<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

કાલે સાધુ સંતોની રવેડી, મળગીકુંડમાં શાહી સ્‍નાન, પૂજા બાદ મહાશિવરાત્રિ મેળાનું સમાપન

મેળામાં ટ્રાફિક નિયમન માટે બપોરથી તમામ વાહનો માટે સોનાપુરીથી પ્રવેશબંધીઃ મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટશે

જુનાગઢ મહાશિવરાત્રી મેળામાં માનવ મહેરામણ   જુનાગઢઃ ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવના સાનિધ્‍યમાં મહાશિવરાત્રીના પાંચ દિવસના મેળામાં સતત માનવ મહેરામણ ઉમટી રહી છે ગત રાત્રે ત્રીજા દિવસે ભવનાથમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું અને  મેળાનો લાભ લીધો હતો. સોનાપુરી થી તમામ વાહનોનો પ્રવેશ અટકાવી દેવા તંત્રની ફરજ પડી હતી. (૩૬-પ)ᅠ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૫: ભવનાથ ખાતે શનિવાર થી શરૂ થયેલો મહાશિવરાત્રી મેળાનો આજે ચોથો દિવસ પૂર્ણ થવામાં છે. આવતીકાલે સંતોની રવેડી, મળગીકુંડમાં શાહી સ્‍નાન, ભવનાથ મહાદેવની પૂજા બાદ મહાશિવરાત્રિ મેળાનું સમાપન થશે.

મહાવદ નોમથી ચાલી રહેલો મહાશિવરાત્રીનો મેળો પૂર્ણતા તરફ સુખરૂપ, વિના વિઘ્‍ને આગળ ધપી રહ્યો છે. મેળાની પૂર્ણાહુતિ થવાને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા હોય આજે મેળામાં ભીડ ઉમટી પડવાની શકયતા હોવાથી બપોરે ૧ વાગ્‍યાથી તમામ વાહનો માટે સોનાપુરીથી પ્રવેશબંધીનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્‍યો છે.

મેળાના અંતિમ દિવસ દરમિયાન ભવનાથ ખાતે ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને ભાવિકોને કોઈ પ્રકારની અગવડતા નો સામનો કરવો પડે નહીં તે માટે તળેટી વિસ્‍તારમાં પાસ ધારક વાહનો સિવાયના ટુ વ્‍હીલર સહિતના વાહનોને સોનાપુરી ખાતેથી અટકાવી દેવામાં આવ્‍યા છે.

દરમિયાન મેળાનું મુખ્‍ય આકર્ષણ સાધુ સંતોની રવેડી ગુરુવારે શિવરાત્રીની સાંજે નીકળશે. જે માટેની જરૂરી તમામ વ્‍યવસ્‍થાઓ કરી લેવામાં આવી છે. ખાસ કરીને રવેડીના રૂટ પર બેરીકેટ ગોઠવવાનું શરૂ કરી દેવાયું છે. વિવિધ અંગ કસરતના દાવ પેચ લેતા સંતો તળેટીના વિવિધ માર્ગો પર થઈને ભાવિકોને દર્શન આપશે. અને ભવનાથ મંદિરે પહોંચી મળગી કુંડમાં તાાન કરી દેવાધિદેવ ભોળાનાથ ભવનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે. આ પછી પાંચ દિવસના મહાશિવરાત્રી મેળાનું વિધિવત સમાપન થશે.

આજે અને આવતીકાલે ભવનાથ ખાતેનો મહાશિવરાત્રી મેળો માણવા માટે મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટી પડવાની શકયતા હોવાથી રેલવે તંત્રએ આજે તથા આવતીકાલ અને ૨૮ ફેબ્રુઆરીના જૂનાગઢ-રાજકોટ વચ્‍ચે ખાસ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેન સવારે ૧૦ ૫૫ વાગ્‍યે રાજકોટથી ઉપડી બપોરે ૧ વાગ્‍યે જુનાગઢ પહોંચશે અને બપોરે ૧:૪૦ વાગ્‍યે જુનાગઢથી ઉપડી ૫:૦૫ વાગ્‍યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન ભક્‍તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્‍ટેશન પર ઉભી રહેશે.(૨.૧૪)

(11:13 AM IST)