<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

જુનાગઢ કોર્પોરેશન માટે ભાજપની યાદી જાહેરઃ ગિરીશભાઇ કોટેચાના પુત્રને ટિકીટ

વહેલી સવારે યાદી બહાર પડાઇઃ આજે સભા બાદ સામુહિક ફોર્મ ભર્યાઃ ૧૩ કોર્પોરેટર રીપીટ, બે પૂર્વ મહિલા મેયરને પણ ટિકીટ આપવામાં આવી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૧: વ્‍હેલી સવારે જૂનાગઢ મનપા ચૂંટણીના ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થઈ હતી. જેના પગલે ઉમેદવારોએ આગેવાનો સમર્થકોની હાજરીમાં ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. જુનાગઢ મહાનગરપાલિકાની સામાન્‍ય ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. છતાં આજે વહેલી સવારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જોકે કેટલાક ઉમેદવારોને મોડી રાત્રે જ ટિકિટ આપવામાં આવી હોવાની ટેલીફોનિક જાણ કરી દેવામાં આવી હતી.

સવારે જાહેર કરાયેલી યાદી અનુસાર પૂર્વ ડે. મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાને ઉમેદવાર બનાવવામાં આવ્‍યા છે. ભાજપની યાદીમાં રીપીટ કરવામાં આવ્‍યા છે. અને ૩૦ નવા ચહેરાને ઉમેદવાર બનાવવામાં આવેલ છે.

આ જ પ્રમાણે પૂર્વ ડેપ્‍યુટી મેયર સ્‍વ. કરમણ કટારાના પુત્ર અને પૂર્વ  કોર્પોરેટર એભા કટારાના ભત્રીજા આકાશને, પૂર્વ કોર્પોરેટર કિશોર અજવાણીના પુત્ર કલ્‍પેશ, પૂર્વ કોર્પોરેટર કિરીટ ભીભાના પત્‍ની લીરીબેન, હસમુખ ખેરાળાના પત્‍ની પ્રફુલાબેનને ટિકિટ આપવામાં આવી છે આમ જુનાગઢ મહાનગરના પાંચ વોર્ડમાં ભાજપની યાદીમાં પરિવારવાદ પણ જોવા મળ્‍યો છે.

પૂર્વ મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર તથા આદ્યાશક્‍તિબેન મજમુદારને ફરી ભાજપમાં ઉતાર્યા છે. જોકે ભાજપના ઉમેદવારોની યાદીમાં વોર્ડ નંબર ૮ના ઉમેદવારોના નામ જોવા મળ્‍યા નથી. આમ આ વોર્ડના નામ કેમ જાહેર કરવામાં આવ્‍યા નહીં તે અંગેની ચોક્કસ માહિતી મળી નથી. દરમિયાન સવારે વિજય વિશ્વાસ સભાનો કાર્યક્રમ કરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હતા. તેમ પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ અને જુનાગઢના પ્રભારી કમલેશભાઇ મીરાણીએ જણાવ્‍યું છે.

(12:34 PM IST)