<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

ગોંડલ નાનીબજારમાં જર્જરિત મકાન આખરે તોડી પડાયું

લતાવાસીઓ એ આંદોલનની ચિમકી આપતા તંત્રએ કરી કાર્યવાહી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. રપઃ ગોંડલની નાનીબજારમાં ધારશી પારેખની શેરીની સામે અતિ જર્જરિત થઇ ગયેલા અને બંધ હાલતમાં રહેલુ જુનવાણી મકાન કોઇ દુર્ઘટના સર્જે તે પહેલા તોડી પાડવા લતાવાસીઓ દ્વારા ચિફ ઓફિસરને રજુઆત કરી હતી પરંતુ વારંવાર રજૂઆત છતા કોઇ પગલા લેવાતા ના હોય ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્‍ચારાઇ હતી જે બાદ આખરે  નગરપાલિકા દ્વારા એ જર્જરિત મકાનને તોડી પડાયું હતું.

ત્રીસ વર્ષથી બંધ હાલતમાં રહેલું જુનવાણી મકાન જર્જરીત હોય ગમે ત્‍યારે જમીનદોસ્‍ત થાય તેવી દહેશત હતી જો રાહદારીઓ કે સામે આવેલી દુકાનો પર આ મકાનનો મલબો પડેતો જાનહાની સાથે દુર્ઘટના સર્જાય તેવી સંભાવના રહેતી હતી.

સામાન્‍ય વાવાઝોડુ કે ભુકંપ સામે આ મકાન ઝીંક જીલી શકે તેમ ન હતું મકાન ગમે ત્‍યારે જમીનદોસ્‍ત બને તેવી હાલત વચ્‍ચે લોકોનાં જીવ પડીકે બંધાય રહેતા હતા જેથી ધારશી પારેખની શેરીનાં લતાવાસીઓએ નગરપાલિકામાં વર્ષ ૨૦૨૩થી અવારનવાર રજુઆતો કરી રહ્યા હતા પરંતુ તંત્ર એ નોટિસ આપી ને સંતોષ માન્‍યો હતો પરંતુ ઉગ્ર રજૂઆત બાદ આખરે તંત્રની મોડે મોડે આંખ ખુલતા કામગીરી કરવામાં આવી હતી.

નગરપાલિકા દ્વારા જર્જરિત મકાન તોડતા સમયે આસપાસની દુકાનો બંધ કરાવી હતી અને જેસીબીની મદદથી મકાન તોડી પડાયું હતું.

સમગ્ર કાર્યવાહી દરમિયાન નગરપાલિકા ચીફ ઓફિસર અશ્‍વીનભાઇ વ્‍યાસ, પીજીવીસીએલ,  ટાઉન પ્‍લાનિંગ શાખાના અધિકારી, સેનિટેશન ઇન્‍સપેક્‍ટર કેતનભાઈ મકવાણા નગરપાલિકા સદસ્‍ય સહિતના સ્‍થળે હાજર રહ્યા હતા.(૬.પ)

(10:32 AM IST)