<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

પોરબંદરની સરકારી હોસ્‍પિટલમાં કેન્‍સરનો નવો અદ્યતન વિભાગ શરૂ કરવાની બજેટમાં જાહેરાત

વિધાનસભામાં રજૂ બજેટ અંગે નાણામંત્રીશ્રી કનુભાઇની સ્‍પીચમાં ઇતિહાસમાં પ્રથમ વખત પોરબંદર વિકાસનો ૧૦ વખત ઉલ્લેખ કેન્‍સરના દર્દીઓને સારવાર માટે અમદાવાદ સુધી ધક્કા ખાવા નહીં પડેઃ રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં ગ્રંથાલયો અને પોરબંદર એરપોર્ટનો રનવે વધારીને અદ્યતન બનાવવા રાજયના બજેટમાં જોગવાઇઃ કરોડોની રકમની ફાળવણી બજેટમાં પોરબંદરના વિકાસ માટે કરોડોની રકમ ફાળવણીને આવકારતા અર્જુનભાઇ મોઢવાડીયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૧: નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કરેલ બજેટ પ્રવચન (સ્‍પીચ) ૨૦૨૫-૨૦૨૬માં ઈતિહાસમાં પહેલી વખત પોરબંદરનો ૧૦ વખત ઉલ્લેખ કરવામાં આવ્‍યો હતો.

બજેટમાં પોરબંદર મેડીકલ સરકારી હોસ્‍પિટલ ખાતે નવો કેન્‍સર વિભાગ શરૂ કરવાની જાહેરાત, જેથી કેન્‍સરની સારવાર માટે અમદાવાદ સુધીના ધક્કા નહીં ખાવા નહીં પડે. પોરબંદરમાં જિલ્લા કક્ષાનું અને રાણાવાવ-કળતિયાણામાં તાલુકા કક્ષાના ગ્રંથાલયો શરૂ કરવા માટે બજેટમાં કરાઈ જાહેરાત કરાઇ છે.

પોરબંદર એરપોર્ટ ઉપર મોટા હવાઈ જહાજ-પ્‍લેન લેન્‍ડ થઈ શકે તે માટે રન-વે ની લંબાઈ જે અત્‍યારે ૧૩૦૦ મીટર છે તે વધારીને ૨૬૫૦ મીટર કરવામાં આવશે, તેમજ એરપોર્ટનો વિકાસ કરીને આધુનિક એરપોર્ટ બનાવવામાં આવશે. બજેટમાં ગીર ગાયના આનુવાંશિક ઓલાદ સુધારણા, સંવર્ધન અને સંરક્ષણ માટે પોરબંદરના ધરમપુર ખાતે અત્‍યાધુનિક સુવિધાઓ ઉભી કરવા રૂપિયા ૨૩ કરોડની જોગવાઈ છે. મહેસુલી ભવનની કચેરીઓ એક જ ભવનમાં સમાવવા નવું મહેસુલ ભવન બનાવાશે તથા પોરબંદરમાં જુદા જુદા સરકારી વિભાગોની કચેરી માટે જિલ્લા સેવા સદનમાં વધારાના માળનું બાંધકામ કરવામાં આવશે.

નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત વિધાનસભામાં રજુ કરવામાં આવેલ વર્ષ ૨૦૨૫-૨૬ નું બજેટ પોરબંદર માટે અનેક રીતે ઐતિહાસીક બની રહ્યું છે. માનનીય નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ આજરોજ વિધાનસભામાં રજૂ કરેલ બજેટ પ્રવચન (સ્‍પીચ) ૨૦૨૫-૨૦૨૬માં ઈતિહાસમાં પહેલી વખત પોરબંદરનો ૧૦ વખત ઉલ્લેખ કરીને વિવિધ વિભાગો હેઠળ કરોડોની રકમ ફાળવણી કરવાની જાહેરાત કરી છે.

બજેટમાં પોરબંદરને લગતી કરવામાં આવેલ મહત્‍વપુર્ણ જાહેરાતોને આવકારતા  ધારાસભ્‍યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે પોરબંદરના વિકાસ માટે ગુજરાત સરકારના બજેટમાં અનેક મહત્‍વપુર્ણ જાહેરાતો કરવામાં આવી છે. નાણામંત્રીએ આરોગ્‍ય ક્ષેત્રે પોરબંદરની જનતાને મોટી ભેટ આપતા કેન્‍સરના દર્દીઓને ગુજરાત કેન્‍સર રિસર્ચ ઈન્‍સ્‍ટીટયુટ, અમદાવાદ સુધી સારવાર લેવા ન જવુ પડે અને નજીકમાં સુવિધા ઉપલબ્‍ધ બને તે માટે પોરબંદર ઉપરાંત વલસાડ, ગોધરા, હિંમતનગરમાં કેન્‍સરની સારવાર શરૂ કરવા માટે રૂપિયા ૧૯૮ કરોડની જોગવાઈ કરી છે. જે અંતર્ગત પોરબંદર અને આસપાસના જિલ્લાઓના કેન્‍સરના દર્દીઓને ઘર આંગણે સારવાર મળે તે માટે પોરબંદર મેડીકલ હોસ્‍પિટલ ખાતે નવો કેન્‍સર વિભાગ શરૂ કરવામાં આવશે. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્‍યું હતું કે બજેટમાં ગ્રંથાલયો તૈયાર કરવા માટે રૂપિયા ૧૩૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાંથી પોરબંદર ખાતે જિલ્લા કક્ષાનું ગ્રાંથાલય તેમજ કળતિયાણા અને રાણાવાવ ખાતે તાલુકા કક્ષાના ગ્રંથાલયો બનાવવામાં આવશે.

શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યુ હતું કે બજેટમાં પોરબંદર સહિતના સ્‍થળોએ નવા મહેસુલી ભવન સહિતની કચેરીઓના બાંધકામ માટે રૂપિયા ૬૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત પોરબંદરમાં મહેસુલી ભવનની કચેરીઓ એક જ ભવનમાં સમાવવા નવું મહેસુલ ભવન બનાવાશે તથા પોરબંદરમાં જુદા જુદા સરકારી વિભાગોની કચેરી માટે જિલ્લા સેવા સદનમાં વધારાના માળનું બાંધકામ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્‍યના નોટીફાઈડ ૧૦૪ મત્‍સ્‍ય ઉતરાણ કેન્‍દ્રો ખાતે માણખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે રૂપિયા ૩૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ પ્રધાનમંત્રી મત્‍સ્‍ય સંપદા યોજના માટે રૂપિયા ૩૫૩ કરોડની જોગવાઈ, ડીઝલ સબસીડી ચુકવવા માટે રૂપિયા ૩૫૦ કરોડની જોગવાઈ, દરીયાઈ મત્‍સ્‍યોદ્યોગ ક્ષેત્રે વિવિધ સાધન ખરીદી ઉપર સહાય તેમજ અન્‍ય બાબતો માટે રૂપિયા ૧૪૪ કરોડ આંતરદેશીય મત્‍સ્‍યોદ્યોગ માટે રૂપિયા ૬ર કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેનો લાભ પોરબંદર જિલ્લાના માછીમારોને પણ મળશે

(2:25 PM IST)