<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

જામનગર જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન મથકની અંદર મોબાઇલ ફોન જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવારના પ્રચારકો, કાર્યકર્તાઓ કે જેઓ સબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેઓએ લગત વિસ્તાર છોડવાનો રહેશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૫ :જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ના રોજ યોજાનાર છે. મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઇ રહે તેમજ મતદાનની પ્રક્રિયામાં કોઇ અવરોધ ઉભો ન થાય તથા જાહેર સલામતી જળવાઇ રહે તે માટે મતદાન મથકની અંદર મોબાઇલ ફોન જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ભાવેશ ખેર દ્વારા બહાર પાડવામાં આવેલ છે. જે અનુસાર ઉપરોકત વિસ્તારના મતદાન મથકોમાં મતદાન એજન્ટપ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટા તેમજ સબંધિત મતદાન મથકના નોંધાયેલ મતદારો મોબાઇલ ફોન સાથે તા.૧૬/૦૨/૨૦૨૫ ના સવારના ૭.૦૦ થી સાંજના ૬.૦૦ કલાક સુધી પ્રવેશ કરી શકશે નહી.ચૂંટણી ફરજ પરના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને, ચૂંટણી અધિકારીશ્રીએ ખાસ અધિકૃત કરેલ અધિકારીઓ/કર્મચારીઓ/વ્યક્તિઓને મતદાન મથકમાં મોબાઇલ ફોન સાથે પ્રવેશ કરવા પરનો પ્રતિબંધ લાગુ પડશે નહિ.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે.

          જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ના રોજ યોજાનાર છે.આ ચૂંટણીનું મતદાન મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ આદર્શ આચારસંહિતાનું પાલન થાય અને ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ભાવેશ ખેર દ્વારા જાહેરનામું બહાર પાડેલ છે. જે અનુસાર જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા, કાલાવડ નગરપાલિકા તથા જામનગર તાલુકા પંચાયતના મતદારમંડળ ૧૪-જામવંથલીના વિસ્તારમાં મતદાન પુરૂ થવાના સમય (તા.૧૬/૦૨/૨૦૨૫ ના સાંજના ૬.૦૦ કલાક)થી ૪૮.૦૦ કલાક અગાઉ (તા.૧૪/૦૨/૨૦૨૫ ના સાંજના ૬.૦૦ કલાક)થી એટલે કે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવારના પ્રચારકો, કાર્યકર્તાઓ કે જેઓ સબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેમણે તેવો વિસ્તાર છોડીને જતા રહેવાનું રહેશે.ઉમેદવારોના ચૂંટણી એજન્ટોને આ હુકમ લાગુ પડશે નહી. (ચૂંટણી એજન્ટ હોવા અંગેનો આધાર સાથે રાખવાનો રહેશે).આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ વિક્ષેપ ન થાય તે માટે  જાહેરનામુ

 જામનગર જીલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત ધ્રોલ નગરપાલિકાની મત ગણતરી પ્રાંત અધિકારીની કચેરી ધ્રોલ ખાતે, કાલાવડ નગરપાલિકાની મત ગણતરી કાલાવડ મ્યુનિસિપલ હાઈસ્કુલ, જામજોધપુર નગરપાલિકાની મત ગણતરી મધ્યસ્થ ખંડ, શ્રી એવીડીએસ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ૧૪-જામવંથલીની મત ગણતરી મામલતદાર કચેરી, જામનગર (ગ્રામ્ય) ખાતે તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ યોજવામાં આવશે. મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ શકે મતગણતરી દરમિયાન કોઈપણ વ્યક્તિ ખલેલ પહોંચાડે નહિ તથા મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી. એન ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ,

સક્ષમ અધિકારી તરફથી ઇસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના કોઇપણ વ્યક્તિ મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહી તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઇ આવે તે રીતે પ્રદર્શિત કરશે.

ઉમેદવારના મતગણતરી એજન્‍ટ કે જેમને મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઇસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકાશે નહી.

કોઇપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્‍ટ તેમજ મતગણતરી એજન્‍ટ સહિતના કોઇપણ વ્યક્તિ મતગણતરી કેન્‍દ્રના પરિસરમાં કે મતગણતરી હોલમાં મોબાઇલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહાર ના અન્ય કોઇ ઉપકરણો લઇ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી.

સમાચાર સંસ્થાઓના વ્યવસાય સાથે સંકળાયેલ પત્રકારો કે જેઓ રાજ્ય સરકાર તરફથી ઇસ્યુ થયેલ એક્રેડીશન કાર્ડ ધરાવે છે અને તેમને ચૂંટણીના કવરેજ માટે રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી કે આ માટે નિયત કરાયેલ અધિકારી દ્વારા પ્રવેશ પાસ આપવામાં આવેલ છે, તેવા પત્રકારો મત- ગણતરી માટે નક્કી થયેલ બિલ્ડીંગમાં રાખવામાં આવેલ મિડીયા સેન્ટર/કોમ્યુનિકેશન સેન્‍ટર સુધી મોબાઇલ સાથે જઇ શકશે પરંતુ તેઓને કોઇપણ મત વિસ્તારના મત ગણતરી હોલમાં મોબાઇલ સાથે પ્રવેશ કરવાની મનાઇ રહેશે.

જાહેર આરોગ્ય અને સુખાકારી માટે મત ગણતરી મથકમાં સ્વચ્છતા જળવાઇ રહે તે અતિ આવશ્યક હોય, સદરહુ બિલ્ડીંગમાં તેમજ કમ્પાઉન્‍ડમાં પાન, મસાલા, ગુટખા અને ધુમ્રપાન ઉપર નિષેધ રહેશે. મતગણતરી કેન્‍દ્ર પર સક્ષમ અધિકારીશ્રીએ નકકી કરેલ પાર્કીગ સ્થળે જ વાહન પાર્કીગ કરવાનું રહેશે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે. આ હુકમ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ થાણાના હેડ કોન્‍સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. તેમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

મત ગણતરી કેન્દ્રોના ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકઠા થવા અને સભા સરઘસ કાઢવા પર પ્રતિબંધ

 જામનગર જીલ્લાની જામજોધપુર, ધ્રોલ તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ તેમજ મત ગણતરી તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. મતગણતરીની કાર્યવાહી શાંતિપુર્ણ વાતાવરણમાં થઇ શકે મતગણતરી દરમ્યાન કોઇપણ વ્યક્તિ ખલેલ પહોંચાડે નહી, મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઇ બાધા કે વિક્ષેપ ઉભો ન થાય તથા મત ગણતરીની કામગીરી શાંતિપૂર્વક ચાલી શકે તે માટે મત ગણતરી મથકથી ર૦૦ મીટરની ત્રિજયામાં ચારથી વધુ વ્યકિતઓને એકઠા થવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. 

ધ્રોલ નગરપાલિકાની મત ગણતરી પ્રાંત અધિકારીની કચેરી ધ્રોલ ખાતે, કાલાવડ નગરપાલિકાની મત ગણતરી કાલાવડ મ્યુનિસિપલ હાઈસ્કુલ, જામજોધપુર નગરપાલિકાની મત ગણતરી મધ્યસ્થ ખંડ, શ્રી એવીડીએસ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ૧૪-જામવંથલીની મત ગણતરી મામલતદાર કચેરી, જામનગર (ગ્રામ્ય) ખાતે યોજવામાં આવશે. આ મતગણતરી કેન્દ્રના ર૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં તા.૧૮/૦૨/૨૦૨૫ ના સવારના ૦૫.૦૦ થી ર૪.૦૦ કલાક સુધી (મતગણતરી પૂર્ણ થાય ત્યા સુધી) ચાર કરતા વધારે વ્યકિતઓની મંડળી ભરવા અને સરઘસ કાઢવા તથા એકઠા થવા પર જાહેરનામામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. 

આ જાહેરનામું સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂએ રોજગારીમાં હોય તેવી વ્યકિતઓને, ફરજ ઉપર હોય તેવા બિન પોલીસ દળો જેવા કે ગૃહ રક્ષક દળના સભ્યોને, લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રાને, પોલીસ અધિક્ષકશ્રી અથવા તેમણે અધિકૃત કરેલ અધિકારીશ્રીએ અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, સંબંધિત વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રી તથા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીએ અધિકૃત કરેલ/મંજુરી આપેલ  વ્યકિતઓને લાગુ પડશે નહી.

 ચૂંટણી સબંધી વિસ્તારમાં ચાર કરતા વધુ વ્યક્તિઓની મંડળી ભરવા, બોલાવવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ

જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીનું મતદાન મુક્ત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ ચૂંટણી સંબંધી પ્રચાર માટે કે આવેદનપત્ર આપવાના હેતુથી કે દેખાવો યોજવાના હેતુથી જાહેર સ્થળોએ લોકો ટોળા સ્વરૂપે એકઠા કે પસાર થાય તેથી ભયમુક્ત વાતાવરણ ટાળવા તેમજ સમગ્ર જિલ્લામાં સુલેહ શાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ભાવેશ ખેર દ્વારા જાહેરનામું બહાર પાડી જામનગર જિલ્લામાં ઉક્ત ચૂંટણી સબંધી વિસ્તારમાં ચાર કરતા વધારે વ્યક્તિઓની મંડળી ભરવા, બોલવવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂએ રોજગારીમાં હોય તેવી વ્યક્તિઓને, ફરજ ઉપર હોય તેવા બિન પોલીસ દળો જેવા કે ગૃહ રક્ષક દળ, જી.આઇ.એસ.એફ. ફોરેસ્ટ, કસ્ટમ, સેન્ટ્રિલ એક્સાઇઝ, એન.સી.સી.વિગેરે કે જેને ખાસ પોલીસ અધિકારીના અધિકારો એનાયત થયેલ હોય તેવી વ્યક્તિઓને. લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રાને, મતદાર યાદીમાં નોંધાયેલ માન્ય મતદારોની મતદાન સમયેની હરોળ (ક્યુ/લાઇન)ને, ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી અથવા આવી પરવાનગી આપવા માટે અધિકૃત કાર્યપાલક મેજિસ્ટ્રેટ દ્વારા મંજુરી આપેલ વ્યક્તિઓને આ જાહેરનામુ લાગુ પડશે નહીં.આ હુકમ નગરપાલિકાઓની ચૂંટણી તેમજ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

(4:56 PM IST)