<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

જેતપુર નવાગઢ પાલિકાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ ૫૨.૫૪ ટકા નિરસ મતદાન

૪૪ બેઠકો માટે ૧૪૦ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ મંગળવારે મતગણતરી થશેઃ પાલિકા પ્રમુખના વોર્ડમાં સૌથી ઓછું ૪૦.૦૯ ટકા તો સૌથી વધુ વોર્ડ ૭ માં ૬૧.૪૪ ટકા મતદાન નોંધાયું

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧૭: સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં ગતરોજ જેતપુર નવાગઢ નગરપાલિકા ની ૪૪ બેઠકો માટે ૧૪૦ ઉમેદવારો મેદાનમાં હોય મતદારો નું નિરસ ૫૨.૫૪   મતદાન નોંધાયું.

શહેરમાં કુલ ૪૪ બેઠકો માટે ૧૧૮ બુથ ઉપર મતદાન શરૂ થયેલ જોકે ઘણા ઉત્‍સાહી અને સક્રિય કાર્યકરોને ટિકિટ ન મળતા અપક્ષમાં ફોર્મ ભર્યા હતા તો અમુક કાર્યકર્તાઓ નિષ્‍ક્રિય થઈ ગયેલ જેથી કોઈ પણ વોર્ડમાં પ્રચારના ધમધમાટ જોવા મળ્‍યો ન હતો.

દેસાઈ વાડીમાં આવેલ પી. ડી. ચભાડીયા સ્‍કૂલમાં બુથ નંબર ૫ નું એવીએમ યોગ્‍ય રીતે ચાલતું ન હોય તેની ફરિયાદ કરાતા બીજુ ઇવીએમ મૂકવામાં આવેલ જેથી એક કલાક મતદાન મોડુ શરૂ થયેલ. ઉપરાંત સામાન્‍ય એવી બોલાચાલી સિવાય એકદમ શાંતિપૂર્ણ મતદાન થયેલ. હસમુખભાઈ ભેડા નામના વડીલે ગાંધીજીનો વ્‍યસ્‍ત ધારણ કરી હાથમાં પ્‍લે કાર્ડ દ્વારા લોકોને સો ટકા મતદાન કરવા અપીલ કરી હતી. ગુજરાતીની વાડીમાં આવેલ બુથમાં પથારીવસ એક મતદારે ટ્રાયેસિકલમાં આવી મતદાન કરેલ. આ ચૂંટણીમાં ઉમેદવારોની ઉથલપાથલ થયેલ હોય સરેરાશ મતદાન ઘટયું હતું જેમાં વોર્ડ નંબર સાતમાં સૌથી વધુ ૬૧.૪૪ ટકા તો પૂર્વ પ્રમુખના વોર્ડમાં સૌથી ઓછું ૪૦.૦૯ ટકા મતદાન થયું. બધા ઉમેદવારો પોત પોતાની જીતની આગાહી કરી રહ્યા છે શહેરમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે ભાજપ બહુમતી થી કદાચ દૂર રહેશે અને અપક્ષ વધુ ચૂંટાતા તેમનો હાથ ઉપર રહેશે.

આવતીકાલે સવારે સેન્‍ટ ફ્રાન્‍સિસ સ્‍કૂલ ખાતે મત ગણતરી કરવામાં આવશે. ચૂંટણીની પ્રક્રિયામાં ડે. કલેક્‍ટર રાહુલ ગમારા ના માર્ગદર્શન હેઠળ કુલ ૬૫૦ કર્મચારીઓ જોડાયા હતા. ચૂંટણીમાં કોઈ બનાવ ન બને માટે ડીવાયએસપી આરએ ડોડીયા, સીટી પીઆઈ એ ડી પરમાર, ઉદ્યોગ નગર પીઆઇ એમ એમ. ઠાકોર સહિત પોલીસ સ્‍ટાફ ખડે પગે રહેલ

(1:26 PM IST)