<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

સૌરાષ્‍ટ્રના દેવ સોલ્‍ટ ગ્રુપ ઉપર ઇન્‍કમટેકસના મોટા પાયે દરોડા

સૌરાષ્‍ટ્રના મોરબી કચ્‍છ હાઇવે ઉપર આવેલ માળીયા મિયાણા નજીક મીઠાનું ઉત્‍પાદન, વ્‍યાપાર ઉપરાંત હોટેલ ઉદ્યોગનો પણ મોટો બિઝનેશ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. ૭ :  રાજ્‍યમાં મીઠું એટલે કે નમકના ઉત્‍પાદનમાં ટોચનું સ્‍થાન ધરાવતા અને જુના પીઢ રાજકારણીના જમાઈ એવા ઉદ્યોગપતિની માળીયા મિયાણા તાલુકામાં આવેલ જાયન્‍ટ સોલ્‍ટ ફેકટરી તેમજ જામનગર અને અમદાવાદ સહિતની ઓફિસો અને નિવાસ ઉપર ઇન્‍કમટેક્‍સ વિભાગે વહેલી સવારથી જ દરોડા પાડયા છે. ઇન્‍કમટેક્‍સની ૨૫ થી વધારે ટીમોએ પાડેલા દરોડામાં મોટાપાયે ટેક્‍સ ચોરી ઝડપાવાની શકયતા જોવાઇ રહી છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લામાં નમક ઉત્‍પાદનમાં મોખરાનું સ્‍થાન ધરાવતા જામનગરના વતની અને જાણીતા પીઢ રાજકારણીના જમાઈ હીરેન્‍દ્રસિંહ ઝાલા અને ડી.એસ.ઝાલાના દેવ સોલ્‍ટ ગ્રુપ ઉપર ઇન્‍કમટેક્‍સ વિભાગે મોટા પાયે દરોડા પાડયા હોવાની વિગતો સામે આવી છે.

વહેલી સવારથી ઇન્‍કમટેક્‍સ વિભાગે પાડેલા દરોડામાં માળીયા મિયાણા તાલુકાના હરિપર નજીક આવેલ મીઠાના અગર, સોલ્‍ટ ફેકટરી ઉપરાંત જામનગર અને અમદાવાદ ખાતે આવેલ દેવ સોલ્‍ટ ગ્રુપના નિવાસ અને ઓફિસોમાં પણ તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. દેવ સોલ્‍ટ ગ્રુપ સામે મચ્‍છુ નદીના પાણી દરિયામાં જતા અટકાવવા સહિતના અનેક આક્ષેપો ભૂતકાળમાં થઈ ચુકયા છે. આજે સવારથી શરૂ થયેલ ઇન્‍કમટેક્‍સની કાર્યવાહીમાં ૨૫ જેટલી ટીમો દ્વારા માળીયા મિયાણાના હરિપર નજીક આવેલ સોલ્‍ટ ફેકટરી જવાના રસ્‍તા પણ બંધ કરી દઈ મોટા પ્રમાણમાં તપાસ કરવામાં આવી રહી હોઈ રેઇડ દરમિયાન વ્‍યાપક કરચોરી ઝડપાઇ તેવા સંકેતો મળી રહ્યા છે.

(11:56 AM IST)