<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

પોક્સો કેસમાં આરોપીને ૨૦ વર્ષની કેદ ૪ લાખ દંડ: ઇન્સ્ટા પર ફ્રેન્ડશીપ કરી સગીરાને સ્કૂલથી લઈ જઈ દુષ્કર્મ આચર્યું’તું

ભુજ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો : પોક્સો કોર્ટે ૧૯ દસ્તાવેજી પુરાવા અને ૧૦ સાક્ષી તપાસી આરોપી સમીર હમીદ પઠાણને સજાનો હુકમ કર્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫ : સગીર વયની દીકરીઓ સાથે થતાં દુષ્કર્મના કેસમાં પોક્સો કાયદા તળે ભુજની પોક્સો અદાલતના જજ વી.એ.બુદ્ધે આરોપી યુવાનને ૨૦ વર્ષની કેદ અને ૪.૧૦ લાખ રૂપિયા દંડ ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. આ બનાવની હકીકત પ્રમાણે ભુજની એક શાળામાં અભ્યાસ કરતી ૧૬ વર્ષની સગીરા સાથે ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડશીપ કેળવ્યા બાદ તેને આરોપી સમીર હમીદ પઠાણ તરૂણીને સ્કૂલેથી પોતાની બાઈક ઉપર નજીકના જદુરા ગામે લઈ ગયો હતો. ત્યાં બાવળની સીમમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. આ કેસ ચાલતા પોક્સો કોર્ટે ૧૯ દસ્તાવેજી પુરાવા અને ૧૦ સાક્ષી તપાસી આરોપી સમીર હમીદ પઠાણને ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૪.૧૦ લાખનો દંડ ફટકારી દંડની રકમના ૪ લાખ રૂપિયા ભોગ બનનાર સગીરાને વળતર પેટે આપવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ ધારદાર દલીલો કરી હતી.

(2:22 PM IST)