તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
ભાર વિનાનું ભણતર એ સાચું ઘડતર
એક બીજાની દેખાદેખી અને સમાજમાં માન મોભો જળવાય રહે તે માટે બાળકોને જેમાં રસ ન હોય તેવા વિષયમાં અનિચ્છાએ અભ્યાસમાં વાલીઓ મહેનત કરાવે છે ત્યારે એ ભુલી જાય છે આપણે પણ એક સમયે બાળક હતા

દરેક માનવીને પોતાના જીવનમાં ગરિમા હોય તે ગમતું હોય છે પરંતુ આ ગરિમા મેળવવા માટે શુદ્ધ નિષ્ઠા હોવી પણ તેટલી જ જરૂરી છે પરંતુ આ નિષ્ઠા મેળવવા માટે જીવનમાં સત્ય સારા વિચારો તથા માનવતા અને પ્રામાણિકતા હોવી પણ એટલી જ જરૂરી છે આજના આ જાજમકાળ ભર્યા સ્પર્ધાત્મક યુગમાં બાળકો કરતા તો વધારે બાળકોના સ્કૂલબેગમાં વજન હોય છે આજે એવી પરિસ્થિતિ છે કે હર કોઈ માતા પિતાને પોતાનો બાળક ટોપર જ જોઈએ છે.
બીજાની દેખાદેખી સમાજમાં પોતાનો માન મોભો જળવાઈ રહે એટલા માટે પોતાના બાળક પાસે અનિચ્છાએ સખત મહેનત કરાવે છે ત્યારે એ ભૂલી જાય છે કે આપણે પણ કયારેક બાળક હતા
બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે બાળકોમાં બને ત્યાં સુધી પરિક્ષા લક્ષી ભય ન અનુભવાય એટલા માટે પહેલા પ્રયત્નો ની શરૂઆત માતા પિતા થી થવી જોઈએ ત્યારબાદ શાળાએ જતા શિક્ષકોની ફરજમાં આવે છે બાળક એક કુમળી કડી છે તેને ફૂલ બની ખીલવા દો કયારેક આપણી વધારે પડતી રોકટોક અને અપેક્ષા એના કૌશલ્ય ઉપર દબાણ કરે છે.
આજે સમાજમાં ડિગ્રીઓ કરતા મહત્વનું કૌશલ્ય પ્રાધાન્યતા માનવામાં આવે છે. જો એમનામાં કંઈ પણ કાર્ય કરી શકવાની ક્ષમતા હશે તો એ અચૂક સફળ થશે કોઈની પણ સરખામણી કોઈની સાથે થઈ શકે નહીં. આ જગતમાં જન્મ લેનાર હર કોઈ બાળક યુનિક જ છે. માટે જ માતા પિતાએ પોતાના સંતાનોની ક્ષમતાઓને (આવડતને) પારખીને તેમને યોગ્ય કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ તેમજ આપણા મહાનુભાવો અને વિચારકોના જીવન સાથે જોડાયેલી
કથાઓ વાર્તાઓ આપણા બાળકને કહેવી જોઈએ ભગવાન ગૌતમ બુદ્ધ એ સંયમનો મહિમા દર્શાવતા એક પ્રસંગ નું વર્ણન ભગવાન ગૌતમ બુદ્ધ એકવાર ધર્મ પ્રચાર માટે દેશ-વિદેશ ખાતે દુતો મોકલી રહ્યા હતા ત્યારે તેમના મુખ્ય શિષ્ય ભિક્ષુ આનંદે પૂછયું આપ દુતો મોકલી રહ્યા છો, પણ તેમને સાધન તો આપતા નથી તો તેઓ પોતાની વ્યવસ્થા કેવી રીતે કરશે ને સાધનના અભાવે ધર્મ પ્રચાર કેવી રીતે કરશે? આના પ્રત્યુતરમાં ભગવાન બુદ્ધે કહેલું ભદંત .. આ બધા સાધારણ દુતો નથી તેમની પાસે ઈશ્વર દત્ત એવી ઇન્દ્રિય સંયમ, સમય સંયમ અને વિચાર શક્તિ રુપી સંપત્તિના સાધન છે એટલે એના દ્વારા તેઓ પુરુષાર્થ થી જ્યાં જશે ત્યાં શ્રદ્ધા, સાધન સંપત્તિ તથા સંયમ વડે પોતાના સાધનને મેળવી લેશે અને તેઓ વિચારક ક્રાંતિના અગ્રદૂત થઈ જશે.
આ પ્રસંગ ઉપરથી આપણે એ બોધ લઈ શકીએ કે મનુષ્યમાં ઇન્દ્રિય સંયમ તથા વિચારોનો સંયમ એ જ તેની મોટા મોટી સંપત્તિ છે આપણે આપણા બાળકોને બસ આ જ વારસો આપવાનો છે જેથી કરીને એ સમાજમાં અડીખમ બની રહે.
બાળકોને અને અભ્યાસી ઓને આપવા જેવા ત્રણ સુત્રો
પ્રતિબદ્ધતાઃ કોઈપણ કાર્ય કરવા માટે પ્રતિબદ્ધ (તૈયાર) હોવું જરૂરી છે જે કાંઈ પણ કાર્ય કરીએ છીએ તેની વળગી રહો વિશ્વાસથી પ્રયત્નોની દિશા ચાલુ રાખો.
પ્રસન્નતાઃ જે કાર્ય કરીએ છીએ તે પ્રસન્ન ચિત્તે પૂરી ઈમાનદારી સાથે શ્રેષ્ઠતા ને હંમેશા વળગી રહીએ.
પ્રામાણિકતાઃ હંમેશા આપણા સ્વ અને અન્ય સાથે પ્રામાણિક રહીએ આપણામાં છુપાયેલી યોગ્યતા અને પ્રતિકૂળતાનો સામનો કરીએ અને સ્વીકારીએ. હંમેશા યાદ રાખો પરીક્ષા એ આપણું જીવન નથી જીવન સાથે જોડાયેલો એક હિસ્સો છે માટે જ તેમને બોજ ન સમજી શોધ કરીએ.
ડો.મનીષા એચ.લાખાણી
પોરબંદર
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
