<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

પોરબંદરની મહારાણા કાપડ મીલ બંધ થયાને આવતીકાલે ૪ર વર્ષ પૂર્ણઃ કામદારોના હકક હિસ્‍સા હજુ લટકતા

શિવરાત્રીએ મીલનું છેલ્લું વ્‍હીસલ વાગ્‍યું હતું: કાપડ મીલ બાદ અન્‍ય ૬૦% ઉદ્યોગો વારાફરતી બંધ થયા ઔદ્યોગિક વિકાસ ઠપ્‍પ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. રપ :.. દાયકાઓ પહેલા હજારો કામદારોને રોજીરોટી પુરી પાડતી મહારાણા કાપડ મીલ બંધ થયા ને આવતીકાલે શિવરાત્રીએ ૪ર વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. મહારાણા કાપડ મીલના હજૂ કેટલાંક કામદારો કે તેના વારસદારોને  કાયદાકીય ગુંચવણોને લીધે પુરતા હકક હિસ્‍સા મળી શકયા નથી તે કમનસીબી છે.

શિવરાત્રીએ મહારાણા મીલમાં કામની પાળીની રાત્રે ૧ર વાગ્‍યે વ્‍હીસલ વાગી હતી. ત્‍યાર પછી કોઇ કારણસર આ કાપડ મીલને તાળા લાગી ગયા હતાં. આ કાપડ મીલ બંધ થયા બાદ તે વખતે ચાલતા ૬૦% મોટા ઉદ્યોગો ટપોટપ બંધ થઇ જતાં શહેરમાં ઔદ્યોગિક વિકાસ ઠપ્‍પ થઇ ગયો હતો.

એક સમયે શહેરમાં મોટા ઉદ્યોગોમાં જગદીશ ઓઇલ ઇન્‍ડસ્‍ટ્રીઝ કે જે અરુણ વનસ્‍પતી ઘી બનાવતી હતી. જે બંધ પડી ગયેલ. મહારાણા કાપડ મીલ ગ્રુપની અન્‍ય એક જીનીંગ ફેકટરીને પણ તાળા લાગી ગયા હતાં. શહેરમાં ૧૦૦ વર્ષ જૂની એસએસસી સીમેન્‍ટ ઉદ્યોગ પણ સમયની થપાટમાં  સમેટાઇ જતાં શહેરમાં રોજગારી ઘટતી ગઇ હતી. એસ. એસ. સી. સીમેન્‍ટ બંધ થયા બાદ એચ. એમ. પી. સીમેન્‍ટ ફેકટરી શરૂ થઇ હતી.

તે પણ લાંબો સમય ચાલી શકી નહોતી. આ કપરા સમય ગાળામાં ઉદ્યોગનગરમાં મોટાભાગના નાના-મોટા ઔદ્યોગિક એકમ બંધ થઇ ગયેલા હતાં.

આજની તારીખે શહેરમાં એકમાત્ર કેમીકલ્‍સ ઉદ્યોગ જીવંત રહ્યો છે. આ ઉદ્યોગમાં પણ કામદારોની સંખ્‍યા ઘટાડવામાં આવી રહી છે. પોરબંદરની એક સમયે ઔદ્યોગિક ક્ષેત્રે નામના હતી. પરંતુ એક પછી એક ઉદ્યોગો બંધ થઇ ગયા હતાં. તે વખતે અગ્રણી નરેન્‍દ્રભાઇ અત્રીએ કાપડ મીલને પુનઃ ચાલુ કરાવવા અગાથ પ્રયાસો કર્યા હતાં. છતાં કાપડ મીલ ચાલુ થઇ શકી નહોતી.

પોરબંદરમાં બંધ થયેલા મોટા ઉદ્યોગોને પુનઃ શરૂ કરવા તે વખતે સરકારને પણ સફળતા મળી નહીં. વર્તમાન સમયે પોરબંદરના  ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા સાંસદ મનસુખભાઇ માંડવીયા અને રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા પોરબંદરના ઔદ્યોગિક વિકાસને પુનઃ ધમધમતો કરવા પ્રયત્‍ન કરે તેવું પોરબંદરની જનતા ઇચ્‍છી રહી છે. (પ-૮)

(2:02 PM IST)