તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
મુંબઈની લલના ઉપર દિલ આવી જતાં તેને પામવાના મોહમાં ૫.૫૮ કરોડ ગુમાવ્યા
દેવદાસ બનેલા ગાંધીધામના પરિણીત યુવાન આહીર યુવાન અરુણ રમેશભાઈ ઝરૂનો આંખ ઉઘાડતો કિસ્સો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ : અજાણી યુવતી સાથે મોજમજા કરી તેના પ્રેમમાં પડતા પહેલાં સાવધાન થઈ જજો ક્યાંક તમારે દેવદાસ બનવાનો વારો ન આવે. કચ્છના ગાંધીધામના એક યુવાને નોંધાવેલી પોલીસ ફરિયાદ આજે ફ્રેન્ડશિપ કે મોજ મજા કરવા અજાણી યુવતી, મહિલા સાથે સબંધ બાંધવા સામે ચેતવણી આપતો બનાવ છે. ગાંધીધામના પડાણા ગામે હરિઓમ નગરમાં રહેતા અને ખેતી તેમ જ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા આહીર યુવાન અરુણ રમેશભાઈ ઝરૂએ ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં મુંબઈની લલના અને તેના પુરુષ દલાલ સામે ગત તા.૨/૬/૨૧ થી ૨૩/૧૦/૨૩ એમ સવા બે વર્ષના ગાળા દરમ્યાન ૫.૫૮ કરોડ રૂપિયાની છેતરપીંડી કર્યાની પોલીસ ફરિયાદ લખાવી છે. ચારેક વર્ષ પહેલા મોટી ગાડી લેવા બે મિત્રો સાથે મુંબઈ ગયેલ ફરિયાદી અરુણની મુલાકાત સિમરન નામની લલના સાથે થઈ હતી. ત્યાં બંને વચ્ચે સેક્સ સબંધ બંધાયો હતો. ત્યારે સિમરનને ૨૫૦૦ રૂ. આપ્યા હતા. ત્યારબાદ ફરી મુંબઈ ગયેલ અરુણ અને સિમરન ભેગા થયા અને સંબંધ બાંધ્યો. પરિણીત અરુણ મુંબઈની લલના સિમરનના મોહપાશમાં અંજાયો અને સિમરનને ગાંધીધામ બોલાવી પણ હોશિયાર સિમરને દલાલ કૈલાશ રંગનાથ ગાયકવાડના નંબર આપી તેનો સંપર્ક કરવા કહ્યું. બસ ત્યારબાદ કોરોના સર્ટિફિકેટ કઢાવી પોતે સિમરનને મોકલશે એવું કહી અલગ અલગ બહાના બનાવી કૈલાસે રૂપિયા મંગાવવાનું શરૂ કર્યું અને સિમરનના મોહમાં અંધ બનેલા અરુણે દેવદાસની જેમ પોતાની માલ મિલ્કત વેંચી સવા બે વર્ષના સમયગાળામાં ટુકડે ટુકડે ૫૦ થી વધુ બેંક ખાતામાં ૫ કરોડ ૫૮ લાખ ૧૮ હજાર ૭૯ રૂપિયા મોકલ્યા. જોકે, સિમરન પણ ન આવી માલ મિલ્કત વેંચાઈ અને દલાલ કૈલાસે રૂપિયા પાછા ન આપ્યા. અંતે લલના સિમરન અને દલાલ કૈલાસ રંગનાથ ગાયકવાડ (ખારીવાડ, નાની દમણ) વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
