News of Wednesday, 5th February 2025
માળીયા મિંયાણાના વવાણીયા ગામે શિકાર બાબતે યુવાનની હત્યામાં બે શખ્સોના રીમાન્ડ મંગાયા
બંન્ને શખ્સોએ હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો'તો પણ પોલીસે ભાંડો ફોડયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૫: માળિયા મિંયાણા તાલુકના વવાણીયા ગામે શિકાર કરવા ગયેલા મિત્રોને બોલાચાલી થયા બાદ ઉગ્ર ઝઘડો થતા બંદુક વડે ફાયરીંગ કરી યુવાનની હત્યા નીપજાવવામાં આવી હતી જે બનાવ મામલે માળિયા પોલીસે ગુનો નોંધી હત્યાના ગુનામાં સંડોવાયેલ બે ઇસોને ઝડપી લઈને રીમાન્ડ ઉપર લેવા તજવીજ હાથ ધરી છે.
મોરબીના મહેન્દ્રપરા શેરી નં ૧૦ માં રહેતા ગુલામહુશેન અબ્દુલ પીલુડીયા (ઉ.વ.૬૨) વાળાએ આરોપી અસ્લમ ગફુર મોવર રહે વાવડી રોડ મોરબી અને જાવેદ ઉર્ફે જાવલો હાજી જેડા રહે માળિયા (મી.) એમ બે આરોપીઓ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના દીકરા વસીમ પીલુડીયા અને આરોપીઓ અસ્લમ મોવર તેમજ જાવેદ જેડા ત્રણેય વવાણીયા ગામની સીમમાં શિકાર કરવા ગયા હતા ત્યારે આરોપી અસ્લમે ઝાડીમાં છુપાવેલ દેશી બનાવટની બંદુક કાઢી લોડ કરી હતી અને શિકારની રાહમાં હતા ત્યારે શિકાર આવી જતા ફરિયાદીના દીકરા વસીમને શિકાર કરવા બાબતે બંને આરોપી સાથે બોલાચાલી થઇ હતી. જે બોલાચાલી ઉગ્ર બનતા ઝઘડો થયો હતો જેનું મનદુઃખ રાખી આરોપી જાવેદે દેશી બંદુકમાંથી ભડાકો કરી ફરિયાદીના દીકરા વસીમને ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું માળિયા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યા અને આર્મ્સ એક્ટ તેમજ જીપી એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી હતી અને માળિયા પોલીસે બંને આરોપી અસ્લમ મોવર અને જાવેદ જેડાને ઝડપી લઈને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે માળિયા પોલીસે હત્યાના ગુનામાં વપરાયેલ દેશી બંદુક અને બાઈક સહિતનો મુદામાલ કબજે લીધો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, પકડાયેલ બંન્ને શખ્સોએ હત્યાના આ બનાવને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો પણ પોલીસે તપાસ કરી ભાંડો ફોડી નાખ્યો હતો.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
