News of Wednesday, 12th February 2025
ચોટીલા નજીક કારમાં દોઢ લાખનો દારૂ લઇ જતો અજમેરનો શખ્સ ઝડપાયો
દારૂ કયાંથી લવાયો અને કયાં જતો હતો? કટીંગની આશંકા સાથે તપાસ શરૂ

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા. ૧રઃ સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ની ટીમે ચોટીલા પંથકમાં પેટ્રોલિંગ દરમ્યાન સણોસણા - ખેરાણા રોડ ઉપર થી ફોર વ્હીલ કારમાં ઇંગ્લીશ દારૂની ૨૬૪ બોટલ, મોબાઇલ ફોન, કાર મળી રૂ. ૪,૦૩,૧૦૪ ના મુદ્દામાલ સાથે વિછીંયા તાલુકાનાં અજમેરનાં શખ્સને પકડી પાડી તપાસ હાથ ધરેલ છે.
પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય પઠાણ, આર.એચ.ઝાલા તથા સ્ટાફના વિજયસિંહ પરમાર, કુલદીપભાઇ બોરીચા, વજાભાઇ સાનીયા ની ટીમે કાચા રસ્તે સફેદ કલરની મારુતી સ્વીફ્ટ જી.જે.૦૩કે.સી.૫૦૬૬ ગાડી અટકાવી તલાશી લેતા પરપ્રાતિય ઇંગ્લીશ દારૂ મેક ડોનાલ્ડ નં૧ વ્હીસ્કીની શીલબંધ બોટલ નંગ-ર૬૪, રૂ.૧,૪૮,૧૦૪, મોબાઇલ ફોન, રુ.૫૦૦૦, સ્વીફ્ટ કાર રુ. ૨.૫૦.૦૦૦ મળી એમ કુલ રૂ.૪,૦૩,૧૦૪ ના મુદ્દામાલ સાથે વિછીંયા તાલુકાનાં અજમેર ગામનાં યોગેશભાઇ બચુભાઇ ઝાપડીયા ને પકડી પાડી તપાસ હાથ ધરેલ છે.
પકડાયેલ શખ્સ પકડાયેલ દારૂનો જથ્થો કોની પાસેથી લીધો હતો અને કયાં લઈ ને જતો હતો આ ઇંગ્લીશ દારૂના હેરફેરમાં અન્ય કોણ કોણ સંકળાયેલા છે. તેમજ નજીકના વિસ્તારમાં કોઇ કટીંગ થયેલ છે કે કેમ? તે સહિતની વિગતો માટે પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે. (તસવીરઃ હેમલ શાહ) (૭.૧૩)
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
