<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

વાંકાનેરના કેરાળા ગામે દોરા-ધાગાના ધતિંગનો પદાર્ફાશ કરતી વિજ્ઞાન જાથા

સૈયદબાપુ ફિરોઝ કાદરી ૧૦ વર્ષથી દુઃખદર્દ મટાડવાના બહાને તાવીજ દોરા માટે ૧૧૦૦ રૂા. પડાવતો હતોઃ વિજ્ઞાન જાથાનો ૧ર૬૩મો પદાર્ફાશ

તસ્‍વીરમાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડયા અને સૈયદબાપુ ફિરોઝ કાદરી નજરે પડે છે. (તસ્‍વીર : લિતેશ ચંદારાણા વાંકાનેર)

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૧ :.. વાંકાનેર તાલુકાના કેરાળા ગામે  મુંજાવર બાપુ સૈયદ ફિરોજભાઈ એહમદભાઈ કાદરી છેલ્લા દસ વર્ષથી દોરા-  ધાગા, ઈલમના ધતિંગ કરનાર બાપુનો વિજ્ઞાન જાથાએ ૧૨૬૩મો સફળ પર્દાફાશ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ અમદાવાદનો વતની બાપુ સૈયદ ફિરોજભાઈ એહમદભાઈ કાદરી નામનો ઇસમ વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહી છેલ્લા ૧૦ વર્ષથી દુઃખ-દર્દ મટાડવાના ધતિંગ કરતો હતો અને ઘરમાં પીરના નામે જોવાની ધતિંગ લીલા કરતો હતો. જે આરોપી પતિ-પત્‍નીના ઝઘડામાં ફોટો પર વિધિ વિધાન કરી, ડાકણ, ચુડેલનો આરોપ મૂકી અંદરોઅંદર ઝઘડો કરાવતો હતો.

માનસિક બીમારીનો ઉપચાર તેમજ તાવીજ દોરા માટે રૂપિયા ૧૧૦૦ જેવી રકમ પડાવતો હોવાનું વિજ્ઞાન જાથાની ટીમને જાણવા મળ્‍યું હતું, જેને પગલે આજે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્‍યાની ટીમે સ્‍થળ પર પહોંચી પોલીસને સાથે રાખી ધતિંગનો પર્દાફાશ કર્યો હતો.

વિજ્ઞાન જાથાની ટીમે આજે ૧૨૬૩ મો સફળ પર્દાફાશ કર્યો હતો વાંકાનેર સીટી પોલીસ ટીમને સાથે રાખી વિજ્ઞાન જાથા ટીમે સફળ ઓપરેશન પાર પાડ્‍યું હતું અને લોકોને આવા દોરા-ધાગાના ધતિંગ સામે જાગળત બનવા અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે અપીલ કરી હતી.

(2:27 PM IST)