાળકો માટે મુકવામાં આવેલ રમત-ગમતના સાધનો કાટ ખાયેલ અથવા તુટેલી હાલતમાં જોવા મળે છે તેની વહેલી તરીકે ખરાઈ કરી કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને અને ખાસ, શહેરની મધ્યે ફુટપાથ જે રાહદારીઓના હાલ-ચાલ માટે અનામત રહેવી જોઈએ તેના બદલે નગરપાલીકા દ્વારા જ બ્યુટીફીકેશનના નામે બગીચા બનાવવામાં આવેલ છે તે સત્વરે ખુલ્લા કરી હાલ ખુલ્લી રહેલ સાંઢીયાગટર પણ બંધ કરાવીને ફુટપાથનો ઉપયોગ રાહદારીઓ કરી શકે તેવો પ્રબંધ કરવો જરૂરી છે.

શહેરમાં ભુગર્ભ ગટર યોજના બનેલ છે જેના માટે પણ સરકારશ્રી તરફથી ખુબ મોટી રકમ ફાળવવામાં આવેલ છે તેમજ પ્રજાજનો પાસેથી ડ્રેનેજ ચાર્જ વસુલ લેવામાં આવે છે પરંતુ આ ભુગર્ભ ગટર યોજનાથી પ્રજાને કોઈ જ લાભ થતો નથી ઉલ્ટાનું અનેક વિસ્તારોમાં આ ડ્રેનેજ ભરાઈ જવાથી કે સમયાંતરે સફાઈકાર્ય ન થવાથી છલકાતી અને ઉભરાતી જોવા મળે છે જેનું યોગ્ય મેઈન્ટેનન્સ થવું ખુબ જરૂરી છે.

 શહેરના મુખ્ય વિસ્તારો, માર્કેટ એરિયા તથા મેઈનબજારમાં સુયોગ્ય પાર્કીંગની વ્યવસ્થા ઉપલબ્ધ નથી તેમજ જાહેર શૌચાલયની પણ અતિ આવશ્યકતાં રહેલી છે અને તે તરફ આજસુધી કોઈ જ આયોજન કરવામાં આવેલ નથી, અને સતાધીશોની મદદથી બીલ્ડરો દ્વારા ક્રોકેટના જંગલો ઉભા થઈ ગયા હોય અને નિયમ વિરૂધ્ધના અનેક બાંધકામો ઉપયોગ થતાં હોય તેવું જોવા મળે છે, પરિણામે  પાયાની જરૂરીયાતો સંતોષી શકાતી નથી, પાર્કીંગ ન હોવાના કારણે ટ્રાફીક સમસ્યાઓ ઉદભવે છે અને જાહેર શૌચાલય ન હોવાથી અગર હોય ત્યાં તેની યોગ્ય જાળવણી થતી ન હોવાથી અસહય ગંદકી ઉદભવતી જોવા મળે છે જેનો ઉકેલ જરૂરી છે તેવા સુચનો શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ વિપુલભાઇ ચંદારાણાએ કલેકટરને મોકલી આપ્યા છે.

(2:32 PM IST)