<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

કોડીનાર પાલિકામાં ૬૧.૩૬ ટકાઃ તાલાલા- તાલુકા પંચાયતમાં ૪૯.૬૧, ઉનામાં ૫૦.૯૦ ટકા મતદાન

ગીર સોમનાથ જિલ્લામાં ચુંટણીઓમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્નઃ વહીવટી તંત્રની સુદ્ઢ વ્યવસ્થાઓના વચ્ચે નગરપાલિકા અને તાલુકામાં નાગરિકોએ શાંતિપૂર્ણ માહોલમાં પોતાનાં મતાધિકારનો ઉપયોગ કર્યો

 

 

(અશોક પાઠક દ્વારા) ગીર સોમનાથ તા.૧૬: ગીર સોમનાથ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૫ અંતર્ગત કોડીનાર નગરપાલિકા અને તાલાલા, ઉના તાલુકાની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું. જેમાં સાંજના ૬ વાગ્યા સુધીમાં ટેન્ટેટીવ કોડીનાર નગરપાલિકામાં ૬૧.૩૬ ટકા અને તાલાલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ૪૯.૬૧ ટકા અને ઊના તાલુકા પંચાયતમાં ૫૦.૯૦ ટકા મતદાન નોંધાયું હતું.

ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને અધિક કલેકટર રાજેશ આલના સંકલનમાં રહીને વહીવટી તંત્રએ કરેલી સુદ્દઢ વ્યવસ્થાઓના વચ્ચે નગરપાલિકા અને તાલુકાના નાગરિકો શાંતિપૂર્ણ માહોલમાં કોડીનાર નગરપાલિકામાં અને તાલાલા તાલુકા પંચાયતની ૨ બેઠકો, જ્યારે ઊના તાલુકાની ૩ બેઠકો પર મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી હતી.

કોડીનાર નગરપાલિકાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપની ૪ બેઠકો બિન હરીફ જાહેર થતાં ૭ વોર્ડની ૨૪ બેઠકો માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. સવારે અતિ ધીમા અને નીરસ મતદાન બાદ બપોર પછી મતદાન વધુ માત્રામાં થતાં મતદાનનો આંકડો ઊંચકાયો હતો. અનેક મતદાન બુથો ઉપર લાઈનો જોવા મળી હતી.જેમાં મતદારો ના નામ બીજા બુથો માં ફરી જતા મતદારો દુવિધા માં મૂકાતા શરૂઆતમાં ૨ કલાક મતદાન અતિ ધીમું અને નીરસ થયું હતું.જ્યારે વોર્ડ નં.૩ માં બુખારી મોહલ્લામાં ચ્સ્પ્ માં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન અર્ધો કલાક ખોરવાયું હતું તેમજ તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરવામાં ન આવતા દિવ્યાંગ મતદારોને મતદાન કરવા તકલીફનો સામનો કરવો પડ્યો હતો. કોડીનાર નગરપાલિકા ની ચૂંટણીમાં નવ દંપતીઓ, યુવાનોની સાથે મોટી ઉમર ના વૃદ્ધો એ પણ ઉત્સાહ પૂર્વક મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.સાંજે ૫ વાગ્યા સુધીમાં ૫૫.૪૩ ટકા મતદાન થયું હતું.તો મતદાનનો સમય પૂર્ણ થતાં સાંજે ૬ વાગ્યે મતદાન મથકોના ગેટ બંધ કરવામાં આવ્યા હતા.કોડીનારમાં કુલ ૧૪ બિલ્ડીંગમાં ૩૨ બુથ ગોઠવવામાં આવ્યા હતા.તમામ બુથ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હોવાથી સેંકડોની સંખ્યામાં પોલીસ ગોઠવી દેવામાં આવી હતી.મતદાન પૂર્ણ થતાં કોડીનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૬૧.૩૬ ટકા મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પૂર્ણ થયું હતું. ૭ વોર્ડ ની ૨૪ બેઠકો માટે ૪૭ ઉમેદવારો ના ભાવિ મતદાન પેટી માં કેદ થતા હવે તા.૧૮ ના મતગણતરીનાં દિવસે પરિણામ આવશે

(12:02 PM IST)