<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

ચોટીલાના ત્રંબોડાનો વિજય બામણબોરથી ૧૬ અને ૧૪ વર્ષની બે સગી બહેનને ભગાડી ગયો!

ચોટીલા પંથકની બંને બહેનો બામણબોર મામાના ઘરે રહી કારખાને કામે જતી હતીઃ ૧૬ વર્ષની બાળાને વિજય સાડમીયાએ પ્રેમજાળમાં ફસાવી હતીઃ ઘરે ખબર પડતાં બંને બહેનોનું કામ મુકાવી દેવાયુ હતું: પગાર લેવા જવાનું કહીને બંને નીકળી પછી ગાયબઃ વિજય કારખાનામાંથી બંનેનો પગાર પણ લઇ ગયોઃ એરપોર્ટ પીઆઇ આઇ. એન. સાવલીયાની રાહબરીમાં પીએસઆઇ એન. કે. મિશ્રાએ તપાસ શરૂ કરીઃ વિજય કારખાનામાં બધાને સગીરા પોતાની પત્‍નિ હોવાનુ઼ કહેતો હતો!

રાજકોટ તા. ૧૦: બામણબોર પંથકમાં મામાના ઘરે રહી કારખાનામાં કામ કરતી ૧૬ અને ૧૪ વર્ષની બે બહેનો બે દિવસ પહેલા કારખાને પગાર લેવા જવાનું કહીને નીકળ્‍યા બાદ ગૂમ થઇ જતાં પરિવારજનોએ તપાસ કરતાં મોટી ૧૬ વર્ષની બહેનને કારખાનામાં જ સાથે કામ કરતો ચોટીલાના ત્રંબોડાનો શખ્‍સ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાનું અને સાથે સગીર પ્રેમિકાની ૧૪ વર્ષની નાની બહેનને પણ લેતો ગયાનું ખુલતાં ચકચાર જાગી છે. આ શખ્‍સ બંને બહેનોને ભગાડી જવા સાથે તેણીના કારખાનામાંથી પગાર પણ લેતો ગયો છે. સગીરા પોતાની પત્‍નિ હોવાનું તે કારખાનામાં બધાને કહેતો હતો!

આ બનાવમાં એરપોર્ટ પોલીસે નવાગામ બામણબોર પંથકમાં રહેતાં બંને બાળાઓના મામાની ફરિયાદ પરથી ચોટીલાના ત્રંબોડાગામના વિજય જીવરાજભાઇ સાડમીયા-દેવીપૂજક વિરૂધ્‍ધ અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફરિયાદીએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મજુરી કરી ગુજરાન ચલાવુ છું. મારે ત્રણ દિકરા અને પાંચ દિકરી છે. જેમાં  એક દિકરી ચોટીલા પંથકમાં સાસરે છે. તેને સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. જે પૈકી એક દિકરી ૧૬ વર્ષની, બીજી ૧૪ વર્ષની અને ત્રીજી ૧૨ વર્ષની છે. જેમાં ૧૪ અને ૧૨ વર્ષની દિકરીઓ એકાદ વર્ષથી નવાગામ બામણબોર પંથકમાં મામાના ઘરે રહી કારખાનામાં કામે જતી હતી. આ બંને પૈકી ૧૬ વર્ષની મારી ભાણીને તેની સાથે કારખાનામાં કામ કરતાં ત્રંબોડા-ચોટીલાના વિજય સાડમીયા સાથે પ્રેમસંબંધ હોવાની મને જાણ થતાં તેને મેં અઠવાડીયાથી કામે જતી બંધ કરી દીધી હતી.

દરમિયાન તા. ૭ના સાંજે છએક વાગ્‍યે મારી બંને ભાણી કારખાનેથી પગાર લેવા જવાનું કહીને નીકળી હતી. મોડી રાત સુધી પાછી ન આવતાં આસપાસમાં અને સગા સંબંધીઓને ત્‍યાં તેમજ તેના ઘરે ચોટીલા પંથકમાં તપાસ કરવા છતાં બંને મળી આવી નહોતી. ત્‍યારબાદ તા. ૮ના સવારે આઠેક વાગ્‍યે હું અને મારા પત્‍નિ બામણબોર જીઆઇડીસીમાં સ્‍વસ્‍તિક કારખાને તપાસ કરવા ગયા હતાં. જ્‍યાંથી અમને જાણવા મળેલુ કે મારી મોટી ભાણેજ ૧૬ વર્ષની છે તેણીને કારખાનામાં સાથે જ કામ કરતાં વિજય સાડમીયા સાથે પ્રેમસંબંધ હોઇ એ બંને અવાર-નવાર સાથે જોવા મળતાં હતાં. વિજય તો આ સગીરા પોતાની પત્‍નિ હોવાનું કારખાનામાં બધાને જણાવતો હતો.

વધુ તપાસ કરતાં એ પણ જાણવા મળ્‍યું હતું કે વિજય કારખાનામાંથી આ અમારી બંને ભાણીનો પગાર પણ લેતો ગયો છે. અગાઉ અમને ભાણીએ વાત કરી હતી કે તેણીને વિજય સાથે પ્રેમસંબંધ છે અને બંને લગ્ન કરવા ઇચ્‍છે છે. પણ અમે તેણીને ઉમર નાની હોઇ સમજાવી હતી અને ઉમર થયે લગ્ન કરાવી આપશું તેમ કહ્યું હતું. કારખાનામાં બીજા મજૂરોને પુછતાં છેલ્લે આ બંને બહેનોને વિજય સાથે જોઇ હોવાનું કહ્યું હતું. વિજય પોતે જેને પ્રેમ કરે છે તે ૧૬ વર્ષની અમારી ભાણેજને લલચાવી ફોસલાવી ભગાડી ગયો છે અને સાથે ૧૪ વર્ષની નાની બહેનને પણ લઇ ગયો છે.

આ બંને બહેનો ગૂમ થઇ ત્‍યારે મોટી બહેને કાળા રંગનું જીન્‍સ, પીળી કુર્તી પહેરી હતી. જ્‍યારે નાની બહેને કાળુ જીન્‍સ અને સફેદ ટી-શર્ટ પહેર્યુ હતું. એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવતાં પીઆઇ આઇ. એન. સાવલીયાની રાહબરીમાં પીએસઆઇ એન. કે. મિશ્રાએ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(2:40 PM IST)