<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd February 2025

સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ પર પુરપાટ દોડતી એસ.ટી બસે બાઈકને ઉલાળતા 2 યુવતીના મોત

સુરેન્દ્રનગર માટે રવિવાર ગોઝારો :છેલ્લા 24 કલાકમાં 4 બનાવ, 8ના મોત; 21 ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ

સુરેન્દ્રનગર માટે આજનો રવિવાર ગોઝારો સાબિત થયો છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં અલગ-અલગ અકસ્માતના 4 બનાવમાં 8 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 15 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

છેલ્લા બનાવ મુજબ સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ પર પુરપાટ જઈ રહેલી એસ.ટી બસના ડ્રાઈવરે બાઈકને અડફેટમાં લીધુ હતુ. જેના કારણે બાઈક પર જઈ રહેલી બન્ને યુવતીઓ નીચે પટકાઈ હતી. જેમને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.

આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યારે અકસ્માત સર્જ્યા બાદ બસનો ડ્રાઈવર એસ.ટી ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. હાલ તો પોલીસે બસ જપ્ત કરીને ફરાર થઈ ગયેલા ડ્રાઈવરની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

બીજો બનાવ લીંબડી હાઈવે પર મોરવાડા ગામના પાટિયા નજીક બન્યો હતો. જેમાં પશ્ચિમ બંગાળના શ્રદ્ધાળુંના ગ્રુપને લઈને અમદાવાદ તરફ આવતી મિની બસ સામેથી આવતા ડમ્પર સાથે ધડાકાભેર ભટકાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા અને 4 પુરુષ સહિત 5 જેટલા શ્રદ્ધાળુઓ મોતને ભેટ્યા હતા. જ્યારે 10 જેટલા શ્રદ્ધાળુઓને ઈજા પહોંચતા ગંભીર હાલતમાં સાયલા અને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ત્રીજો બનાવ પણ લીંબડી હાઈવે પર જ બન્યો હતો. જેમાં ચોરણીયા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રવાસમાં દ્વારકા લઈ જતી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં સ્કૂલના 9 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો મળીને 11 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત બાદ ડમ્પરનો ડ્રાઈવર અને લક્ઝરીનો ચાલક ઘટના સ્થળે પોતાનું વાહન મૂકીને ભાગી છૂટ્યા હતા.

બીજી તરફ આ બનાવની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લીંબડીની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે લીંબડી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ ગઈકાલે વઢવાણ રેલવે સ્ટેશન નજીક બેફામ ડમ્પરે ઉમેશ ચૌધરી નામના રાહદારી યુવકને ચગદી નાંખ્યો હતો. આ અકસ્માતના પગલે ઘટના સ્થળે આવેલી પોલીસે ઉમેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ડમ્પર ચાલકની અટકાયત કરી હતી.

 

(11:18 PM IST)