<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

મોરબીમાં કરોડોની જમીન પચાવવાના કારસા અંગે ભાઇ-તલાટી સહિતના સામે એસ.પી.ને ફરીયાદ

મૃત્‍યુ પામેલા ભાઇઓના વારસદારો હોવા છતાં અપરણિતનું સોગંદનામું કરાવી હકક-નામ કમી કરાવવા કારસો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧: મોરબીમાં સગા ભાઈઓના વારસદારોનો જમીનમાંથી હક અને નામ કમી કરાવનાર ભાઈ અને તલાટી સહિતનાઓની સામે એસપી સમક્ષ લેખીત ફરીયાદ થઇ છે.

મોરબીના રવાપર ઘુનડા રોડે આવેલ સભારાની વાડી ગાયત્રી સ્‍ટોન પાસે રહેતા મોરભાઈ રત્‍નાભાઈ પરમારએ મોરબી જીલ્લાના એસપીને દેવશીભાઈ ડાયાભાઈ પરમાર રહે. માધાપર શેરી નં. ૨૭, મોરબી,  પરમાર જગદીશ એન.,  ખોડાભાઈ, જે.વી.પરમાર (દેવશીભાઈ પરમારનો અંગુઠો ઓળખાવનાર), રવાપરા ગ્રામ પંચાયતમાં તા.૩૦/૧૨/૨૦૨૪ ના રોજ ફરજ પરના તલાટી-કમ-મંત્રી અને તપાસમાં ખુલે તે તમામ મદદગારો સામે કૌભાંડ અંગેની લેખિત રજુઆત કરીને બી.એન.એસ. ની કલમ ૩૧૬, ૩૩૪, ૩૩૬, ૩૩૮, ૩૪૦, ૫૪, ૬૧ મુજબ ફરીયાદ લઇને કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

હાલમાં સ્‍વ. રત્‍નાભાઈ ડાયાભાઈના દિકરા મોરભાઈ રત્‍નાભાઈ પરમારએ રજુઆત કરેલ છે તેમા જણાવ્‍યુ છે કે, મોરબીના સકત સનાળા ગામના સરવે નં. ૨૦૮ પૈકી ૨ ની ખેતીની જમીનના રેકર્ડમાં ગામ નમુના નં. ૬ માં નોંધ નં.૮૪૭૫ થી તા.૦૬/૦૧/૨૦૨૫ ના રોજ  જમીનમાંથી  હક અને નામ કમી કરવાની કાચી નોંધ પાડવામાં આવી છે જેમા જમીનના માલિક રત્‍નાભાઈ ડાયાભાઈ તથા માવજીભાઈ ડાયાભાઈ ના નામ કમી કરવા અંગેની નોંધ પડી છે. જેથી કરીને ફરીયાદી ઉપરાંત ગોરામભાઈ રત્‍નાભાઈ, મધુબેન રત્‍નાભાઈ, પાર્વતીબેન રત્‍નાભાઈ, દીવાળીબેન રત્‍નાભાઈ, નવધણભાઈ રત્‍નાભાઈ, રામજીભાઈ રત્‍નાભાઈ તથા માનુબેન રત્‍નાભાઈ વિગેરે વારસદારો હૈયાત હોય તેમ છતાં ફરીયાદીના પિતા અપરણીત અવશાન પામેલ છે તેવુ દર્શાવી આ નોંધ રેવન્‍યુ રેકર્ડમાં દાખલ કરીને કૌભાંડ કરવામાં આવ્‍યુ છે.

વધુમાં અરજદારના કહેવા મુજબ બોગસ દસ્‍તાવેજોના આધારે રેવન્‍યુ રેકર્ડમાં કાચી નોંધ દાખલ કરાવવામાં આવેલ છે. અને આ કૌભાંડ માટે દેવશીભાઈ ડાયાભાઈ પરમારના દ્વારા તદન ખોટી વિગતો વાળી અરજી કરવામાં આવેલ છે જેમા તેને પોતાના બે સગાભાઇ રત્‍નાભાઈ ડાયાભાઈ પરમાર તથા માવજીભાઈ ડાયાભાઈ પરમાર અપરણીત તથા નિઃસંતાન અવશાન થયેલ હોવાનું દર્શાવીને કૌભાંડ કર્યુ છે આ કૌભાંડમાં દેવશીભાઇના અંગુઠાનું નીશાન ઓળખાવનાર તરીકે જે.વી.પરમાર નામના શખ્‍સે સહી કરેલ છે અને દેવશીભાઇએ અરજી સાથે તા.૨૪/૦૯/૨૦૨૪ ના રોજનું  ‘ખેતીની જમીનમાંથી નામ કમી કરવા અંગેનું સોગંદનામું' સામેલ કર્યુ હતુ જે સોગંદનામું જોવામાં આવે તો પણ તેઓના દ્વારા માવજીભાઈ ડાયાભાઈ તથા રત્‍નાભાઈ ડાયાભાઈ અપરણીત તથા નિસંતાન અવશાન પામેલ હોવાનું દર્શાવવામાં આવેલ છે. અરજી સાથે તા. ૩૦/૧૨/૨૦૨૪ ના રોજનું તલાટી ક્રમ મંત્રી રવાપરા ગ્રામ પંચાયતનું સ્‍વ. રત્‍નાભાઈ ડાયાભાઈ પરમારનું પેઢીનામું રજુ કરવામાં આવેલ છે અને તેમાં પણ તેઓને અપરણીત અવશાન અને કુલ વારસદારોમાં છેકછાક કરેલ છે. તેજ રીતે તા.૩૦/૧૨/૨૦૨૪ ના રોજનું તલાટી ક્રમ મંત્રી રવાપરા ગ્રામ પંચાયતનું સ્‍વ. માવજીભાઈ ડાયાભાઈ પરમારનું પેઢીનામું રજુ કરવામાં આવેલ છે અને તેમાં પણ તેઓને અપરણીત અવશાન અને કુલ વારસદારો માં છેકછાક કરેલ છે. આમ દેવશીભાઈ ડાયાભાઈ દ્વારા કરવામાં આવેલ અરજીમાં પેઢીનામામાં પંચ તરીકે પરમાર જગદીશ અને ખોડાભાઈ દર્શાવવામાં આવેલ છે. આમ બોગસ અને ખોટી હકીકતો વાળી અરજી અને તે ખોટા સોગંદનામા અને પેઢીનામા આધારે કૌભાંડ કર્યુ છે અને રેવન્‍યુ રેકર્ડમાં કાચી નોંધ પણ દાખલ કરવામાં આવેલ છે.

 આ કૌભાંડ કરીને ફરીયાદી તેમજ સ્‍વ. રત્‍નનાભાઈ ડાયાભાઈ અને માવજીભાઇ ડાયાભાઇના વારસદારોની જમીન પચાવી પડવામાં આવેલ છે જેથી આ તમામ ભુમાફીયાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.

(1:52 PM IST)